Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

ખાપ પંચાયતનો વિચિત્ર ફતવો

પુરૂષો હાફ પેન્ટમાં બજાર કે જાહેર સ્થળોએ જવાનું ટાળે

મુઝફફરનગર તા. ૩૧ :.. ઉત્તર પ્રદેશના મુઝફફરનગરમાં ખાપ નેતાએ સલાહ આપી છે કે પુરૂષો હાફ પેન્ટમાં બજાર અથવા જાહેર જગ્યાઓએ ન જાય. ખાપ પંચાયતના નેતા નરેશ ટિકૈતે કહયું છે કે વડીલોએ નકકી કર્યુ છે કે બજાર અને અન્ય જાહેર જગ્યાઓએ પુરૂષોનું હાફ પેન્ટમાં જવું અપ્રિય છે. અમે આને હુકમ તો ન કહી શકીએ, આ એક સલાહ છે, ફકત છોકરીઓ પર આવી પાબંદીઓ લગાવવી તે કોઇ ઉપાય નથી.

આપ વિધાયક નરેશ કુમારના ભાઇની શોકસભામાં જતી વખતે બાગયતમાં હાઇવે પર આવેલ રેસ્ટોરન્ટમાં પત્રકારો સાથે વાતચીતમાં નરેશ ટીકૈતે કહયું કે ગત દિવસોમાં સામાજીક જાગૃતિ હેઠળ દિકરીઓને જીન્સ ન પહેરવા કહેવાયું હતું જેને ૮૦ ટકા દિકરીઓએ માની લીધું હતું. એ જ રીતે હવે છોકરાઓને જાગૃત કરાઇ રહ્યા છે. સાર્વજનીક રીતે હાફ પેન્ટનો પહેરવેશ શાલીન નથી. છોકરાઓ પણ સમજી રહ્યા છે અને ધીમેધીમે પહેરવેશમાં ફેરફાર આવશે.

તેમણે ફરીદાબાદના ચર્ચિત નિકિતા હત્યાકાંડ બાબતે પણ કહયું કે છોકરીઓ સાથે છેડછાડ પછી હત્યા કરી નખાય છે. અપરાધીઓ રસ્તાઓ પર બેખોફ બનીને ફરે છે. દુષ્કર્મના આરોપીઓને ફાંસીની સજા મળવી જોઇએ. તેમણે કહયું કે મહિલાઓ સાથે દુષ્કર્મ અને લવ જેહાદના નામે હત્યા કરનારાઓને તાત્કાલીક ફાંસી અપાવી જોઇએ.

બાલિયાન ખાપના ચૌધરી નરેશ ટીકૈત આ વર્ષે ઓગસ્ટમાં પણ ચર્ચામાં આવ્યા હતાં. જયારે તેમણે અયોધ્યામાં શિલાન્યાસ કાર્યક્રમમાં તેમને રામના વંશજ હોવાના નાતે આમંત્રણ મળવાની આશા વ્યકત કરી હતી. તેમણે કહયું હતું કે અમે રામના વંશજ રઘુવંશી છીએ. ઇતિહાસમાં એ વાતની સાબિતીઓ છે કે રાજા માનસિંહ અને ટીકૈત પરિવરના પૂર્વજ ટીકૈત રાયના પ્રયત્નોથી જ જન્મભૂમિ મંદિરનું નિર્માણ કરાયું હતું. બાલિયાન ખાપનું ગોત્ર રઘુવંશી છે. રઘુવંશી મુળ રૂપે રઘુકુળ વંશના જ છે.

(3:06 pm IST)