Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

૩૦૦ સુધીની સંખ્યાવાળી કંપનીઓ પરવાનગી વગર કર્મચારીને તગેડી શકશે : ૧પ દિ'ની નોટીસ કાઢી

રોજગાર મંત્રાલયે ઇન્ડસ્ટ્રીયલ રીલેશન કોડ માટે ડ્રાફટ રૂલ્સનો પ્રથમ સેટ જારી કર્યો : યુનિયન-કંપની-માલિક બધા પાસે ઇલે. કોમ્યુનિકેશન સિસ્ટમ અનિવાર્ય બનશે

નવી દિલ્હી, તા. ૩૧ :  સંસદમાં ગયા મહિને ત્રણ લેબર કોડનો રસ્તો સાફ થયા પછી રોજગાર મંત્રાલયે ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સ કોડ માટે ડ્રાફટ રૂલ્સનો પહેલો સેટ બહાર પાડી દીધો છે. મુસદ્દામાં સુધારા હેઠળ કર્મચારીઓ માટે હડતાલ કરવા સાથે સંકળાયેલી પરિસ્થિતિઓમાં ફેરફાર કરી દેવાયો છે. સાથે જ ૧૦૦ જગ્યાએ ૩૦૦ ની સંખ્યા સુધીના કર્મચારીઓ ધરાવતી કંપનીઓ હવે સરકારની મંજુરી વગર લોકોને કાઢી શકશે. એટલું જ નહીં, ૧પ દિવસની નોટીસ જ પુરતી ગણવામાં આવશે.

ડ્રાફટ રૂલ્સ (એક મહિના સુધી તેને જનપ્રતિક્રિયા માટે રાખવામાં આવ્યો હતો) માં મોટાભાગે સંપર્ક માટે ઇલેકટ્રોનિક પધ્ધતિનો પ્રસ્તાવ છે, જેમાં બધા ઔદ્યોગિક એકમો માટે ઇ-રજીસ્ટર મેઇન્ટેઇન કરવાનું કહેવાયું છે. સાથે જ છંટણી (લેઓફ) અંગે કંપનીઓએ ૧પ દિવસ પહેલા નોટીસ, છુટા કરવા (રીટ્રેન્ચમેન્ટસ) માટે ૬૦ દિવસ અગાઉ નોટીસ અને કંપની બંધ કરવા માટે ૯૦ દિવસ પહેલા નોટીસ આપવી પડશે.

જો કે નિયમોમાં મોડલ સ્ટેન્ડીંગ ઓર્ડરને બાકાત રાખી દેવાયો છે અને ટ્રેડ યુનિયનો માટે નિયમો બનાવવાનું રાજય સરકારો પર છોડી દેવાયું છે. આ પગલા બાબતે નિષ્ણાંતોનું કહેવું છે કે તેનાથી દેશભરમાં નિયમોમાં વિસંગતતાઓ ઉભી થશે.

એકસએલઆરઇના પ્રોફેસર અને લેબર ઇકોનોમીસ્ટ કે.આર. શ્યામ સુંદરે કહ્યું ''મોડલ સ્ટેન્ડીંગ ઓર્ડર સૌથી મહત્વની વસ્તુ હતી. કેન્દ્ર સરકાર તેને બનાવી શકે અને કંપનીઓ તેનો અમલ કરે ત્યારે તે સ્ટેન્ડીંગ ઓર્ડર બને. શકય છે કે સરકાર આના માટે વટહુકમનો ઉપયોગ કરે પહેલા તેનો ઉપયોગ નિયમો સાથે કરાતો હતો પણ હજુ સુધી તેને નથી લાવવામાં આવ્યો જે સાચી પ્રક્રિયા નથી.

(11:24 am IST)