Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

૧લી ઓક્ટોબરથી નવો લેબર કોડ લાગુ થવાની શક્યતા : દેશમાં ફાઈવ-ડે વીકનું નવું વર્ક કલ્ચર અસ્તિત્વમાં આવશે

છને બદલે પાંચ જ દિવસ કામ કરવાનું થશે:નવી જોગવાઈ પ્રમાણે કામના કલાકો આઠને બદલે નવ થશે

નવી દિલ્હી :  કેન્દ્ર સરકાર ૧લી ઓક્ટોબરથી દેશમાં નવો લેબર કોડ લાગુ કરે તેવી શક્યતા છે. તે સાથે જ ઓફિસમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે. જો લેબર કોડ લાગુ પડશે તો દેશમાં ફાઈવ-ડે વીકનું નવું વર્ક કલ્ચર અસ્તિત્વમાં આવશે. દિવસમાં કામના કલાકો આઠને બદલે નવ થશે.

કેન્દ્ર સરકાર ૧લી ઓક્ટોબરથી લેબર કોડ લાગુ કરવાનું વિચારી રહી છે. જો દેશભરમાં લેબર કોડ લાગુ પડશે તો ઓફિસનું વર્ક કલ્ચર ઘણું બદલાઈ જશે. ઓફિસમાં કામ કરવાની પદ્ધતિ બદલાઈ જશે. કારણ કે નવી જોગવાઈ પ્રમાણે કામના કલાકો આઠને બદલે નવ થશે, તેની સામે સપ્તાહમાં છને બદલે પાંચ જ દિવસ કામ કરવાનું થશે.
કોઈ પણ કંપની કર્મચારી પાસે લગલગાટ પાંચ કલાકથી વધુ કામ લઈ શકશે નહીં.

પાંચ કલાક પછી ફરજિયાત અડધા કલાકનો બ્રેક આપવો પડશે. જો આનું પાલન નહીં થાય તો કંપનીઓ સામે કાર્યવાહી થઈ શકશે. વળી, આ લેબર કોડમાં ઓવરટાઈમની સિસ્ટમ પણ બદલાશે. નિયત કલાકો કરતાં ૧૫થી ૩૦ મિનિટ વચ્ચેનો કામનો સમય વધશે તો ઓવર ટાઈમ ૩૦ મિનિટ ગણવો પડશે. અત્યારે ૩૦ મિનિટથી ઓછો સમય ઓવરટાઈમ હોય તો તેનું વળતર કર્મચારીને આપવું પડતું નથી.
કામના કલાકો બદલાશે પણ સપ્તાહમાં કામના દિવસો ઘટશે. તે ઉપરાંત આ લેબર કોડમાં એવી પણ જોગવાઈ કરાઈ છે કે કોઈ કર્મચારી સપ્તાહમાં ચાર દિવસ ૧૨-૧૨ કલાક કામ કરવાનો વિકલ્પ પસંદ કરે તો તેને સપ્તાહમાં ત્રણ દિવસની રજા મળશે.
૨૦૨૦ના સપ્ટેમ્બરમાં જ આ બિલ સંસદમાં પસાર થઈ ગયું હતું. ૨૦૧૯માં ત્રણ લેબર કોડ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં લેબર ઈન્ડસ્ટ્રીયલ રિલેશન, કામની સુરક્ષા અને વર્કિંગ કન્ડિશનનો સમાવેશ થતો હતો. ઓક્ટોબર-૨૦૨૧થી આ નવો કોડ લાગુ કરવા શ્રમ મંત્રાલય પ્રયાસો કરે છે.

(12:14 am IST)