Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

કાલથી એક મહિના માટે ભારતના હાથમાં સંયુક્‍ત રાષ્‍ટ્ર સુરક્ષા પરિષદની કમાનઃ સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્‍થાપવાની કવાયત અને આતંકવાદ ઉપર પ્રહાર મુખ્‍ય મુદ્દા

યુએન મહાસભા પ્રમુખને મુખ્‍ય ગતિવિધીઓથી અવગત કરાશે

ન્યૂયોર્ક: 1 ઓગસ્ટથી એક મહિના માટે ભારતના હાથમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કમાન હશે. ભારત 1 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અધ્યક્ષતા સંભાળશે અને આ મહિના દરમિયાન સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપનાની કવાયત કરવા અને આતંકવાદ પર પ્રહાર કરવા તૈયાર છે. મહાસભા અધ્યક્ષના કાર્યાલયમાંથી મળેલી જાણકારી અનુસાર, ભારતના રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ યુએન મહાસભા પ્રમુખને ભારતની અધ્યક્ષતા દરમિયાન થતી મુખ્ય ગતિવિધિથી અવગત કરાવવાનું છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટીએસ તિરૂમૂર્તિએ અધ્યક્ષતા સંભાળ્યા પહેલા એક વીડિયો સંદેશમાં કહ્યુ કે જ્યારે અમે ઓગસ્ટમાં પોતાનો 75મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યા છીએ, તે મહિને સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરવા અમારી માટે એક સમ્માનની વાત છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં અધ્યક્ષ તરીકે ભારતનું પ્રથમ કાર્ય દિવસ સોમવારે 2 ઓગસ્ટે હશે. તિરૂમૂર્તિ સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયમાં મહિના માટે પરિષદના કાર્યને લઇને કાર્યક્રમ પર પ્રેસ વાર્તા કરશે.

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જાહેર એક કાર્યક્રમ અનુસાર, તિરૂમૂર્તિ સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશો માટે એક બ્રીફિંગ પણ આપશે, જે મહિના માટે પરિષદના ગેર-સદસ્ય છે. મહત્વપૂર્ણ છે કે સુરક્ષા પરિષદના એક અસ્થાયી સભ્યના રૂપમાં ભારતના બે વર્ષના કાર્યકાળ 1 જાન્યુઆરી, 2021માં શરૂ થયો હતો. આ સુરક્ષા પરિષદના ગેર સ્થાયી સભ્ય તરીકે 2021-22ના કાર્યકાળ દરમિયાન ભારતની પ્રથમ અધ્યક્ષતા છે. ભારત આવતા વર્ષે ડિસેમ્બરમાં ફરી સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કરશે.

પોતાની અધ્યક્ષતા દરમિયાન ભારત દરિયાઇ સુરક્ષા, શાંતિ, રક્ષા અને આતંકવાદને રોકવા જેવા વિષયો પર ધ્યાન આપશે તથા આ મુદ્દા પર ઉચ્ચ સ્તરીય કાર્યક્રમોની અધ્યક્ષતા કરશે અને ઠોસ રણનીતિ બનાવવા પર ભાર આપશે. તિરૂમૂર્તિએ કહ્યુ કે ભારત પરિષદની અંદર અને બહાર બન્ને જગ્યાએ આતંકવાદ સામે લડવા પર ભાર આપતુ રહ્યુ છે. અમે આતંકવાદ સામે લડવાના પ્રયાસોને માત્ર મજબૂત જ નથી કર્યા ખાસ કરીને આતંકવાદના નાણા પોષણને જ નહી આતંકવાદ પર ધ્યાનને નબળો કરવાના પ્રયાસને પણ રોક્યો છે.

(5:02 pm IST)