Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

વિદેશ યાત્રાએ જતા પહેલા જમા કરાવેલ રકમ 2 કરોડ રૂપિયા કાર્તિ ચિદમ્બરમને તાત્કાલિક પરત આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ

કાર્તિના એડવોકેટ કપિલ સિબ્બલે કરેલી દલીલ મુજબ કોર્ટના આદેશ અનુસાર જમા કરાવેલી રકમ ભારત પરત આવી ગયાના એક મહિના પછી પણ પરત મળી નથી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે ગઈકાલ શુક્રવારે કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે વિદેશ યાત્રાએ જતા પહેલા જમા કરાવેલી 2 કરોડ રૂપિયાની રકમ તાત્કાલિક પરત કરવાનો આદેશ કર્યો છે.

આ વર્ષે ફેબ્રુઆરી માસમાં કાર્તિ ચિદમ્બરને વિદેશ પ્રવાસે જવાની મંજૂરી આપતા પહેલા કોર્ટે 2 કરોડ રૂપિયા જમા કરાવવા આદેશ કર્યો હતો. તથા તેને છ મહિનાના સમયગાળા માટે જવાની મંજૂરી આપતા પહેલા તેના વિદેશના પ્રવાસ અને તે જ્યાં રહેવા જવાનો છે તે સ્થળ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

ચિદમ્બરમ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે ચિદમ્બરમને ભારત પરત આવ્યા બાદ તેણે જમા કરાવેલી રકમ પરત મળવી જોઈતી હતી. જે પરત ફર્યાના એક માસ બાદ પણ  પરત કરવામાં આવી નથી. એડવોકેટની દલીલો સાંભળ્યા બાદ જસ્ટિસ એએમ ખાનવિલકર, કૃષ્ણ મુરારી અને વી રામસુબ્રમણ્યમની ખંડપીઠે કાર્તિએ જમા કરાવેલી રકમ તાત્કાલિક પરત આપવા આદેશ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે વરિષ્ઠ એડવોકેટ અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમ હાલમાં એરસેલ-મેક્સિસ, આઈએનએક્સ મીડિયા કેસોમાં જામીન પર હોવાથી વિદેશ પ્રવાસ માટે સુપ્રીમ કોર્ટની પરવાનગી લેવી પડી હતી.તેવું એલ.એલ.એચ.. દ્વારા જાણવા મળે છે.

(1:16 pm IST)