Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

અફઘાનિસ્તાનમાં આવેલા સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો: એક ગાર્ડનું મોત

હુમલાખોરોને સરકારવિરોધી તત્વ ગણાવ્યા : અન્ય અધિકારીને ઈજાઓ પહોંચી

અફઘાનિસ્તાનમાં સતત હિંસા ચાલી રહી છે. તાલિબાને સંપૂર્ણ અફઘાનિસ્તાનમાં હાહાકાર મચાવ્યો છે. તાજેતરમાં અફઘાનિસ્તાનમાં સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક ગાર્ડનું મોત થયું છે. જોકે અફઘાનિસ્તાનમાં સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશને તાલિબાનનું નામ નથી લીધું અને હુમલાખોરોને સરકારવિરોધી તત્વ ગણાવ્યા હતા.

સંયુક્ત રાષ્ટ્ર સહાયતા મિશનના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાનના હેરાતમાં સરકાર વિરોધી તત્વોએ સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય પરિસર પર હુમલો કર્યો હતો. તેના પરિણામસ્વરૂપ એક અફઘાન પોલીસ ગાર્ડનું મોત થયું હતું અને અન્ય અધિકારીને ઈજાઓ પહોંચી હતી

  તાલિબાની ફાઈટર્સે અફઘાનિસ્તાનના 20 પ્રાંતોમાં મોરચો માંડેલો છે. કંધારમાં સ્થિતિ એટલી હદે બગડી ગઈ છે કે, હજારો લોકો શહેરમાં ફસાઈ ગયા હોવાનું અનુભવી રહ્યા છે. જ્યારે કેટલાય લોકો સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરી ચુક્યા છે. તાલિબાન આતંકવાદીઓ શહેરમાં પ્રવેશવા માટે એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે પરંતુ હજુ સફળ નથી થઈ શક્યા. આ કારણે તેમણે આજુબાજુના જિલ્લાઓમાં કબજો જમાવ્યો છે.

(12:45 pm IST)