Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

દિલ્હી-અમદાવાદ પ્રવાસ માત્ર ૩.૫ કલાકમાં

હાઇસ્પડ ટ્રેન દોડાવવાની તૈયારી થઇ રહી છે : ૩૫૦ કિમીની ઝડપે દોડશે ટ્રેનઃ ખાસ ૮૮૬ કિમી માટે કોરીડોર તૈયાર થશે

નવી દિલ્હી, તા.૩૧: દિલ્હીથી અમદાવાદ સુધીની સફર ૩.૫ કલાકમાં પૂરી થઇ શકશે. તેના માટે દિલ્હી અને અમદાવાદની વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોરનો ડ્રાફ્ટ તૈયાર થઇ રહ્યો છે. કહેવાય છે કે હાઇ સ્પીડ રેલવે કોરિડોર એટલે કે બુલેટ ટ્રેનની વધુમાં વધુ સ્પીડ કલાકની ૩૫૦ કિલોમીટર હશે. જયારે સરેરાશ સ્પીડ ૨૫૦ કિલોમીટર પ્રતિ કલાક હશે.

આ પ્રોજેકટને લઇ નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે શુક્રવારના રોજ ગુરૂગ્રામમાં પર્યાવરણ અને સામાજિક પરામર્શ બેઠક આયોજીત કરી. તેમાં કહ્યું કે દિલ્હી અને અમદાવાદની વચ્ચે હાઇ સ્પીડ રેલ કોરિડોરનો ડીપીઆર તૈયાર થઇ રહ્યો છે.

કહેવાય છે કે કોરિડોર બન્યા બાદ દિલ્હીથી અમદાવાદની મુસાફરી માત્ર ૩.૫ કલાકમાં પૂરી થઇ શકશે. આ કોરિડોરની લંબાઇ ૮૮૬ કિલોમીટર છે. તેમાં દિલ્હીથી લઇ અમદાવાદ સુધી ૧૪ સ્ટેશન બનાવાશે. હરિયાણામાં આ કોરિડોરની લંબાઇ ૭૮.૨૨ કિલોમીટરની નજીક છે.

આપને જણાવી દઇએ કે હાઇ સ્પીડ રેલ કોરિડોર દિલ્હીના દ્વારકાથી શરૂ થશે. આ ગુરૂગ્રામમાં દ્વારકા એકસપ્રેસ વેની સાથો સાથ પ્રસ્તાવિત છે. ગુરૂગ્રામથી આગળ આ હાઇસ્પીડ રેલ કોરિડોર ગુરૂગ્રામ-જયપુર રેલ લાઇનની સાથે રેવાડી અને ત્યારબાદ NH48ની સમાંતર અમદાવાદ પહોંચશે.

(10:09 am IST)