Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ગર્ભવતીના શરીરમાંથી ૭ માસની સ્ટોન બેબી મળી

ગર્ભવતી મહિલા સાથે જોડાયેલો અજબ કિસ્સો : ગર્ભાશયની બહાર પેટમાં સ્ટોન બેબીનુ બનવું બહુ દુર્લભ ઘટના, ઓપરેશન બાદ આ મહિલા સાજી થઈ ગઈ હતી

રાયપુર, તા.૩૦ : છત્તીસગઢમાં ગર્ભવતી મહિલા સાથે જોડાયેલો એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અને તેના કારણે ડોકટરો પણ હેરાન છે.

ડોકટરોને આ મહિલાના શરીરમાંથી પથ્થરનુ ભ્રુણ મળ્યુ છે.ડોકટરોનુ કહેવુ છે કે, કેટલીક શારીરિક સમસ્યાઓના કારણે મહિલાના પેટમાં સ્ટોન બેબી એટલે કે પથ્થરનુ ભ્રુણ બની ગયુ હતુ. ડોકટરોએ મહિલાના શરીરમાંથી તેને બહાર કાઢ્યુ હતુ.

રાયપુરમાં આવેલી મેડિકલ કોલેજમાં એક મહિલાને દાખલ કરવામાં આવી હતી. આ મહિલાને પેટમાં દુખાવો અને સોજો આવ્યો હોવાની ફરિયાદ હતી. ડોકટરોએ તપાસ કરી તો ગર્ભમાં રહેલા સ્ટોન બેબી અંગે જાણકારી મળી હતી. સાત મહિનાના આ સ્ટોન બેબીને ડોકટરોએ સર્જરી કરીને બહાર કાઢ્યુ હતુ. એ પછી મહિલાનો દુખાવો પણ બંધ થઈ ગયો હતો.

ડોકટરોનુ કહેવુ છે કે, ગર્ભાશયની બહાર પેટમાં સ્ટોન બેબીનુ બનવુ બહુ દુર્લભ ઘટના છે. આવા કેસ જવેલ્લે જ જોવા મળતા હોય છે. જોકે હવે આ મહિલા સાજી થઈ ગઈ છે. તેને રજા આપવાની તૈયારી ચાલી રહી છે.

મહિલાને દુખાવો થયો તેના પંદર દિવસ પહેલા તેણે સમય કરતા વહેલા એક બાળકને જન્મ આપ્યો હતો. જોકે તેને સારવાર છતા બચાવી શકાયુ નહોતુ.

(12:00 am IST)