Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

અમેરિકામાં ૩ વર્ષથી લાગુ કોવિડ પબ્લિક હેલ્થ ઈમરજન્સી ખત્મ કરવાની તૈયારી

દેશમાં હવે કોરોનાની સ્થિતિ સામાન્ય : કોરોના મહામારીનો સામનો કરવા માટે જાન્યુ.૨૦૨૦માં ટ્ર્મ્પ સરકારે લાગુ કરી હતી

વોશિંગ્ટન તા. ૩૧ : અમેરિકાના બિડેન પ્રશાસને દેશમાં લાગુ કરાયેલી કોવિડ પબ્લિક હેલ્થ ઈમરજન્સી અને નેશનલ ઈમરજન્સીને સમાપ્ત કરવાની તૈયારીઓ શરૃ કરી દીધી છે. યુએસ સરકારે જાહેરાત કરી છે કે ૧૧ મેથી દેશમાં આ બંને કટોકટી નાબૂદ કરવામાં આવશે. જાન્યુઆરી ૨૦૨૦માં તત્કાલીન ટ્રમ્પ સરકારે કોરોના મહામારીનો સામનો કરવા માટે અમેરિકામાં આ ઈમરજન્સી લાગુ કરી હતી. હાઉસ ઓફ રિપબ્લિકન લેજિસ્લેશનમાં કોવિડ ઈમરજન્સીને તાત્કાલિક ખતમ કરવાની માંગ કરવામાં આવી હતી, પરંતુ વિપક્ષની માંગ ન સ્વીકારતા સરકારે ઈમરજન્સી ખતમ કરવાની તારીખ ૧૧ મે નક્કી કરી છે.

યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસે કટોકટીની સ્થિતિ સમાપ્ત થાય તે પહેલાં રાજયોને ૬૦ દિવસની નોટિસ આપવાનું વચન આપ્યું છે, જેથી રાજયો તેમની આરોગ્ય સંભાળ સિસ્ટમનું પુનઃનિર્માણ કરી શકે. અમેરિકામાં કોવિડ ઈમરજન્સી લાગુ થયા બાદ તેને દર ૯૦ દિવસે લંબાવવામાં આવી રહી હતી. આ રીતે, અમેરિકામાં કોરોનાના નવા પ્રકારની અસર દેખાઈ રહી હોવાથી, હેલ્થ ઈમરજન્સીને લંબાવવામાં આવી રહી હતી. હવે જયારે અમેરિકામાં કોવિડની સ્થિતિ સામાન્ય છે અને સ્થિતિ નિયંત્રણમાં છે, ત્યારે યુએસ સરકારે કટોકટી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે.

મે મહિનામાં કટોકટી સમાપ્ત કરવા પાછળના તર્કને સમજાવતા, સરકારે કહ્યું કે તે હોસ્પિટલોને તેમની ચૂકવણી વગેરે કિલયર કરવા માટે સમય આપશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે જો ઈમરજન્સી તાત્કાલિક ખતમ થઈ ગઈ હોત તો ઘણી હોસ્પિટલોને નુકસાન થયું હોત. વ્હાઇટ હાઉસ હવે અમેરિકામાં ખાનગી ક્ષેત્રને કોરોનાની રસી સોંપવાની તૈયારી કરી રહ્યું છે. અત્યાર સુધી વેકસીનનો ખર્ચ સરકાર ઉઠાવતી હતી, પરંતુ હવે લોકોએ મોડર્ના અને ફાઈઝર જેવી રસી માટે પ્રતિ રસી ઼૧૩૦ના દરે ખર્ચ કરવો પડી શકે છે.

અમેરિકામાં કોરોનાને કારણે ૧૦ લાખથી વધુ લોકોના મોત થયા છે. અમેરિકામાં વર્ષ ૨૦૨૧માં કોરોનાની ટોચ આવી હતી. જો કે હજુ પણ દર અઠવાડિયે લગભગ ચાર હજાર લોકો અમેરિકામાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

(11:43 am IST)