Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

બોલીવુડમાં ચાકુ પરના અનેક ડાયલોગ છેઃ ચાડુ બતાવીને લૂંટ ચલાવવી કે ખૂન કરવાના દ્રશ્‍ય પણ દર્શાવતા હોય છેઃ રામપુરી ચાકુની તો ખુબ ચર્ચા ચાલે છે

છેલ્લા કેટલાક વર્ષોથી ચાકુના વેચાણમાં પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે.

રામપુર,૩૦; બોલીવૂડમાં ચાકુ પરના અનેક ડાયલોગ છે. ચાકુ બતાવીને લૂંટ ચલાવવી કે ખૂન કરવાની એકશન સીન પણ દર્શાવાતા હોય છે. ઉત્તરપ્રદેશના રામપુરનું નામ ખૂબ જાણીતું છે. રામપુરી ચાકુની તો ખૂબ ચર્ચા ચાલે છે. કેટલાક લોકો તો ચાકુ લેવા માટે જ રામપુરની મુલાકાત લેતા હોય છે. જો કે રામપુરમાં એક એવું ચાકુ બનાવવામાં આવ્યું છે જેનો ફોટો શેર કરવામાં આવી રહયો છે.

આ કોઇ સામાન્ય ચાકુ નથી ૨૦ ફૂટ લાંબું છે.

આ ચાકુનું વજન ૮ કવિન્ટલ છે. બ્રાસ અને સ્ટીલથી તૈયાર થયેલું ચાકુ તૈયાર કરવા માટે ૧૦ લાખ કરતા પણ વધુનો ખર્ચ થયો છે. આ ચાકુની ડીઝાઇન અફશાન રજાખાન નામની વ્યકિતએ તૈયાર કરી છે. તેમણે અનેક મહિનાની મહેનત પછી આ તૈયાર કર્યુ છે. રામપુરમાં પ્રવેશ કરો એટલે જોહર ચૌક પર લગાવેલું વિશાળ ચાકુ દૂરથી પણ ધ્યાન ખેંચે છે. દાવો તો એવો કરવામાં આવે છે કે આ દુનિયાનું સૌથી વિશાળ ચાકુ છે. રામપુરના શહેરી વિકાસ વિભાગ દ્વારા આ વિશાળ ચાકુ તૈયાર કરવામાં આવ્યું છે.

રાજા અને નવાબોના જમાનાથી રામપુરની ચાકુની કારીગીરી પ્રખ્યાત છે. તેની આગવી ઓળખને જીવંત રાખવાનો હેતું છે. આમ તો રામપુર બીજી અનેક વસ્તુઓ માટે પ્રખ્યાત છે પરંતુ ચાકુની ઓળખ જીવંત રહે તે માટે કાયમી પ્રદર્શિત કરવામાં આવ્યું છે. જો આ ચાકુનું વિધિવત ઉદ્ધઘાટન કરવાનું બાકી છે. હવેના બદલાતા સમયમાં ચાકુ બનાવનારા અને વેચાણ કરનારાએ લાયસન્સ રાખવું પડે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ચાકુના વેચાણમાં પહેલાની સરખામણીમાં ઘટાડો થયો છે.

 

 

 

 

(12:00 am IST)