Gujarati News

Gujarati News

News of Tuesday, 31st January 2023

ટીમ ઇન્‍ડીયાના સ્‍ટાર ક્રિકેટર વિરાટ કોહલીને હાલમાં ન્‍યુઝલેન્‍ડ સિરીઝમાં આરામ અપાયોઃ હાલમાં વિરાટ દેશના મહત્‍વના ધાર્મિક સ્‍થળોની મુલાકાત લઇ રહ્યો છે

કોહલી, પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે ઋષિકેશ પહોંચ્યો હતો

મુંબઇઃ  ટીમ ઈન્ડીયાના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને હાલમાં ન્યૂઝીલેન્ડ સિરિઝમાંથી આરામ અપાયો છે અને હાલમાં તે દેશના મહત્વના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ રહ્યો છે.

એક કહીએ તો ચાલે કે કોહલી ભક્તિના રંગમાં રંગાયો છે. પહેલા કોહલીએ પરિવાર સાથે વૃંદાવનની મુલાકાત લીધી હતી જે પછી આજે કોહલી, પત્ની અનુષ્કા અને પુત્રી વામિકા સાથે ઋષિકેશ પહોંચ્યો હતો.

ધાર્મિક વિધિઓ માટે ઋષિકેશ આવ્યો હોવાની ચર્ચા
વિરાટ-અનુષ્કા ઋષિકેશના દયાનંદ ગિરી આશ્રમ પહોંચી ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિરાટ કોહલી અને અનુષ્કા ધાર્મિક વિધિના સંબંધમાં અહીં પહોંચ્યા છે. ધાર્મિક વિધિઓ મંગળવારે થવાની સંભાવના છે. આશ્રમના જનસંપર્ક અધિકારી ગુણાનંદ રાયલે જણાવ્યું કે, અહીં પહોંચ્યા બાદ તેમણે બ્રહ્મલીન દયાનંદ સરસ્વતીની સમાધિની પણ મુલાકાત લીધી હતી. આ સાથે ગંગા ઘાટ પર સંતો અને પંડિતો સાથે ગંગા આરતી પણ કરવામાં આવી હતી. કોહલીનો યોગ ટ્રેનર પણ તેમની સાથે આશ્રમમાં રોકાયા છે. મંગળવારે સવારે યોગ અને પૂજા-પાઠ કર્યા બાદ વિરૂષ્કા આશ્રમ ખાતે જાહેર ધાર્મિક વિધિ કરીને ભંડારાનું પણ આયોજન કરશે.

ઉલ્લેખનીય છે કે દયાનંદ ગિરી પ્રધાનમંત્રી મોદીના આધ્યાત્મિક ગુરુ હતા જેમનો દેહાંત થયેલો છે. 11 સપ્ટેમ્બર 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના આધ્યાત્મિક ગુરુ દયાનંદ સરસ્વતીના દર્શન પણ કર્યા હતા. ત્યારથી આ આશ્રમ વધુ પ્રખ્યાત બન્યો છે, જેના કારણે ઘણા દિગ્ગજો અહીં આધ્યાત્મિકતાની શાંતિ માટે સ્થળાંતર કરવા માટે થોડા દિવસો માટે આવે છે.

આ પહેલા 4 જાન્યુઆરી 2023ના દિવસે વિરાટ અને અનુષ્કા પ્રેમાનંદજી મહારાજને મળવા વૃંદાવન પહોંચ્યાં હતા અને ત્યાં તેમણે તેમનો સત્સંગ સાંભળ્યો હતો. વૃંદાવનથી પરત ફર્યા બાદ કોહલી શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ સામેની વન ડે શ્રેણીમાં કમાલની રમત રમ્યો. ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ તારીખ 9મી ફેબુ્રઆરીથી થઈ રહ્યો છે.

 

(11:53 pm IST)