Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

મોદીએ બે કરોડને રોજગારી આપવાનું વચન પાળ્યું જ નથી

મેઘાલયમાં રાહુલે પ્રચારનું રણશિંગૂ ફૂંક્યું : શૂટ બૂટની મોદી સરકાર ઉપર રાહુલ ગાંધીના ફરી પ્રહારો

શિલોંગ,તા. ૩૧ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે મેઘાલયમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંક્યું હતું. મેઘાલયમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી. મેઘાલયમાં ચૂંટણી પ્રચારનું રણશિંગૂ ફૂંકવામાં આવ્યા બાદ રાજકીય ગરમી વધી ગઈ છે. ખ્રિસ્તી સમુદાયના પ્રભુત્વવાળા મેઘાલયમાં ૬૦ સભ્યોની વિધાનસભા માટે ૨૭મી ફેબ્રુઆરીએ મતદાન થનાર છે. ગાંધી આજે ખ્રિસ્તી સમુદાય સાથે જોડાયેલા ચર્ચના પ્રતિનિધિઓને મળ્યા હતા. મેઘાલયમાં હાલમાં જ બે ચર્ચને તોડી પાડવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા મદદની જાહેરાત પણ કરાઈ હતી. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા કહ્યું હતું કે, મોદી હજુ પણ શૂટબૂટ વાળા વ્યક્તિ છે. તેઓ ગરીબથી દૂર રહે છે. નરેન્દ્ર મોદી ઉપર શૂટ બૂટ કી સરકારનો પ્રહારો કરતા રાહુલે કહ્યું હતું કે, મોદી અમીર લોકોની વચ્ચે રહેવાનું પસંદ કરે છે. બીજી બાજુ હાલમાં જ રાહુલ ગાંધી પોતે કિંમતી વસ્ત્રોમાં નજરે પડ્યા બાદ તે પોતે પણ વિવાદના ઘેરામાં છે. ગઇકાલે એક કોન્સર્ટમાં રાહુલ ગાંધી બ્લેક જેકેટમાં નજરે પડ્યા હતા જેની કિંમત ખુબ ઉંચી હોવાનું જાણવા મળ્યું હતું. રાહુલે કહ્યું હતું કે, સામાન્ય લોકો ટીવીમાં જોઈ શકે છે. જ્યારે કોઇ મોટી વ્યક્તિ આવે છે ત્યારે વડાપ્રધાન ગળે મળે છે ત્યારે ગરીબ લોકોને ક્યારે પણ ગળે મળતા નથી. મોદી હજુ પણ શૂટ બૂટમાં રહે છે. કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે, વડાપ્રધાને એક વર્ષમાં બે કરોડ લોકોને રોજગારી આપવાની વાત કરી હતી પરંતુ આ ટાર્ગેટને હાસલ કરવામાં નિષ્ફળ રહ્યા છે. બીજી બાજુ રાહુલ ઉપર પ્રહાર કરતા ભાજપે કહ્યું હતું કે, કોંગ્રેસ પ્રમુખે કોન્સર્ટમાં જે જેકેટ પહેર્યું હતું જેની કિંમત ૯૯૫ ડોલર હોવાનું જાણવા મળ્યું છે. ભાજપનું કહેવું છે કે, મેઘાલય રાજ્યમાં વ્યાપક ભ્રષ્ટાચાર પ્રવર્તે છે. સરકારના રિપોર્ટ કાર્ડને રાહુલે રજૂ કરવા જોઇએ.

(7:40 pm IST)