Gujarati News

Gujarati News

News of Wednesday, 31st January 2018

GSTને કારણે બજેટમાં મોટી જાહેરાતો જોવા નહીં મળે

કેન્દ્ર સરકારના સામાન્ય બજેટ અંગે હવે સામાન્ય નાગરિકને ખાસ આતુરતા કે ઉત્કંઠા રહી નથી

નવી દિલ્હી તા. ૩૧ : નરેન્દ્રભાઇ મોદી સરકાર તેના કાર્યકાળનું અંતિમ પૂર્ણ બજેટ ગુરુવારે રજૂ કરવા જઈ રહી છે. પરંતુ આ બજેટ અનેક રીતે અજાયબ રહેશે જેમાં તે નામ મુજબ સામાન્ય બજેટ તો કહેવાશે, પણ સામાન્ય નાગરિકો માટેનું જોવા નહીં મળે. આ વખતના બજેટમાં મોટી-મોટી જાહેરાતોની લોકોને બહુ આતુરતા નહીં રહે. ગ્રાહકો માટે આ બજેટમાં રોમાંચ નહીં રહે. જોકે તેમ આગામી વર્ષે ચૂંટણી યોજાવાની હોવાથી સરકારની નીતિઓ પર તેની અસર જોવા મળી શકે છે. આ વર્ષના બજેટમાં આમ જોઈએ તો માત્ર નાણામંત્રી અરુણ જેટલીનું અંકગણિત જોવા મળશે.

અત્યાર સુધી સામાન્ય અંદાજપત્ર કે જનરલ બજેટ પર દેશના સામાન્ય નાગરિકથી લઈને ધનવાનો સહિત તમામની નજર રહેતી હતી અને આતુરતા પણ રહેતી હતી. કારણ કે બજેટમાં એકસાઈઝથી લઈને સર્વિસ ટેકસ સહિત અનેક બાબતોમાં ફેરફારની જાહેરાત બજેટમાં જ થતી હતી. પરંતુ ૧ જુલાઈ, ૨૦૧૭ના રોજ દેશમાં જીએસટી લાગુ થઈ ગયો છે જેને કારણે મોટાભાગની વસ્તુઓ અને સેવાઓ પર ટેકસમાં આ બજેટમાં કોઈ ફેરફાર થશે નહીં.

ટેકસમાં ફેરફાર માટે દર મહિને જીએસટી કાઉન્સિલની બેઠક મળે છે, જેમાં મિનિ બજેટની જેમ જાહેરાત થાય છે અને આગળ પણ થતી રહેશે. જીએસટી ઉપરાંત વાર્ષિક બજેટમાં કસ્ટમ્સ ડ્યૂટી અને આવકવેરામાં ફેરફારની સંભાવના રહી છે, પરંતુ કેન્દ્ર સરકાર માટે મહેસૂલ-આવક વધારવાનો પડકાર છે તે જોતા કરદાતાઓને મોટી રાહત મળવાની સંભાવના ઓછી જણાય છે. વળી, જીએસટીને કારણે રાજય સરકારો જે પ્રકારે ટેકસ વસૂલતી હતી તે પણ બંધ થઈ ગયું છે. આથી રાજયોના બજેટમાં પણ ખાસ કોઈ આકર્ષણ જોવા નહીં મળે. .

અત્યાર સુધીના બજેટમાં નાણામંત્રી બજેટ રજૂ કરતી વખતે જેવા કોઈ મોટા ફંડની ફાળવણીની જાહેરાત કરતા એટલે બાકીના સભ્યો ટેબલ થપથપાવીને તેનું સ્વાગત કરતા હતા. પરંતુ હાલમાં નાણામંત્રી જેટલી સામે જે આર્થિક પડકારો છે તે જોતા ગુરુવારે આવું ખાસ કંઈ જોવા મળશે કે કેમ તે પ્રશ્ન થાય છે. જીએસટીને કારણે જે નુકસાન થશે તેની ભરપાઈ પણ કેન્દ્રએ રાજયોને કરવાની છે. રેલવેને અલગ બજેટની પરંપરા બંધ કરાયા બાદ આ વખતે તેના બજેટમાં મોટાપાયે ઘટાડો કરાય તેવી સંભાવના પણ દર્શાવાઈ રહી છે.

વળી, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોતે જ તાજેતરમાં જાહેરાત કરી દીધી છે કે આગામી બજેટ લોકપ્રિય બજેટ નહીં હોય. આમ, તેમણે જેટલી માટે ખાસ કંઈ રહેવા દીધું નથી. આથી બજેટ અંગે દર વર્ષે જે ઉત્ત્।ેજના અને આતુરતા જોવા મળે છે તે આ વર્ષે સ્વાભાવિક રીતે જ જોવા નહીં મળે તેમ જણાય છે.(૨૧.૧૦)

 

(6:37 pm IST)