Gujarati News

Gujarati News

News of Saturday, 30th December 2017

મકરસંક્રાંતિ, ચેટીચાંદ અને રામનવમી રવિવારે હોવાથી કર્મીઓની રજા કપાશે

૨૦૧૮માં નવેમ્બરમાં સૌથી વધુ પાંચ રજા મળશેઃ જાન્યુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બરમાં ૬ મિની વેકેશનનો લાભ મળશે

નવી દિલ્હી તા. ૩૦ : ૨૦૧૭નું સરવૈયું કાઢીને વીતેલા વર્ષને વિદાય આપવા અને ૨૦૧૮ના નવા વર્ષને આવકારવા માટે શહેરીજનોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. ૨૦૧૭ના વર્ષને વિદાય સાથે જ નવી આશા અને અરમાન સાથે ૨૦૧૮ના વર્ષના આગમનની આતુરતાથી રાહ જોવાઇ રહી છે. ૨૦૧૮ના વર્ષને આવકારવાની સાથે જ સરકારી, અર્ધસરકારી કચેરીના કર્મચારીઓ જાહેર રજાને લઇને પણ સરવૈયું કાઢી રહ્યા છે. જોકે ૨૦૧૮ના વર્ષમાં ચાર જેટલી જાહેર રજાને રવિવારનું ગ્રહણ નડતું હોય કર્મચારીઓની આ રજા કપાઇ જશે. જ્યારે આખા વર્ષમાં નવેમ્બરમાં સૌથી વધુ પાંચ રજાનો લાભ મળશે, એટલું જ નહીં, જાન્યુઆરી, એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બરમાં બેથી પાંચ દિવસના ૬ મિની વેકેશનની મોજ પણ માણી શકાશે.

 

સામાન્ય પણે સરકારી કર્મચારીઓને રવિવારના દિવસે આવતી રજા પ્રત્યે હંમેશા અણગમો રહે છે, પરંતુ ૨૦૧૮ના વર્ષમાં આ અણગમો વધી જશે એમાં કોઇ બેમત નથી. કારણ કે, ૨૦૧૮માાં રવિવાર ચાર રજાનો ભોગ લેશે. રાજ્ય સરકારના જાહેર રજાના નોટિફિકેશન પર એક નજર કરીએ તો, ૧૪ જાન્યુઆરીએ મકરસંક્રાંતિ, ૧૮ માર્ચે ચેટીચાંદ, ૨૫ માર્ચે રામનવમી અને ૨૬ ઓગસ્ટે રવિવાર હોવાથી રજા કપાઇ જશે. માસ પ્રમાણે મે અને જુલાઇમાં એકેય જાહેર રજા રહેશે નહીં. જ્યારે નવેમ્બર માસમાં દિવાળી પર્વની ઝાકમઝોળ વચ્ચે પાંચ જેટલી રજાઓ આવશે. વળી, માર્ચ, ઓગષ્ટ, સપ્ટેમ્બર અને ઓકટોબરમાં ત્રણ-ત્રણ રજાઓ આવશે. આ સિવાય જાન્યુઆરીમાં એક, ફેબ્રુઆરીમાં બે, એપ્રિલમાં બે, જુનમાં એક, ડિસેમ્બરમાં એક રજા આવશે.

 

બીજીબાજુએ કર્મચારીઓને જાહેર રજા અને બીજો, ચોથો શનિવાર - રવિવારના કોમ્બિનેશન સાથે છ જેટલા મિની વેકેશન મળશે. તેમાં બે રજાઓ બે દિવસની, ત્રણ રજા ત્રણ દિવસની અને એક રજા પાંચ દિવસની મળશે. જેમાં જાન્યુઆરીમાં ૨૬થી ૨૮ જાન્યુઆરી બાદ ૧૪-૧૫ એપ્રિલ, ૧૬-૧૭ જૂન, ૨૧-૨૨-૨૩ સપ્ટેમ્બર, દિવાળીને પગલે ૭ થી ૧૧ નવેમ્બર સુધી પાંચ દિવસના મિની વેકેશનનો લાભ મળશે.

નવેમ્બરમાં ૨૩ નવેમ્બરે શુક્રવારે ગુરૂનાનક જયંતી બાદ બીજા દિવસે ચોથો શનિવાર હોય વધુ એક ત્રણ દિવસનું મિની વેકેશન મળશે. આમ, છ જેટલા નાના-મોટા મિની વેકેશનને પગલે પરિવાર, મિત્રો સાથે પ્રવાસની મજા માણી શકાશે. આ સિવાય ૪૨ જેટલી વૈકલ્પિક રજાઓનો લાભ પણ મળશે.(૨૧.૧૪)

(11:37 am IST)