Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

'એક લૈલા છું અને મારા હજારો મજનુઃ ઓવૈસી

બધી પાર્ટીઓ મને મુદ્દો બનાવીને મારો ફાયદો ઉઠાવવા માંગે છે

હૈદરાબાદ, તા.૩૦: ખુદ પર લાગેલા ભાજપની બી ટીમના આરોપોને લઈ AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, હું એક લૈલા છું અને મારા હજારો મજનુ છે. ઓવૈસીએ કહ્યું કે બધી પાર્ટીઓ મને મુદ્દો બનાવીને મારો ફાયદો ઉઠાવવા માંગે છે. ઓવૈસીએ ભાજપ પર આરોપ લગાવ્યો છે કે, તેણે હૈદરાબાદના પૂર દરમિયાન અહીંના લોકોની સંપૂર્ણ અવગણના કરી હતી.

એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં ઓવૈસીએ કહ્યું કે, 'બિહારમાં કોંગ્રેસે કહ્યું કે, હું ભાજપની બી ટીમ છું. અહીં હૈદરાબાદમાં કોંગ્રેસ કહી રહી છે કે ઓવેસી ન હોય તો અમને મત આપી દો. ભાજપ કંઈક બીજું બોલી રહ્યું છે. પરંતુ મને કોઈ પરવાહ નથી'

ઓવૈસીએ વધુમાં કહ્યું, કે, 'એટલે કે હું એક લૈલા છું અને દરેક ઈચ્છે છે કે મને મુદ્દો બનાવીને મત પ્રાપ્ત કરી શકાય. હૈદરાબાદની જનતા આ જઈ રહી છે કે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી હૈદરાબાદના દરેક પાસાને સુધારવાનો પ્રયાસ કરી રહી છે. હવે જનતા જ આ મામલે નિર્ણય લેશે.'

જયારે ઓવૈસીને પૂછવામાં આવ્યું કે અમિત શાહે પૂછ્યું કે હૈદરાબાદમાં પૂર આવ્યું ત્યારે ઓવૈસી ભાઈ અને ટીઆરએસ કયાં હતા. આ અંગે ઓવૈસીએ કહ્યું,  'અમિતભાઇ શાહના જે ચમચા છે તેઓ બહેરા અને અંધ છે. અકબરુદ્દીન ઓવૈસીએ સાડા ત્રણ કરોડની રાહતનું વિતરણ કર્યું હતું. અસદુદ્દીન ઓવૈસી રોજ ઘૂંટણ સુધી પાણીમાં ચાલતો હતો. અમારી પાસે આના વિઝયુઅલ્સ છે. અમે લોકોનો જીવ બચાવી રહ્યા હતા. અમે સીએમને મળીને દરેક ઘરને ૧૦ હજાર રૂપિયા અપાવ્યા.'

ગૃહમંત્રી અમિતભાઇ શાહ પર આરોપ લગાવતા ઓવૈસીએ કહ્યું કે, હું અમિત શાહ પર આરોપ લગાવી રહ્યો છું કે તમે હૈદરાબાદની જનતા સાથે જૂઠું બોલીને તેમને એકપણ રૂપિયો અપાવ્યો નહીં. કર્ણાટકના પૂરમાં પૈસા ચૂકવ્યા. જો હૈદરાબાદમાં પણ લોકોને પૈસા મળ્યા હોત તો દરેક ઘરને ૮૦ હજારથી એક લાખ રૂપિયા મળ્યા હોત. તમે પૈસા આપ્યા નથી અને અમને સવાલ કરી રહ્યા છો.'

ઓવૈસીએ વધુમાં કહ્યું કે, 'અમે ના હિંદુઓ જોયા ના મુસ્લિમ, દરેક માણસની મદદ કરી હતી. તે સમયે ભાજપ સૂઈ રહ્યું હતું. એએમઆઈએમના ધારાસભ્ય સિવાય અને મુખ્યમંત્રી સિવાય બીજું કોઈ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગયા નહોતા.'

(3:45 pm IST)