Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

સ્વ.રાજીવ ગાંધીએ નિરૂપમભાઇ નાણાવટીને કહ્યું કે

અમરસિંહ કો બદલ કે સીએમ કીસ કો બનાયે ? આપ, અહેમદભાઇ કો સમજાઇએ

એ સમયે અહેમદભાઇએ વિનમ્રતાપૂર્વક મૂખ્યમંત્રીની ઓફર ઠુકરાવી કહેલું, સંગઠન સિવાય મારે કોઇ જવાબદારી સ્વીકારવી નથી : અહેમદભાઇ જાહેરમાં દેખાવાનું ટાળતા અને સાયલન્ટ વર્કરની માફક પોતાના કામને સમર્પિત રહેતા : રાજકારણમાં અહેમદભાઇ અજાત શત્રુ ગણાતા : ર૦૦૪ થી ર૦૧૪ સુધી કોંગ્રેસની સરકાર લાગલગાટ બે ટર્મ સુધી રહી, અહેમદભાઇએ ધાર્યુ હોત તો સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર ઉપરાંત સરકારમાં સિનિયર કેબિનેટ મીનીસ્ટર બની શકયા હોત, પરંતુ તેમની ફિતરત સત્તા પ્રાપ્તિની નહોતી : રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં યુવા સાંસદ તરીકે કેન્દ્રીય કેબિનેટમાં પેટ્રોલિયમ મંત્રાલય સ્વીકારવાના દરખાસ્ત પણ અહેમદભાઇએ નકારી દીધી હતી, રાજીવજીના અંગત વિશ્વાસુ તરીકે રહી સંસદીય સચિવનો એકમાત્ર હોદ્દો સ્વીકાર્યો હતો : નિરૂપમભાઇ નાણાવટી કહે છે. ગોધરાની લોકસભાની બેઠક અને જુનાગઢ જિલ્લાના માળિયાની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થતાં પ્રદેશ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધેલું અને આ રાજીનામાનો સ્વીકાર થાય તે માટે રાજીવ ગાંધી સમક્ષ જઇને દુરાગ્રહ સેવ્યો હતો, આમ પ્રમુખપદ પણ પરાજયની નૈતિક જવાબદારી સ્વીકારીને છોડી દીધું હતું

નોખી માટીના નોખા માનવી એટલે એહમદભાઈ મહંમદભાઈ પટેલ ઉર્ફે બાબુભાઈ. સામાન્ય રીતે પ્રવર્તમાન રાજકારણમાં આવનાર પ્રત્યેક કાર્યકર્તા મંત્રીપદથી માંડીને મુખ્યમંત્રીપદ પામવાની મહત્વાકાંક્ષા ધરાવતો હોય છે. એહમદભાઈ આ પરિપ્રેક્ષ્યમાં અપવાદરૂપ કહી શકાય કારણ કે, સત્તાના રાજકારણમાં આવવાની અનેક તકો તેમણે વિનમ્રતાપૂર્વક ઠુકરાવી હતી અને સાચા અર્થમાં કોંગ્રેસના સંગઠનને સમર્પિત રહ્યા હતા.

૧૯૮૭-૮૮ના અરસાની વાતને વાગોળતા પીઢ ધારાશાસ્ત્રી અને એ જમનામાં કોંગ્રેસના મહામંત્રીપદે રહેલા નિરૂપમભાઈ નાણાવટી કહે છે કે, એ વખતે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતુ. અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા અને તેમની સામે ઝીણાભાઈ દરજીના નેતૃત્વમાં પ્રબોધભાઈ રાવળ, હરિસિંહ મહીડા સહિત અનેક નેતાઓ નેતૃત્વ પરિવર્તનની માગણી કરી રહ્યા હતા. સ્મરણ રહે કે, ગુજરાતમાં અનામતનું આંદોલન અને કોમી રમખાણો ફાટી નીકળતા માધવસિંહભાઈને મુખ્યમંત્રીપદેથી હટાવીને તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીએ અમરસિંહભાઈને મુખ્યમંત્રી બનાવ્યા હતા. પરંતુ બે વર્ષમા જ તેમની સામે સંગઠન અને સરકારના સિનીયર સાથીઓએ વિદ્રોહ કરતા રાજીવ ગાંધી મુંઝાયા હતા. એક તબક્કે ગુજરાતના અસંતુષ્ટ નેતાઓની રજૂઆત સાંભળ્યા બાદ એ પ્રતિનિધિ મંડળને વિદાય આપી સ્વ. રાજીવ ગાંધીએ નિરૂપમભાઈ નાણાવટીને કહ્યુ કે, 'અમરસિંહ કો બદલ કે સીએમ કીસ કો બનાયે ? આપ એહમદભાઈ કો સમજાઈએ... અગર વહ સીએમ બનને કે લિયે સંમત હો જાય તો મેં કલ અમરસિંહ ચૌધરી કો બદલ દું...' નિરૂપમભાઈ આ પ્રસ્તાવ લઈને એહમદભાઈને મળવા અમદાવાદના સર્કિટ હાઉસ એનેકસી ગયા અને રાજીવ ગાંધીએ આપેલો સંદેશો સંભળાવ્યો. એક ક્ષણનો પણ વિલંબ કર્યા સિવાય લાક્ષણિક અદામાં હસી પડતા એહમદભાઈએ કહ્યું કે, એવુ તે કંઈ હોય ? મને રાજીવ ગાંધીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદની જવાબદારી સોંપી છે અને સંગઠન સિવાય મારે કોઈ જવાબદારી સ્વીકારવી નથી. ટૂંકમાં મુખ્યમંત્રીપદ પામવાની સહેજ પણ મહત્વાકાંક્ષા હોત તો ચાંદીના તાસક પર આવેલી એ તકનો સસ્મિત સ્વીકાર કરીને એહમદભાઈ કહી શકયા હોત કે રાજીવજીની ઈચ્છા એ મારા માટે આદેશ છે, પરંતુ વિનમ્રતાપૂર્વક એ ઓફરને નકારી એહમદભાઈએ સંગઠન તરફ પોતાની નિષ્ઠા દર્શાવી હતી અને આ વાતનો પ્રચાર-પ્રસાર પણ ન થાય તેની તાકીદ કરી હતી. ટૂંકમાં પડદા પાછળ રહીને સંગઠનનું કામ કરવુ અને સહુને સાથે રાખીને સંગઠનને મજબુત બનાવવાની તેમને એહમદભાઈ આજીવન વળગી રહ્યા હતા.

નિરૂપમભાઈ કહે છે કે, રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે ગુજરાતમાં યુવા સાંસદ તરીકે કેન્દ્રીય કેબીનેટમાં પેટ્રોલિયમ મંત્રાલય સ્વીકારવાની દરખાસ્ત પણ અગાઉ એહમદભાઈએ નકારી હતી, પરંતુ રાજીવ ગાંધીના અંગત વિશ્વાસુ તરીકે રહીને સંસદીય સચિવનો એક માત્ર હોદ્દો સ્વીકાર્યો હતો અને તે પણ સત્તાની લાલસા માટે નહીં, પરંતુ રાજીવ ગાંધીને મદદરૂપ થવા એક તબક્કે એહમદભાઈ ગુજરાતના પ્રદેશ પ્રમુખ હતા અને ગોધરાની લોકસભાની બેઠક અને જૂનાગઢ જિલ્લાના માળિયાની વિધાનસભાની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો પરાજય થયો ત્યારે તેમણે પ્રમુખપદેથી રાજીનામુ આપ્યું. એટલુ જ નહિ, એનો સ્વીકાર થાય એ માટે રાજીવ ગાંધી સમક્ષ જઈને દુરાગ્રહ સેવ્યો હતો. ટૂંકમાં પ્રમુખપદ પણ પરાજ્યની નૈતિક જવાબદારી સ્વીકારીને છોડી દીધું હતુ. ત્યાર બાદ ભરૂચ ખાતે લોકસભાની ચૂંટણીમાં પરાજય થતા એહમદભાઈને દિલ્હીનું ઘર ખાલી કરવાની નોબત આવી હતી. નોબત આવી હતી.

એ સમયે તેઓ તીનમૂર્તિ પાસે રહેતા હતા અને કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડના સભ્ય હોવા ઉપરાંત રાષ્ટ્રીય સ્તરે સંગઠનની જવાબદારી હોવાને કારણે દિલ્હીમાં રહેવું અનિવાર્ય હતું. એ વખતે ગુજરાતમાંથી રાજયસભામાં ચૂંટાયેલા અહેમદભાઇના વિશ્વાસ મનાતા સાંસદે પોતાના બંગલામાં રહેવા મટે અહેમદભાઇને આગ્રહ કર્યો હતો, પરંતુ એ પ્રસ્તાવ સ્વીકારવાને બદલે તેમણે નોર્થ એવન્યુમાં ભાડેથી એક ટુ રૂમ કિચનનો નાનો ફલેટ લીધો હતો. જે અંગે બયાન કરતા નિરૂપમભાઇ કહે છે કે, એ ફલેટની મુલાકાતે અમે જતા ત્યારે  જોતા કે તીનમૂર્તિ ખાતેના બંગલાનું ફર્નીચર બહાર રાખવની નોબત હતી. અહેમદભાઇએ સમયે પણ એટલા વગદાર નેતા હતા કે દિલ્હીમાં આલિશાન બંગલો લઇ શકયા હોત, પરંતુ તેમણે એ ટાળ્યું હતું. એટલું જ નહીં, રાજયસભામાં લાગલગાટ છ વખત ચૂંટાયા બાદ તેમની સિનીયોરીટી જોતા તેઓને વિશાળ બંગલો મળી શકયો હોત, પરંતુ છેલ્લા ૩૦ વર્ષથી દિલ્હીમાં તેમને વિલીંગ્ટન ક્રેસન્ટ ખાતેના એક જ બંગલામાં રહેવાનું મુનાસીબ માન્યુ હતું. છેલ્લે એહમદભાઇની સહિષ્ણુતા અને ખેલદીલીની વાત કરતા નિરૂપમભાઇ ઉમેરે છે કે, ૧૯૯૦ ના દાયકામાં મેં કોંગ્રેસ છોડી દીધી અને વકીલાત પર ધ્યાન કેન્દ્રીત કર્યુ. તાજેતરમાં એહમદભાઇ પટેલની રાજયસભાની ચૂંટણીનો કાનુની લડાઇમાં એહમદભાઇ વિરૂધ્ધ બળવંતસિંહ રાજપૂતે કરેલી મેટર નિરૂપમભાઇએ સ્વીકારતા એક સિનીયર કોંગ્રેસી નેતાએ એહમદભાઇ પાસે રજૂઆત કરતા કહયું કે, તમારા વિરૂધ્ધની બ્રીફ નિરૂપમભાઇએ લીધી છે, નિખાલસતાથી એહમદભાઇએ કહયું કે, નિરૂપમભાઇ પોતાનું વ્યવસાયિક કામ કરે તો આપણે શી રીતે રોકી કે ટોકી શકીએ? હાઇકોર્ટમાં  પણ મેટર ચાલતી હોય ત્યારે બંને વચ્ચેનો વ્યવહાર અત્યંત મૈત્રીપૂર્ણ રહેતો અને માટે જ રાજકીય ગલીયારાઓમાં એહમદભાઇ અજાતશત્રુ ગણાતા હતાં. એહમદભાઇના રાજકારણમાં કદી કોઇ કાયમી દુશ્મન નહોતું.

રાષ્ટ્રીય સ્તરે જોઇએ તો રાજીવ ગાંધીની હત્યા બાદ નરસિમ્હારાવ વડાપ્રધાન અને સીતારામ કેસરી કોંગ્રેસના સુપ્રીમો બન્યા. જયારે સોનિયા ગાંધીએ રાજકારણથી ક્ષેત્રસંન્યાસ લેવાની નિર્ધાર વ્યકત કર્યો હતો. રાહુલ અને પ્રિયંકા ત્યારે કિશોર અવસ્થામાં હતા અને સોનિયા ગાંધીએ કોઇપણ પ્રકારની રાજકીય ગતિવિધીમાં ભાગ ન લેવાનો નિર્ણય કરતા ક્રમશઃ મોટાભાગના કોંગી નેતાઓ સત્તાની આસપાસ એટલે કે, નરસિંમ્હારાવ અને સીતારામ કેસરીની ગુડબુકમાં ગોઠવાઇ ગયા હતાં.

પરંતુ એહમદભાઇએ કોંગ્રેસ ઉપરાંત સોનિયા ગાંધી પરિવાર સાથે ઘનિષ્ઠ નાતો અને વફાદારી જાળવી રાખી હતી. સાથોસાથ સીતારામ કેસરીના કે નરસિમ્હારાવના નેતૃત્વને ઉની આંચ ન આવે તેની પણ તકેદારી રાખી હતી. ડીસેમ્બર ૧૯૯ર માં બાબરી મસ્જિદનો ધ્વંસ થયો ત્યારે મુસ્લિમોની નારાજગી જોતા લઘુમતી મતબેક હાથમાંથી સરકી જશે એવી દહેશત વ્યકત કરીને અર્જુનસિંહ, માખનલાલ ફોતેદાર, નટવરસિંહ, શીલા દીક્ષિત વગેરે નેતાઓએ ડાબેરીઓ, સમાજવાદીઓ અને અન્ય પ્રાદેશિક પક્ષોને વિશ્વાસમાં લઇને નરસિમ્હારાવ સરકારને ઉથલાવવાનું અભિયાન હાથ ધર્યુ ત્યારે એહમદભાઇએ કોંગ્રેસના સંગઠન અને સરકારન હિતમાં નરસિમ્હારાવની સરકારને ટકાવવા એડી ચોટીનું જોર લગાવીને અસંતુષ્ટોને સમજાવ્યા હત કે, આ સમય સત્તાની ભાગબટાઇ કે સરકાર ઉથલાવવાનો નથી, પરંતુ હિન્દુ, અને મુસ્લિમ એમ આડી અને ઉભી ધરીમાં સમાજ વહેંચાઇ ન જાય બલકે રાજકીય ધ્રુવીકરણ ન થાય એ હેતુથી લઘુમતી સરકારને ટકાવવાનો છે. ટૂંકમાં એ તબકકે નરસિમ્હારાવની સરકારને બચાવનાર એહમદભાઇએ પરફેકટ ટાઇમિંગ જોઇને કોંગ્રેસ સંગઠનનો કબજો ફરી એકવાર સોનિયા ગાંધીના હાથમાં આવે એવા મજબુત રાજકીય દાવપેચ લડાવ્યા હતા, પરિણામે ૧૦, જનપથ ફરી એકવાર સત્તાથી ધમધમતુ થયું હતું. ર૦૦૪ થી ર૦૧૪ સુધી કોંગ્રેસની સરકાર લાગલગાટ બે ટર્મ સુધી રહી. એહમદભાઇએ ફરી એક વાર ધાર્યુ હોત સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર તરીકે રહેવા ઉપરાંત સરકારમાં સિનીયર કેબિનેટ મીનીસ્ટર બની શકય હોત. પરંતુ તેમની ફીતરત સત્તા પ્રાપ્તીની નહોતી. જે વ્યકિત કેબિનેટના ખાતાઓ નકકી કરવામાં ચાવીરૂપ ભૂમિકા અદા કરતો હોય, કોંગ્રેસ પક્ષનું સંગઠન અને ચંૂટણી તંત્ર સંભાળતો હોય છતાં મંત્રીઓની શપથવિધિ હોયકે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથેનો ભોજન સમારોહ હોય કે રાષ્ટ્રપતિ ભવનની કોઇપણ મોટી ઘટના એહમદભાઇ જાહેરમાં દેખાવાનું ટાળતા અને સાયલન્ટ વર્કરની માફક પોતાના કામને સમર્પિત રહેતા, એહમદભાઇની વિદાયથી કોંગ્રેસમાં ચાલતી પ્રવર્તમાન કટોકટીને ઉકેલનાર ક્રાઇસીસ મેનેજર હવે કોઇ રહ્યો નથી અને માટે જ એહમદભાઇની સાથે કોંગ્રેસનો એ સોનિય યુગ પણ સમાપ્ત થશે. અલબત્ત, અદના કાર્યકર્તાથી માંડીને ટોચના નેતાઓ સુધી સૌને સરળતાથી ઉપલબ્ધ એહમદભાઇ જેવા નેતાની ખોટ કોંગ્રેસને સદાય સાલશે. (અજય ઉમટનો હેવાલ નવગુજરાત સમયમાંથી સાભાર)

(2:37 pm IST)