Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વાહ...! ટેસ્ટી...ટેસ્ટી...યમી...યમી

શિયાળાની વિવિધ વાનગીઓ સાથે દુકાનો મધમધતી થઇ

ચીકી, ખજુર, તલની સાની, ડ્રાયફ્રુટસ, અડદીયા, કાટલું, આદુપાક, મેથીપાક, ખજુરપાક, ગુંદરપાક, અંજીર તથા અંજીરપાક, તલ-મમરાના લાડુ, ગોળની રેવડી, નમકીન સીંગ, સીંગદાણા વિગેરે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવો માહોલઃ ખાવાના શોખીનોને મોજેમોજ : ગયા વર્ષની સરખામણીમાં કાજુ, બદામ, કીસમીસ, પીસ્તા, અખરોટ, અંજીર, જલદારૂ સહિતનું ડ્રાયફ્રુટસ થોડું સસ્તુ છેઃ કવોલિટી સારી : ઊંધીયુ, જીંજરા, બોર, શેરડી, ખારેક, જામફળ વિગેરેની પણ સીઝન આવી : કોરોના સામે તકેદારીની સાથે-સાથે આખા વર્ષની તંદુરસ્તી ભેગી કરવાની અમૂલ્ય તક : વિન્ટર માર્કેટમાં એક લટાર

રાજકોટ તા. ૩૦ : 'પહેલુ સુખ તે જાતે નર્યા' કહેવત પ્રમાણે જો શરીર ચાલતું રહેશે અને તંદુરસ્તી અને સ્વાસ્થ્ય સારા હોય તો જીવનના તમામ સુખ આપણી પાસે જ છે તેમ માનવું. તંદુરસ્ત સ્વાસ્થ્યના સહારે સમગ્ર જગતને જીતી શકાય છે.

શિયાળાની ઋતુને આખા વર્ષ માટેની તંદુરસ્તી ભેગી કરવાની સીઝન માનવામાં આવે છે. વડીલો તથા તબીબો અને આજનું યુવાધન પણ શિયાળાની ઋતુમાં શરીરને અનુરૂપ અને સ્વાસ્થ્યપ્રદ ખોરાક ખાવાનો આગ્રહ રાખી રહ્યા છે. હાલમાં કોરોના સામેની તકેદારીની સાથે-સાથે પણ બજારમાં શિયાળાની વિવિધ વાનગીઓ સાથે વેપારીઓની દુકાનો મધમધતી થઇ ગઇ છે.

ચીકી, ખજુર, તલની સાની, ડ્રાયફ્રુટસ (સૂકો મેવો), અડદીયા, કાટલું, આદુપાક, મેથીપાક, ખજુર પાક, ગુંદરપાક, અંજીર તથા અંજીર પાક, તલ-મમરાના લાડુ, ગોળની રેવડી,  નમકીન સીંગ, સીંગદાણા વિગેરેને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો ઉલ્લાસભર્યો માહોલ બજારમાં જોવા મળી રહ્યો છે. શિયાળામાં ખાવાના અને ખરીદીના શોખીનો આ  સીઝનલ બજારને જોઇને મોજમાં આવી ગયા છે.

ગયા વર્ષની સરખામણીમાં કાજુ, બદામ, કીસમીસ, પીસ્તા, અખરોટ, અંજીર, જલદારૂ સહિતના ડ્રાયફ્રુટસ આ વર્ષે પ્રમાણમાં થોડા સસ્તા હોવાનું અગ્રણી વેપારીઓ જણાવી રહ્યા છે. સાથે-સાથે આ વર્ષે ડ્રાયફ્રુટસની કવોલિટી સારી હોવાનું પણ જાણવા મળે છે.

શિયાળો આવે એટલે ચીકી યાદ આવે. બજારમાં અવનવી વેરાયટીવાળી ચીકી ઉપલબ્ધ છે, જેમાં સીંગ, તલ, દાળીયાપાક, કાળાતલ, મિકસ, ડ્રાયફ્રુટ ચીકી વિગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તલની સાની કે જેને કચરીયું પણ કહેવાય છે તેની ડીમાન્ડ પણ જોવા મળી રહી છે. રાજકોટ ઉપરાંત લીંબડીવાળાનું જૈન ગૃહ ઉદ્યોગનું કચરીયું વર્ષોથી વખણાઇ રહ્યું છે.

ખજુર પાક તથા ખજુર પુરીનું આકર્ષણ પણ સ્વાદના શોખીનોમાં જોવા મળે છે. ડ્રાયફ્રુટસ તથા ખજુરને ક્રશ કરીને બનાવવામાં આવતા ખજુરપાક તથા ખજુરપુરી ફોરેનમાં પણ લોકપ્રિય છે. ઇમ્યુનિટી માટે પણ ફાયદાકારક ગણાય છે. આ સાથે શિયાળામાં કાટલું (કાટલાપાક) પણ એટલું જ ખવાઇ રહ્યું છે. આ એક જાતનું વસાણુ છે કે જેને કારણે શરીરને ઠંડીથી રક્ષણ મળે છે અને ગરમાવો રહે છે.

આદુ, માવો અને ગોળના મિશ્રણથી બનેલ આદુપાક પણ ઠંડી ઋતુમાં આશીર્વાદરૂપ ગણાય છે. શિયાળો હોય અને ઘરમાં અડદીયા ન ખવાય તો તે શિયાળો ન કહેવાય. ડ્રાયફ્રુટ તથા કેસરયુકત સહિતની વેરાયટી સાથેના અડદીયા બજારમાં વેચાતા જોવા મળે છે. લોકો ઘરે પણ વર્ષોથી અડદીયા બનાવતા હોય છે. રાજકોટમાં તો અમુક દેરાસરના અડદીયા પણ વખણાય રહ્યા છે. આ ઉપરાંત ઠંડા વાતાવરણમાં ફાયદાકારક ગુંદરપાક પણ લોકો દ્વારા ખરીદવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે.

ખાંડની રેવડીને જો શિયાળામાં ખાવામાં આવે તો શરદી થવાની બીક રહેતી હોય છે, જેથી ઠંડી ઋતુમાં લોકો ગોળની રેવડી ખાવાનું વધુ પસંદ કરે છે. તલ-મમરાના લાડુ તો વર્ષોથી નાના-મોટા સૌની પ્રથમ પસંદ રહ્યા છે.જેવી ગુલાબી ઠંડી ચાલુ થાય તે સાથે જ ઘરમાં તથા બજારમાં તલ-મમરાના લાડુ અને તલસાંકળી દેખાવા લાગે. નાના બાળકો તો રમતા-રમતા કે   ટી.વી.-મોબાઇલ જોતા-જોતા પણ તલ-મમરાના લાડુ-લાડુળી  અને તલ સાંકળી ખાઇ લેતા હોય છે.  સાદા સીંગદાણા તથા નમકીન સીંગની બજારમાં પણ તેજી જોવા મળે છે.

એક જાતની કડવાણી ગણાતો મેથીપાક પણ આ સીઝનમાં ખવાઇ રહ્યો છે. મેથીપાક લેવાનું પ્રમાણ જેન્ટસ કરતા લેડીઝમાં થોડુંં વધુ જોવા મળે છે. ઉપરાંત અંજીર અને અંજીરપાકનો ઉપાડ પણ ઘણો થઇ રહ્યો છે. અંજીરનો ભાવ ગયા વર્ષની  સરખામણીમાં થોડો નીચે  છે છતા પણ આ વર્ષે કવોલિટી સારી હોવાનું વેપારીઓ જણાવે છે.

શિયાળામાં શાકભાજી સસ્તા થાય અને આવક પુષ્કળ હોય તેથી ઉંધીયુ ખાવાની મોજ પડી જાય. સ્વાદિષ્ટ ઉંધીયું અને તેની સાથે જ જીંજરા, બોર, શેરડી, ખારેક, જામફળ વિગેરેની પણ જયાફત માણી શકાય છે.

ટૂંકમાં શિયાળામાં લોકોને અને ખાસ કરીને ખાવાના શોખીનોને ટેસ્ટી-ટેસ્ટી અને યમી-યમી સ્વાસ્થ્યવર્ધક વાનગીઓ આરોગવામાં જલ્સો પડી જતો હોય છે. જલ્દીથી કોરોના સામે ભારત સહિત સમગ્ર વિશ્વની જીત થાય અને તમામને સ્વસ્થતાપૂર્વક દીર્ઘઆયુષ્ય મળે તેવી ઇશ્વર પાસે પ્રાર્થના.

 • બાળકોને ભાવે તે માટે ખજુર ઉપર ચોકલેટ લગાવાય છેઃ ખજુરમાં વિવિધ વેરાયટીઓ

તંદુરસ્ત ગણાતી શિયાળાની ઋતુમાં ફાયદાકારક ગણાતા ખજુર બાળકો ખાઇ શકે અને તેઓને ભાવ ેતે  માટે ખજુર ઉપર ચોકલેટ લગાવવાનું ચલણ વધવા માંડયું છે. ખજુરને કારણે શરીરમાં હિમોગ્લોબીન તથા આયર્નના પ્રમાણમાં અને રોગપ્રતિકારક શકિતમાં પણ વધારો થાય છે. બજારમાં અલગ-અલગ ભાવો સાથે ખજુરની વિવિધ વેરાયટીઓ મળી રહી છે. એકસપોર્ટ કવોલિટીના તથા ડ્રાયફુટસ સાથેના ખજુર (ચોકલેટ-બદામ વિગેરે) પણ બજારમાં મળી રહ્યા છે. ખજૂર પાક-ખજુરપુરી પણ સારી એવી ચાલે છે.

બજારમાં વિવિધ ભાવોના જે ખજુર ઉપલબ્ધ છે તેમાં ઇરાની અને ઝાયદી ખજુર ૭૦ થી ૮૦ રૂપિયાના કિલો, કબકબ ખજુર ૧૦૦ થી ૧ર૦ રૂપિયાના કિલો, કિમિયા ખજુર ૧ર૦ થી ૧૬૦ રૂપિયાના અડધો કિલો વિગેરેનો સમાવેશ થાય છે. ચાર હજાર રૂપિયાનો કિલો સુધીનો કવોલિટી યુકત ખજુર રાજકોટ, અમદાવાદ, સુરત, મુંબઇ સહિતની માર્કેટમાં મળતો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. જો કે આ વર્ષે ખજુરના ભાવો ગત વર્ષ કરતા થોડા નીચા હોવાનું જાણવા મળે છે.

 • વિવિધ વસ્તુઓના સંભવિત ભાવો (એક કિલોના)
 1.  તમામ જાતની ચીકી-       ૧ર૦ થી ર૪૦ રૂ.
 2.  તલની સાની (કચરીયુ)-    ર૦૦ થી ર૪૦ રૂ.
 3.  ખજુરપાક તથા ખજુરપુરી-(ખજુર)       ૪૪૦ થી ૮૦૦ રૂ.
 4.  કાટલું (કાટલા પાક)         પ૦૦ રૂ. આસપાસ
 5.  આદુપાક-                   ૪૦૦ થી પ૦૦ રૂ.
 6.  અડદીયા-                   ૪૦૦ થી ૬૦૦ રૂ.
 7.  ગુંદરપાક-                  પ૦૦ રૂ. આસપાસ
 8.  કાજુ-                       ૬૦૦ થી ૭પ૦ રૂ.
 9.  બદામ-                     પરપ થી ૬રપ રૂ.
 10.  ખારા પીસ્તા-               ૮પ૦ થી ૯પ૦ રૂ.
 11.  જલદારૂ-                    ૩પ૦ થી ૩૭પ રૂ.
 12.  આખા અખરોટ-             ૬ર૦ થી ૬૪૦ રૂ.
 13.  કિસમીસ-                   ર૪૦ થી ર૬૦ રૂ.
 14.  અંજીર-                     ૮૦૦ થી ૧૦૦૦ રૂ.
 15.  ગોળની રેવડી-             ૧પ૦ રૂ. આસપાસ
 16.  મમરાના લાડુ-             ૧૪૦ રૂ. આસપાસ
 17.  તલના લાડુ-                ૧૮૦ થી ર૦૦ રૂ.
 18.  નમકીન સીંગ-             ૧૪૦ થી ૧૮૦ રૂ.
 19.  મેથીપાક-                   ૪૦૦ થી પ૦૦ રૂ.
 20.  સાદા સીંગદાણા-            ૧૦૦ થી ૧ર૦ રૂ.
 21.  ઊંધીયુ-                     ૧૮૦ થી ર૪૦ રૂ.

નોંધ-: કવોલિટી મુજબ ભાવોમાં ફેરફાર પણ હોઇ શકે છે.

(2:35 pm IST)
 • ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટ્યો : 4 હજાર મીટર જેટલી ઉંચી અગ્નિની જ્વાળાઓ પહોંચી : 28 ગામોના હજારો નાગરિકોનું સ્થળાંતર કરાયું : સ્થાનિક એરપોર્ટ બંધ કરી દેવાયું : ઇન્ડોનેશિયામાં આવા 120 જેટલા જ્વાળામુખી છે access_time 5:56 pm IST

 • સુરતના ઔધોગીક વિસ્તારમાં વિજિલન્સ ટીમનો સપાટો: વીજ ચોરી કરતી 4 કંપનીઓ સામે આકરી કાર્યવાહી: ચારેય કંપનીમાંથી 2.98 કરોડની વીજ ચોરી ઝડપાઇ: કડક કાર્યવાહીને પગલે વીજચોરોમાં ફફડાટ access_time 1:10 pm IST

 • વલસાડ : અચ્છારી નવીનગરી પાસે આવેલ દમણગંગા નદીના પટ્ટ પાસેથી આશરે ૭૦ જેટલી ફૂટેલી કારતૂસના ખાલી ખોખા મળી આવતા ચકચારઃ હજુ વધુ ખાલી ખોખા અને હથિયારો હોવાની શકયતાના આધારે પોલીસ તપાસ ચાલુ: છેલ્લાં ત્રણ દિવસથી ઍક મારૂતિ વાન અને અજાણ્યા બાઇક ચાલક રાત્રીના સમયે શંકાસ્પદ ફરી રહ્ના હોવાની ચર્ચા access_time 11:47 am IST