Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

કોરોના રસી આવ્યા પછી પણ માસ્ક પહેરવો પડશે

કોવિડ-૧૯ને લગતી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે : જેમ કે માસ્ક પહેરવો અને એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું

નવી દિલ્હી,તા. ૩૦: દેશમાં કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે અને તેની સામે આ રોગને રોકવા માટેની રસી તૈયાર કરવાનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. લોકોને એવી આશા છે કે કોરોના રસી લીધા બાદ બધુ પહેલાની જેવુ થઇ જશે. પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચસર્ચ (આઇસીએમઆર)ના વડાએ એક મહત્વ નિવેદન કર્યું છે. પ્રોફેસર બલરામ ભાર્ગવે ચેતવણી આપી છે કે કોરોના-રસી ઉપલબ્ધ થઇ ગયા બાદ પણ લોકોએ ઘણા લાંબા સમય સુધી વ્યવસ્થા સંબંધિત સાવચેતીઓ રાખવી પડશે. કોવિડ-૧૯ને લગતી માર્ગદર્શિકાઓનું પાલન કરવું પડશે : જેમ કે માસ્ક પહેરવો અને એકબીજાથી સોશિયલ ડિસ્ટન્સ જાળવવું.

ભાર્ગવે લખનઉની કિંગ જયોર્જ મેડિકલ યુનિવર્સિટી ખાતેથી કોવિડ-૧૯ વ્યવસ્થાપન વિષય પરના એક વેબિનારમાં કરેલા સંબોધનમાં જણાવ્યું હતુ કે કોરોના રસી નિર્માણનું કામ ઝડપથી ચાલુ રહ્યું છે અને ટૂંક સમયમાં જ રસી ઉપલબ્ધ થઇ જશે. આવતા વર્ષના જુલાઇ સુધીમાં ૩૦ કરોડ જેટલા લોકોને રસી આપવાનું અમારૃં લક્ષ્ય છે. ભારત વિકાસશીલ દેશોના ૬૦ ટકા લોકો માટે પણ રસી તૈયાર કરી રહ્યું છે. કોરોના રસી વિકસીત કરવાના કામમાં દેશની ૨૪ કંપનીઓ અને મેડિકલ રિચર્સ લેબોરેટરીઓ વ્યસ્ત છે.

ભાગવે કહ્યું કે માસ્ક અને વેકસીનની જેમ જ કામ કરે છે. તેથી રસી વિકસીત થઇ ગયા બાદ પણ માસ્ક પહેરવાની જરૂર ચાલુ રહેશે. માસ્ક એ લોકોને પણ સલામત રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે જેઓ કોરોના બીમારીમાંથી સાજા થઇ ચૂકયા છે.

(9:41 am IST)