Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

હિંડનબર્ગ રીપોર્ટથી હોબાળો

અદાણી મામલાના સંસદમાં પડઘા વિપક્ષોનું હલ્લાબોલ : RBIએ બેંકો પાસે ગ્રુપને અપાયેલ લોનની વિગત માંગી : સંસદના બંને ગૃહોમાં ધમાલ : સ્‍થગિતઃ અદાણી ગ્રુપના શેર્સમાં કડાકો

આર્થિક કૌભાંડનો આરોપ : તપાસની માંગ કરતાં વિપક્ષો : સંસદના બંને ગૃહો કાલ સુધી સ્‍થગિતઃ ચર્ચાની માંગણી : રીઝર્વ બેંક એક્‍શન મોડમાં : બેંકો પાસે લોન-નિવેશની માહિતી માંગી

નવી દિલ્‍હી,તા. ૨ : ગૌતમ અદાણીની કંપનીઓ અંગે હિંડનબર્ગના રીપોર્ટ પર રાજનૈતિક હોબાળો તેજ થયો છે. એક બાજુ શેરબજારમાં અદાણી સમૂહની કંપનીઓ નીચે જઇ રહી છે તો બીજીબાજુ સંસદમાં પણ વિપક્ષ હુમલાવર છે અને હવે આરબીઆઇએ દેશના બેંકોને અદાણી સમુહમાં તેના એકપોઝરની જાણકારી માંગી છે. સરકાર અને બેકિંગ સેકટરના સુત્રોના હવાલાથી કહેવામાં આવ્‍યું છે કે સેન્‍ટ્રલ બેંકે વિવિધ સ્‍થાનિક બેંકોને અદાણી જૂથને તેમના રોકાણ અને લોન વિશે માહિતી આપવા જણાવ્‍યું છે. હાલમાં જારી કરાયેલા અદાણી ગ્રુપમાં શેરમાં આવેલા ઉતાર-ચડાવ બાદ આરબીઆઇએ આ પગલુ ભર્યું છે. અદાણી ગ્રુપે ગઇ કાલે જ તેઓ એફપીઓ પાછો ખેંચી લીધો હતો. શેરબજાર ખુલ્‍યા બાદ અદાણી ગ્રુપના શેરમાં મોટો ઘટાડો જોવા મળ્‍યો છે. કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ડીએમકે, શિવસેના, જેડીયુ, એનસીપી, વામદળો સહિત અનેક પક્ષોએ બેઠક કરી છે. આ બેઠકમાં સંસદમાં અદાણી ગ્રુપ પર હિંડનબર્ગની રીપોર્ટ અંગે ચર્ચાની માંગ કરવા પર સંમતિ બની ત્‍યારબાદ સંસદમાં હોબાળો શરૂ થયો તો દરેક વિપક્ષીદળોએ એક સુરમાં અદાણી મુદ્દા પર ચર્ચાની માંગ ઉઠાવી અને હોબાળો શરૂ કર્યો આ મુદ્દે હોબાળો થતાં બંને ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્‍થગિત કરવામાં આવી.

અદાણી ગ્રુપના શેરમાં સતત ઘટાડાને કારણે જાહેર ક્ષેત્રની બેંકો અને એલઆઈસીના શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. હિંડનબર્ગના અહેવાલ પછી જયાં અદાણીના શેરમાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો થયો છે, ત્‍યાં SBI, બેન્‍ક ઓફ બરોડા, PNB જેવી જાહેર ક્ષેત્રની બેન્‍કોના શેરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્‍યો છે. જેના કારણે RBI પણ એક્‍શનમાં આવી છે. બેંક રેગ્‍યુલેટર RBIએ અદાણી કેસમાં તમામ બેંકો પાસેથી જવાબ માંગ્‍યા છે. અદાણી ગ્રુપે બેંકોને પૂછ્‍યું છે કે તેઓએ અદાણી ગ્રુપની કંપનીઓને કેટલી લોન આપી છે અને તેની સ્‍થિતિ શું છે?

આ માહિતી એવા સમયે સામે આવી છે જયારે અદાણી ગ્રુપે અદાણી એન્‍ટરપ્રાઈઝીસનો FPO રદ્દ કરી દીધો છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ગ્રૂપે પોતે અદાણી એન્‍ટરપ્રાઈઝીસના રૂ. ૨૦,૦૦૦ કરોડના એફપીઓ પાછા ખેંચવા માટે આગળ આવવું પડ્‍યું હતું. આનું કારણ આપતાં ગૌતમ અદાણીએ જણાવ્‍યું હતું કે બજારની અસ્‍થિરતાને જોતાં બોર્ડને ઊંડે ઊંડે લાગ્‍યું હતું કે FPO સાથે આગળ વધવું તેમના માટે નૈતિક રીતે યોગ્‍ય રહેશે નહીં. કંપનીનો ઉદ્દેશ્‍ય શેરબજારમાં આવતી વોલેટિલિટીને ધ્‍યાનમાં રાખીને તેના રોકાણકારોના હિતોનું રક્ષણ કરવાનો છે. એટલા માટે અમે FPOમાંથી મળેલી રકમ પરત કરીશું અને તેનાથી સંબંધિત ટ્રાન્‍ઝેક્‍શન સમાપ્ત કરીશું.

ઉલ્લેખનીય છે કે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાનો આ FPO ૨૭ જાન્‍યુઆરીએ સબસ્‍ક્રિપ્‍શન માટે ખોલવામાં આવ્‍યો હતો અને સંપૂર્ણ સબસ્‍ક્રાઇબ થયા બાદ ૩૧ જાન્‍યુઆરી સુધી બંધ રહ્યો હતો. આ દેશનો અત્‍યાર સુધીનો સૌથી મોટો FPO હતો.

ગૌતમ અદાણીએ જણાવ્‍યું હતું કે એક ઉદ્યોગસાહસિક તરીકેની ૪ દાયકાથી વધુની મારી વિનમ્ર યાત્રામાં મને તમામ હિતધારકો ખાસ કરીને રોકાણકાર સમુદાય તરફથી જબરજસ્‍ત સમર્થન મળ્‍યું છે. મારા માટે આ સ્‍વીકારવું અગત્‍યનું છે કે મેં જીવનમાં જે કંઈ પણ મેળવ્‍યું છે તે તેમના વિશ્વાસ અને ભરોસાના લીધે છે. હું મારી બધી સફળતાનો શ્રેય તેમને આપું છું.

બજેટ ૨૦૨૩ના રજૂઆત બાદ સંસદમાં હોબાળો થયો હતો. બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોએ અદાણી ગ્રૂપના હિંડનબર્ગ રિપોર્ટ મામલે હોબાળો કર્યો હતો.  સ્‍થગિત દરખાસ્‍તની નોટિસ આપવામાં આવી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ હંગામો શરૂ કરી દીધો હતો. આવી સ્‍થિતિમાં ૩-૪ મિનિટમાં સ્‍પીકરે લોકસભાની કાર્યવાહી સ્‍થગિત કરી દીધી હતી. રાજયસભાના અધ્‍યક્ષે પણ નોટિસને યોગ્‍ય ગણી ન હતી. આ અંગે સભ્‍યોએ હોબાળો શરૂ કર્યો હતો.

વાસ્‍તવમાં આજે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ ચીન સાથેની સરહદની સ્‍થિતિ પર ચર્ચા કરવા માટે લોકસભામાં સ્‍થગિત પ્રસ્‍તાવની સૂચના આપી હતી. એટલું જ નહીં, વિપક્ષના સાંસદો અદાણી એન્‍ટરપ્રાઈઝ વિરુદ્ધ હિંડનબર્ગ રિપોર્ટ પર પણ ચર્ચા કરવા માગતા હતા અને બે સાંસદોએ મોશન નોટિસ આપી હતી. સીપીએમ રાજયસભાના સાંસદ ડો. વી. શિવદાસને પણ હિંડનબર્ગ રિપોર્ટ પર ચર્ચા માટે નિયમ ૨૬૭ હેઠળ નોટિસ આપી હતી. પરંતુ બંને ગૃહમાં સ્‍પીકરે તેનો સ્‍વીકાર કર્યો ન હતો.

(12:00 am IST)