Gujarati News

Gujarati News

News of Sunday, 2nd May 2021

શું નાસ લેવાથી ખરેખર મરી જાય છે કોરોનાનાં વાયરસ ?

નાસથી અનેક ખતરનાક પરિણામ સામે આવી શકે છે : યૂનિસેફે વીડિયો શૅર કરીને જણાવ્યું છે કે, નાસ લેવાથી કોરોના વાયરસ નાસ પામે છે તેવા કોઈ પુરાવા મળ્યા નથી

નવી દિલ્હી,તા.૧ : કોરોના વાયરસના પ્રકોપથી દેશમાં હાહાકાર મચી ગયો છે. એવામાં લોકોના મનમાં કોરોનાનો ભય એટલો વધી ગયો છે કે તેઓ વિચાર્યા વગર કે પૂરતી માહિતી મેળવ્યા વગર તેની પર અમલ કરી દેતા હોય છે. આ ઉપરાંત સોશિયલ મીડીયામાં અનેક એવા ઉપાયો સામે આવી રહ્યા છે જેને તપાસ્યા વગર જ લોકો અપનાવી દેતા હોય છે. આવો જ એક ટ્રેન્ડ નાસ લેવાનો છે. એવી વાત ખૂબ ઝડપથી ફેલાઈ ગઈ છે કે નાસ લેવાથી કોરોના વાયરસ દૂર રહેશે.

આ ઉપરાંત તે વ્યક્તિ કોરોનાથી દૂર રહેશે, ઉપરાંત જો કોરોનાનો દર્દી નાસ લેશે તો તે ઝડપથી સાજો થઈ જશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવે છે કે, નાસ લેવાથી કોરોના વાયરસનો અંત શક્ય છે. જોકે અત્યાર સુધી તેની પર કોઈ પ્રકારનું સંશોધન થયું નથી. એવામાં એવું કહેવું યોગ્ય નથી કે આ ઘાતક વાયરસ નાસ લેવાથી ખતમ થાય છે કે નહીં. આવો જાણીએ તેના વિશે એક્સપર્ટનો મત શું છે.

યૂનિસેફ સમયાંતરે કોરોના વાયરસને લઈ અનેક માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતું રહે છે. જેનાથી લોકોને સાચા માહિતી મળી શકે છે. હાલમાં જ યૂનિસેફે એક વીડિયો ટ્વીટર પર શૅર કર્યો છે. આ વીડિયોમાં સાઉથ એશિયાના રિજનલ એડવાઇઝર અને ચાઇલ્ડ હેલ્થ એક્સપર્ટ પૉલ રટરએ જણાવ્યું કે તેના કોઈ સાક્ષ્ય નથી મળ્યા કે સ્ટીમ (નાસ) લેવાથી કોવિડ-૧૯ને ખતમ કરી શકાય છે. પરંતુ તેનાથી અનેક ખતરનાક પરિણામ સામે આવી શકે છે.

ડૉક્ટર પૉલ રટરે વધુમાં કહ્યું કે, વધુ નાસ લેવાથી ગળા અને ફેફસાની વચ્ચે Trachea (શ્વાસનળી) અને Pharynx (અન્નમાર્ગનો ઉપલો ભાગ)ને નુકસાન થઈ શકે છે. જો આ બંનેને નુકસાન થાય તો વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. આ ઉપરાંત કોરોના વાયરસ સરળતાથી આપના શરીરમાં પ્રવેશ કરી શકે છે.

(12:00 am IST)