Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ભારતનું વિદેશી હૂંડિયામણ સતત ચોથા સપ્તાહે નવી ટોચે :ગોલ્ડ રિઝર્વ પણ વધ્યુ

ફોરેક્સ રિઝર્વ 5.41 અબજ ડોલર વધી 560.53 અબજ ડોલરના નવા સર્વોચ્ચ શિખરે પહોંચ્યું

મુંબઇઃ કોરોના સંકટકાળમાં ભારતના વિદેશી હૂંડિયામણાં મક્કમ ગતિએ નવા શિખર તરફની આગેકૂચ ચાલુ રહી છે અને તે સતત ચોથા સપ્તાહે નવી ઐતિહાસિક ટોચે પહોંચ્યુ છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા મુજબ 23 ઓક્ટોબરના રોજ ભારતનું ફોરેક્સ રિઝર્વ 5.41 અબજ ડોલર વધીને 560.53 અબજ ડોલરના નવા સર્વોચ્ચ શિખરને આંબી ગયુ છે. જ્યારે તેની અગાઉ 16મી ઓક્ટોબરના રોજ ભારતનું વિદેશી હૂંડિયામણ 555.12 અબજ ડોલર અને 9 ઓક્ટોબરના રોજ 551.50 અબજ ડોલર અને બીજી ઓક્ટોબરના રોજ 545.63 અબજ ડોલરની નવી વિક્રમી ઉંચાઇએ નોંધાયું હતુ. તેની પૂર્વેના 25 સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં દેશનું વિદેશી હૂંડિયામણ 3.01 અબજ ડોલર ઘટીને 542.02 અબજ ડોલર થયુ હતુ.

ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ એફસીએ પર પડે છે.

સમિક્ષાધીન સમયગાળામાં ભારતના વિદેશી હૂંડિયામણમાં સર્વોચ્ચ સપાટીએ પહોંચવાનું મુખ્ય કારણ ફોરેક્સ કરન્સી એસેટ્સમાં વધારો છે, જે કુલ ફોરેક્સ રિઝર્વમાં સૌથી વધારે યોગદાન આપે છે.

રિઝર્વ બેન્કના આંકડા મુજબ સમિક્ષાધીન સમયગાળામાં ફોરેન કરન્સી એસેટ્સ 5.20 અબજ ડોલર વધીને 517.52 અબજ ડોલર નોંધાયુ છે. ડોલર સિવાયની અન્ય કરન્સી જેવી કે યુરો, પાઉન્ડ અને યેન જેવી ગ્લોબલ કરન્સીના ડોલરની સામેના વધ-ઘટની અસર પણ એફસીએ પર પડે છે. સમિક્ષાધીન સમયગાળામાં ભારતનું ગોલ્ડ રિઝર્વ પણ 17.5 કરોડ ડોલર વધીને 36.86 અબજ ડોલર થયુ હતુ.

ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથે ભારતના સ્પેશિયલ ડ્રોઇંગ રાઇટ્સ 80 કરોડ ડોલર વધીને 1.48 અબજ ડોલર થયા હતા.. તો IMFમાં ભારતની રિઝર્વ પોઝિશન 2.7 કરોડ ડોલર વધીને 4.66 અબજ ડોલર થઇ હતી.

(8:46 pm IST)