Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

ભાજપના ભિષ્મ પિતામહ 'કેશુબાપા': રાજકીય સફર પર એક નજર

ભાજપનો ગુજરાતમાં પાયો મજબૂત કરવામાં કેશુભાઇ પટેલનો મહત્વનો ફાળો છે. ગુજરાતના રાજકારણમાં તેમની પાયાની સમજ તેમની મૂડી હતીઃ આ જીવન ખેડૂત નેતા તરીકે પોતાની આગવી છાપ ઊભી કરનાર કેશુભાઇ પટેલ ભાજપના વગદાર નેતા તરીકે હંમેશા યાદ કરાશે

નવી દિલ્હી, તા.૩૦: કેશુબાપા નામે ગુજરાતના રાજકારણ અને જનમાનસમાં પોતાની આગવી છબી ઊભી કરનાર ગુજરાત રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તેવા કેશુભાઇ પટેલનું કોરોના  સંક્રમણ અને તે પછી લથડતી તબિયત કારણે નિધન થયું છે.

ભારતીય જનતા પાર્ટીના પીઢ નેતા તેવા કેશુભાઇએ અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. ગુજરાતના રાજકારણમાં કેશુભાઇ પટેલનું મોટું નામ છે.

કેશુભાઇ પટેલ બે ટર્મ સુધી ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા છે. પણ હદય રોગના હુમલાના કારણે ગુજરાતના આ દિગ્ગજ નેતાનું આજે નિધન થતા રાજકારણમાં આવનારા સમયમાં તેમની મોટી ખોટ વર્તાશે.

સુધરાઇ સભ્યપદથી લઇને ધારાસભ્યની ૬ ટર્મ, બે વખત મંત્રી અને બે વખત મુખ્યમંત્રી તરીકે ફરજ બજાવનાર અને લોકસભા તથા રાજયસભામાં પણ એક એક વખત ચૂંટાઇ આવનાર કેશુભાઇ પટેલે લાંબી રાજકીય સફર પાર કરી છે.

વિસાવદરમાં ૨૪ જુલાઇ ૧૯૨૮માં જન્મેલા કેશુભાઇ પહેલા RSSમાં જોડાયા અને કટોકટીના વખતે તે જેલ પણ ગયા હતા.

 જનસંઘથી પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરનાર કેશુભાઇએ ૨૦૦૧માં જે ગાદી છોડી તેના પર જ બેસીને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તેમના રાજકીય કેરિયરની શરૂઆત કરી હતી. તેવું કહેવું ખોટું ન કહી શકાય કે કેશુબાપાની હાર અને મોદીની જીત એકબીજાના પૂરક બન્યા હતા...

 ભાજપનો ગુજરાતમાં પાયો મજબૂત કરવામાં કેશુભાઇ પટેલનો મહત્વનો ફાળો છે. ગુજરાતના રાજકારણમાં તેમની પાયાની સમજ તેમની મૂડી હતી. ૧૪ માર્ચ ૧૯૯૫માં તે પહેલી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. પણ પાર્ટીના અસંતુષ્ટ નેતાઓના કારણે ૨૦ ઓકટોબર ૧૯૯૫ તેમને સુરેશ મહેતા માટે ગાદી ખાલી કરી. તે પછી ૧૯૯૮માં બીજી વાર તે સરકારમાં આવ્યા પણ ૨૦૦૧ સુધી તે આ પદ નીભાવી શકયા. અને પછી ભાજપમાંથી તેમને સસ્પેન્ડ કર્યા. તે પછી ૨૦૧૨માં તેમણે ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી.

૨૦૧૨માં ભાજપના વોટ પાડવાનો પણ પ્રયાસ કર્યો. પણ પાછળથી ૨૪ ફેબ્રુઆરીના ૨૦૧૪ના રોજ તેમની પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયું

 જો કે વર્ષ ૨૦૧૪ પછી ખરાબ તબિયતના કારણે તેમને રાજકારણથી દૂરી બનાવી લીધી હતી. પણ ફરી એકવાર અનામત મુદ્દે હાર્દિક પટેલને તેમણે 'આશીર્વાદ' આપી રાજકારણમાં ગરમાવો લાવ્યો હતો. 

 વ્યકિત ગત જીવનની વાત કરીએ તો ૨૦૦૬માં તેમના પત્ની લીલાબહેનનું પણ આગમાં બળી જઇને નિધન થયું હતું. 

આજીવન ખેડૂત નેતા તરીકે પોતાની આગવી છાપ ઊભી કરનાર કેશુભાઇ પટેલ ભાજપના વગદાર નેતા તરીકે હંમેશા યાદ કરાશે.

(11:26 am IST)