Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કેશુભાઇ-કનોડિયા બંધુને શ્રધ્ધાસુમનઃ કેવડિયામાં પ્રકલ્પોનું લોકાર્પણ

વડાપ્રધાન મોદીનાં બે દિવસના ગુજરાત પ્રવાસનો પ્રારંભઃ સવારે અમદાવાદથી સીધા ગાંધીનગર જઇ કેશુભાઇ પટેલ તથા મહેશ-નરેશ કનોડિયાના નિવાસે જઇ શ્રધ્ધાંજલિ અર્પી : કેશુભાઇના પુત્રીએ કહ્યું: પરિવારના વડિલ તરીકે મોદી આવ્યાઃ અમારી સાથે બેસી દિલસોજી વ્યકત કરી : હિતુ કનોડિયાએ કહ્યુઃ કનોડિયા બંધુઓની તસ્વીર જોઇ પીએમ બોલ્યા... બંને ભાઇ અમર થઇ ગયાઃ બપોરે કેવડીયામાં આરોગ્યવન, એકતામોલ, ન્યુટ્રીશ્યન પાર્કનું લોકાર્પણ

અમદાવાદ, તા.૩૦: પીએમ મોદીના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ થયો છે. તેઓ ખાસ વિમાન દ્વારા ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. જોકે, પોતાના શિડ્યુલ કરતા પીએમ મોદી વહેલા ગુજરાત પહોંચ્યા હતા. જયા તેઓ કેશુબાપા અને કનોડિયા પરિવારને મળ્યા હતા. જેના અમદાવાદથી સીધા જ તેઓ કેવડિયા જવા રવાના થયા હતા. તેઓ હીરાબાને મળ્યા ન હતા. બપોરે વડાપ્રધાને કેવડીયા ખાતે આરોગ્યવન, એકતાવન,  એકતામોલ, ન્યુટ્રીશ્યન પાર્કનું લોકાર્પણ કર્યુ હતું.

એરપોર્ટથી તેઓ સીધા જ કેશુભાઈના પરિવારજનોને મળવા પહોંચ્યા હતા. તેઓએ સૌથી પહેલા કેશુબાપાની તસવીરને પ્રણામ કર્યા હતા. અહી તેઓએ કેશુભાઈના પરિવારજનો સાથે થોડી વાતચીત કરી હતી. રાજનીતિમાં કેશુભાઈ તેમના માર્ગદર્શક બની રહ્યા હતા. વર્ષો સુધી તેઓએ સાથે કામ કર્યું હતું. ત્યારે પોતાના ગુરુ એવા કેશુભાઈને તેઓએ શ્રદ્ઘાસુમન અર્પણ કર્યાં હતા. કેશુભાઈના દીકરી સોનલબેન દેસાઈએ પીએમ મોદીની આ મુલાકાત વિશે કહ્યું કે, પરિવારના વડીલ તરીકે અમારા વચ્ચે આવ્યા હતા. અમારી સાથે બેસી દિલસોજી વ્યકત કરી. છેલ્લા સમયની સ્થિતિ કેવી

હતી તે સંસ્મરણો વાગોળ્યા હતા. જયારે કેશુબાપાન કોરોના થયો હતો ત્યારથી તેઓ સતત સંપર્કમાં હતા. કોવિડમાંથી મુકત થયા બાદ તેમની સ્થિતિ અંગે પણ તેઓએ પૂછપરછ કરી હતી. અમારી વચ્ચે આવી શ્રદ્ઘાંજલિ આપી તે બદલ તેમનો આભાર છે.

કેશુબાપાના નિવાસસ્થાનેથી નીકળીને પીએમ મોદી સીધા જ કનોડિયા પરિવારમાં પહોંચ્યા હતા. જયાં હિતુ કનોડિયાએ અશ્રુભીની આંખે પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીને જોઈને હિતુ કનોડિયાના આંખ ભીની થઈ ગઈ હતી. અહી પીએમ મોદીએ કનોડિયા બંધુઓની તસવીરોને નમન કર્યું હતુ. કનોડિયા પરિવારમાં બંને ભાઈઓની તસવીરો લગાવવામાં આવી હતી. ત્યારે આ વિશે હિતુ કનોડિયાએ મીડિયાને જણાવ્યું કે, દુઃખની દ્યડીએ પીએમ મોદી તેમના ઘરે આવ્યા એ અમારા માટે મહત્વનું છે.   જયાં પીએમ મોદી ગુજરાતમાં હતા, ત્યારે કનોડિયા બંધુઓ સાથે ભાઈ જેવી લાગણી વ્યકત કરતા હતા. તસવીર જોઈને પીએમ મોદીએ કહ્યું કે, 'અદભૂત જોડી અને બંને ભાઈ અમર થઈ ગયા.' પીએમ મોદી અમારા દ્યરે આવ્યા તે અમારા માટે ગર્વની વાત છે. તો પીએમ મોદીએ હિતુ કનોડયા અને તેમના માતા સાથે વાતચીત કરીને દિલસોજી વ્યકત કરી હતી.

PM નરેન્દ્રભાઇ મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. મોદી આજે સવારે ૧૧:૩૦ વાગ્યે ગાંધીનગરથી સીધા કેવડિયા પહોંચ્યા હતા, જયાં તેમણે સૌથી પહેલા આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ ૧૭ એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને એના વિશે જાણકારી મેળવી હતી. ત્યાર બાદ મોદીએ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક લોકાર્પણ કર્યું હતું. મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને રાજયપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે જોડાયા હતા.

વડાપ્રધાન મોદી આવતીકાલે ૩૧ ઓકટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે અને ૨ દિવસ દરમિયાન ૧૭ પ્રોજેકટનું લોકાર્પણ કરશે, જેને પગલે કેવડિયા પોલીસ છાવણીમાં ફેરવાયું છે. વડાપ્રધાન મોદી કેવડિયામાં રાત્રિ રોકાણ કરશે, જેને પગલે ગુપ્તચર એજન્સીઓ સતર્ક બની ગઇ છે. કેન્દ્રીય દળની ટુકડીઓ, NSG, CISF, NDRF, CRPF, ગુજરાત પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસ આવતીકાલે કેવડિયા ખાતે એકતા પરેડ કરશે

આજે બપોરે તેમણે ત્રણ પાર્કનું લોકાર્પણ કર્યુ હતું. ૩:૩૦થી ૫ વાગ્યા દરમિયાન જંગલ સફારીનું લોકાર્પણ કરશે. ૫ વાગ્યે વિવિધ પ્રોજેકટનો શિલાન્યાસ કરશે. ૫:૧૫ વાગ્યે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે જેટ્ટી અને એકતા ક્રૂઝનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ ડાયનેમિક ડેમ લાઇટિંગનું લોકાર્પણ કરશે. ૭:૨૦ વાગ્યે વેબસાઇટ અને કેવડિયા મોબાઇલ એપનું લોન્ચિંગ કરશે. ૭:૨૫થી ૭:૩૫ દરમિયાન યુનિટી ગ્લો ગાર્ડનની મુલાકાત લઇને એનું લોકાર્પણ કરશે અને ૭:૪૫થી ૮ વાગ્યા દરમિયાન કેકટસ ગાર્ડનનું લોકાર્પણ કરશે.

માલદીવ્સથી સ્પાઇસ જેટનું આ સી-પ્લેન કેવડિયા અને અમદાવાદ વચ્ચે મુસાફરી માટે દેશમાં પ્રથમ સેવા થશે, જેમાં ૧૪ પ્રવાસી બેસી શકશે. એક વ્યકિતનું એક તરફનું ભાડું ૧૫૦૦ રૂપિયા નક્કી કરાયું છે.

જંગલ સફારી પાર્ક અને ફેરી બોટ (ક્રૂઝ)

૩૭૫ એકટરમાં ફેલાયેલા જંગલ સફરીમાં ૧૫૦૦ દેશી અને વિદેશી પ્રાણી છે. વ્યકિતદીઠ રૂ. ૨૦૦ના ટિકિટ છે. પેટ્સ ઝોનનો પણ આ ટિકિટમાં સમાવેશ છે. ફેરી બોટ(ક્રૂઝ) પ્રોજેકટ ૧૦૦ ટકા પૂર્ણ છે અને લોકાર્પણ માટે તૈયાર છે. બોટમાં ૨૦૨ પ્રવાસી આનંદ માણી શકશે. એક પ્રવાસીદીઠ ક્રૂઝનું ભાડું રૂ. ૪૩૦ રાખ્યું છે.

કેવડિયામાં આરોગ્ય વન અને કુટીરનું PM મોદીએ લોકાર્પણ કર્યું.

ગ્લો ગાર્ડન અને ભારત ભવન

ગ્લો ગાર્ડન ૧૦૦ ટકા પૂર્ણ છે, કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડનની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેકટમાં લાઈટિંગ કરાયું છે. ટિકિટનો ચાર્જ ૨૦૦ રૂા છે. શ્રેષ્ઠ ભારત ભવનમાં થ્રી સ્ટાર હોટલ બનાવાઇ છે. ૫૨ એસી લકઝુરિયસ રૂમો, સ્વિમિંગ પૂલ સહિત મોટું ગાર્ડન છે. એનું રૂ. ૬ હજાર ભાડું છે.

એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક

એકતા મોલ એ વિવિધ રાજયોની હસ્તકલાઓ અને સ્પેશિયલ કારીગરો, મહિલા સંગઠનો અને સામાજિક સંસ્થાઓ દ્વારા બનાવેલી વસ્તુઓ અને રાજયની ઓળખ ગણાતી વસ્તુનો શોપિંગ મોલ છે. ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેકટ છે. ચિલ્ડ્રન પાર્કની વિઝિટ કરનાર બાળક પૌષ્ટિક વસ્તુ જાણતો થશે. ટિકિટનો દર રૂ. ૩૦૦ છે.

કેકટસ ગાર્ડન અને એકતા નર્સરી

દેશનું પ્રથમ એક ગાર્ડન છે, જેમાં દેશ-વિદેશના કાંટાળા રંગબેરંગી છોડ છે. એકતા નર્સરીમાં ૧૦ હજાર કરતાં વધુ પ્લાન્ટ તૈયાર કરાયા છે, જે પ્રવાસીઓ માટે વેચાણમાં મૂકયા છે

આરોગ્ય વન અને રેલવે સ્ટેશન

આરોગ્ય વન એક કુદરતી પ્લાન્ટથી ભરપૂર છે. સૌથી વધુ ઓકિસજન આપે એવા પ્લાન્ટ્સ છે. અહીંના યોગ ગાર્ડનમાં મોદી યોગ કરશે અને એનું લોકાર્પણ કરશે. વેલનેસ સેન્ટરમાં મસાજ કરાવો તો ખર્ચ થશે. ચાંદોદથી કેવડિયા રેલવેલાઇનનું કામ ૬૦ ટકા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હજી રેલવેલાઇન પૂર્ણ કરવાની બાકી છે. રેલવે સ્ટેશનની કામગીરી પૂરી થતાં ૬ મહિના લાગશે.

(3:10 pm IST)