Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

મોદી સરકારનો મહત્વનો નિર્ણય

પ્રાઇવેટ કંપનીઓ અને રાજય સરકારોના કર્મચારીઓને પણ મળશે LTC કેશ વાઉચરનો ફાયદો

નવી દિલ્હી, તા.૩૦:  મોદી સરકારે એક મોટો નિર્ણય કર્યો છે, જેનાથી ખાનગી કંપનીઓ અને રાજય સરકારના કર્મચારીઓને ફાયદો થશે, જેઓ એલટીસી કેશ વાઉચર સ્કીમ અંતર્ગત આવતા ન હતા. આજે સીબીડીટીએ કહ્યું છે કે, ખાનગી કંપનીઓ અને તમામ રાજય સરકારોના કર્મચારીઓને પણ માન્ય એલટીસી ફેરની બરાબર કેશની ચૂકવણી પર આવકવેરામાં મુકિત આપવાનો નિર્ણય લેવાયો છે, જેવું કે, કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે કરવામાં આવ્યું હતું. તે મુજબ, વધુમાં વધુ ૩૬ હજાર રૂપિયા પર આવકવેરામાં મુકિત આપવામાં આવશે. જોકે, તેના માટે કેટલીક શરતોને પૂરી કરવી પડશે.

સીબીડીટીએ કહ્યું કે, કર્મચારીઓને આવકવેરામાં આ છૂટ ત્યારે જ મળશે, જયારે તેઓ ૨૦૧૮-૧૯ના એલટીસીના બદલે આ વિકલ્પને પસંદ કરે છે. સાથે જ એમ પણ કહેવાયું છે કે, કર્મચારીએ માન્ય એલટીસી ફેરના ઓછામાં ઓછા ૩ ગણા રૂપિયા એવી વસ્તુઓ ખરીદવા પર ખર્ચ કરવા પડશે, જેના પર ઓછામાં ઓછો ૧ ટકા જીએસટી લાગતો હોય. આ ચૂકવણી ડિજિટલ રીતે ૧૨ ઓકટોબર ૨૦૨૦થી ૩૧ માર્ચ ૨૦૨૧ વચ્ચે કરવાની રહેશે. એ કર્મચારી પાસે જીએસટી નંબરવાળું વાઉચર પણ હોવું જોઈએ અને એ વાતનો પુરાવો હોવો જોઈએ કે તેણે કેટલો જીએસટી ભર્યો છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્ર સરકારે લીવ ટ્રાવેલ કન્સેશનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત કેન્દ્રીય કર્મચારીઓએ હવે ટ્રાવેલ કરવાની કે રજા લેવાની જરૂર નથી. કર્મચારીઓને બ્લોક ૨૦૧૮-૨૧ દરમિયાન મુસાફરીના ભાડાને બદલે સ્પેશિયલ પેકેજ ઓફર કરાયું છે. જણાવી દઈએ કે, લીવ ટ્રાવેલ કન્સેશન કે લીવ ટ્રાવેલ અલાઉન્સનો ફાયદો ત્યારે જ મળે છે, જયારે કર્મચારીએ રજા લઈને મુસાફરી કરી હોય. એટલે એલટીસી માટે અપ્લાય કરવા માટે મુસાફરી કરવી જરૂરી છે. જો રજા ન લીધી હોય તો એલટીસી માટે તે માન્ય નહીં કરાય. એટલે કે, જો કર્મચારી ફરવા ન જાય તો તેને સ્કીમનો પૂરો ફાયદો નથી મળતો. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વર્ષે એલટીએ સ્કીમ અંતર્ગત કેશ વાઉચર આપવાની જાહેરાત કરી છે. જે અંતર્ગત કર્મચારીઓએ રજાઓના બદલે રેલવે કે હવાઈ મુસાફરીના ભાડાના ૩ ગણા બરાબર રૂપિયાનો સામાન ખરીદવો પડશે કે કોઈ સર્વિસનો લાભ લેવાનો રહેશે. એટલે કે, કોઈ મુસાફરી કર્યા વિના તે ટેકસ સેવિંગનો લાભ પણ લઈ શકે છે. જે સામાન ખરીદવામાં આવે તેનો જીએસટી ૧૨ ટકાથી વધુ હોવો જોઈએ. કર્મચારી આવા સામાનોને કેશ વાઉચર સ્કીમ દ્વારા ખરીદી શકે છે.

(10:12 am IST)