Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

મુંબઇમાં નિયમ અમલી

જો તમે માસ્ક નથી પહેર્યુ તો થશે રસ્તો સાફ કરવાની સજા

મુંબઇ,તા.૩૦ : કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે લાગું કરવામાં આવેલા લોકડાઉનને હળવું કરવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં, જો તમે માસ્ક પહેર્યા વિના ઘરની બહાર જાવ છો, તો સાવચેત રહો. નહિંતર, રસ્તાઓ પર ઝાડું લગાવવું પડી શકે છે.

મહારાષ્ટ્રનાં પાટનગર મુંબઇમાં, જો તમે માસ્ક પહેર્યું નહીં હોય અને અને દંડ ભરવાની સ્થિતિમાં ન હોવ તો, સામુદાયિક સેવા હેઠળ તમારે શેરીઓમાં સફાઈ કરવી પડશે. જે લોકો જાહેર સ્થળોએ માસ્ક ન પહેરતા હોય તેમને બૃહન્દમુંબઈ મહાનગર પાલિકા (BMC) જાહેર સ્થળોમાં માસ્ક ન પહેરનારા લોકોને ૨૦૦ રૂપિયાનો દંડ ફટકારે છે. જો કોઈ દંડ ભરવા માંગતા ન હોય, તો તેણે સામુદાયિક સેવા હેઠળ માર્ગો પર ઝાડું લગાવું પડશે.

અધિકારીઓએ કોરોના વાયરસ રોગચાળો ફેલાતો અટકાવવા માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવ્યું છે. કે-વેસ્ટ બોડી વોર્ડે માસ્ક પહેર્યા વિના ફરનારા ઘણા લોકોને એક કલાક સુધી ઝાડું લગાવડાવ્યું, આ વોર્ડ અંધેરી પશ્ચિમ, જુહુ અને વર્સોવા આવે છે. સહાયક નિગમ કમિશનર (કે-વેસ્ટ વોર્ડ) વિશ્વાસ મોટેએ ગુરૂવારે જણાવ્યું કે છેલ્લા સાત દિવસોમાં, લોકોને માસ્ક ન પહેરવા અને અધિકારીઓ સાથે બિનજરૂરી દલીલો કરવાનો ઇનકાર કરવા અથવા દંડ ન ભરનારા લોકો પાસે સમુદાયની સેવા હેઠળ સફાઇ કરાવી છે. મોટેએ કહ્યું કે કે-વેસ્ટ વોર્ડમાં અત્યાર સુધી અમે ૩૫ લોકો પાસે સમુદાયિક સેવા કરાવી છે.

અધિકારીઓના મતે, આ સજા BMCનાં ઉપકાયદા હેઠળ કરવામાં આવી રહી છે. આ નિયમ હેઠળ, મ્યુનિસિપલ બોડી શેરીઓમાં થૂંકતા લોકોને વિવિધ સમુદાયિક સેવાઓ કરવા માટે કહી શકે છે. શરૂઆતમાં, મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું કે મોટાભાગના લોકો શેરીઓમાં સફાઇ જેવી સમુદાયિક સેવા કરવા માંગતા નથી, પરંતુ જયારે તેમને પોલીસ કાર્યવાહીની ચેતવણી આપવામાં આવે છે, ત્યારે તેઓ આમ કરવા તૈયાર થઇ જાય છે.

(10:09 am IST)