Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

યુએસ માર્કેટમાં તોફાનથી મસ્કની સંપત્તીમાં ૧૩.૩ અબજ ડોલરનું ધોવાણ

અમેરિકન શેર બજારમાં ફરી એક વખત વેચવાલીનું તોફાન : જેફ બેઝોસની એમેઝોનના શેરમાં પણ ૨.૭૨ ટકાનું ભંગાણ જોવા મળ્યું હતું, આ કારણે તેમની કુલ સંપત્તિમાં ૩.૨૨ અબજ ડોલરનો ફટકો પડ્યો છે

નવી દિલ્હી, તા.૩૦ : અમેરિકી શેર માર્કેટમાં ગુરૃવારના રોજ ફરી એક વખત વેચાવલીનું તોફાન જોવા મળ્યું હતું જેમાં ટેસ્લા, ગૂગલ (આલ્ફાબેટ ઈક્ન), ફેસબુક (મેટા) અને એમેઝોન જેવી અનેક દિગ્ગજ કંપનીઓના શેર ઉંધા માથે પટકાયાં હતા. અમેરિકી માર્કેટમાં જોવા મળેલા આ તોફાનના કારણે વિશ્વના ટોચના ધનિક એલન મસ્કની કુલ સંપત્તિમાંથી ૧૩.૩ અબજ ડોલર (આશરે ૧,૦૮,૫૮૭ કરોડ રૃપિયા)નું ધોવાણ થયું છે. તે સિવાય જેફ બેઝોસને પણ ૩.૨૨ અબજ ડોલરનો ફટકો પડ્યો છે.

ગુરૃવારે અમેરિકી શેર માર્કેટનો પ્રમુખ ઈન્ડેક્સ ડાઉ જોન્સ ૧.૫૪ ટકા એટલે કે, ૪૫૮ પોઈન્ટ ગબડીને ૨૯,૨૨૫ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નાસડેકમાં ૨.૮૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો અને તે ૧૦,૭૩૭ના સ્તરે બંધ રહ્યો. એસ એન્ડ પી ૫૦૦માં (જીશ્ઁ ૫૦૦) પણ ૨.૧૧ ટકાનો ઘટાડો જોવા મળ્યો. આ બધા કારણોસર એલન મસ્કની ટેસ્લાના શેર ૬.૮૧ ટકા તૂટ્યા હતા અને તેમને એક જ દિવસમાં ૧૩.૩ અબજ ડોલરનું નુકસાન થયું હતું.

જેફ બેઝોસની એમેઝોનના શેરમાં પણ ૨.૭૨ ટકાનું ભંગાણ જોવા મળ્યું હતું. આ કારણે તેમની કુલ સંપત્તિમાં ૩.૨૨ અબજ ડોલરનો ફટકો પડ્યો છે. ફેસબુક, મેટા પ્લેટફોર્મના શેર પણ ૩.૬૭ ટકા તૂટ્યા હતા. આ કારણે માર્ક ઝુકરબર્ગની સંપત્તિમાં ૧.૮૨ અબજ ડોલરનો ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ૩૦.૩ અબજ ડોલરની સંપત્તિ ગુમાવી ચુકેલા મસ્કની કુલ સંપત્તિ હવે ૨૪૦ અબજ ડોલર જ બચી છે. જોકે તેમ છતાં તેઓ બ્લૂમબર્ગના બિલેનિયર્સ ઈન્ડેક્સમાં વિશ્વના સૌથી ધનવાન વ્યક્તિના પદ પર છે.

ટોપ-૧૦ ધનિકોમાં આ વર્ષે સૌથી વધારે સંપત્તિ, આશરે ૫૫ અબજ ડોલર ગુમાવનારા જેફ બેઝોસ ૧૩૮ અબજ ડોલર સાથે બીજા ક્રમે છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ ૪૮ અબજ ડોલરની સંપત્તિ ગુમાવનારા બર્નાર્ડ અર્નાલ્ટ ૧૨૯ અબજ ડોલર સાથે ત્રીજા ક્રમે છે. ગૌતમ અદાણીએ ગુરૃવારના રોજ ૩.૫૧ અબજ ડોલરની સંપત્તિ ગુમાવી હતી. જોકે તેમ છતાં તેઓ આ વર્ષે સૌથી વધારે કમાણી કરનારા શખ્સ છે. તેમની સંપત્તિમાં ૫૧.૧ અબજ ડોલરનો વધારો થયો છે અને તેઓ ૧૨૮ અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે ચોથા સ્થાને છે.

(7:27 pm IST)