Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

RBI દ્વારા રેપો રેટમાં વધારો કરતા તમારા ખિસ્‍સા પર શું પડશે અસર?

 મુંબઈ,તા.૩૦ : મોંઘવારીનો સામનો કરવા માટે ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં વધારો કર્યો છે. RBI ગવર્નર શક્‍તિકાંત દાસે આજે સવારે ૧૦ વાગ્‍યે રેપો રેટમાં ૦.૫૦ ટકાના વધારાની જાહેરાત કરી હતી. આ સાથે હવે બેંકમાંથી લોન લેવી મોંઘી થઈ જશે. તેમજ ઘર, કાર સહિત તમામ લોન પરના તમારા ચાલુ EMI પણ વધશે. રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયાની જાહેરાત બાદ હવે રેપો રેટ ૫.૪૦ થી વધીને ૫.૯૦ ટકા થઈ ગયો છે.

 વાસ્‍તવમાં, તમામ બેંકો વ્‍યાજના દરો નક્કી કરવા માટે રેપો રેટનો બેન્‍ચમાર્ક તરીકે ઉપયોગ કરે છે. તેથી, જો રેપો રેટ વધે છે, તો બેંકો લોન પરના વ્‍યાજમાં પણ વધારો કરે છે. બીજી તરફ રેપો રેટ ઘટવા પર લોન સસ્‍તી થઈ જાય છે. આ સમયે પોલિસી રેટમાં વધારાને કારણે હોમ લોનના દર હવે ૮.૫૫ ટકાને પાર કરી જશે. આવી સ્‍થિતિમાં લોકો માટે ઘર ખરીદવા માટે હોમ લોન મોંઘી થઈ જશે.

 ચાલો આ ઉદાહરણ દ્વારા રેપો રેટમાં વધારાની અસરને સમજીએ. ધારો કે મિતેશ નામના વ્‍યક્‍તિએ ૮.૦૫% વ્‍યાજ દરે ૨૦ વર્ષ માટે ૨૧ લાખ રૂપિયાની હોમ લોન લીધી છે. હાલમાં, રાજેશની લોનનો EMI ૧૭૫૮૪ રૂપિયા હશે અને તેણે લોનના સમગ્ર સમયગાળા માટે ૪૨,૨૦,૨૧૦ રૂપિયા ચૂકવવા પડશે.

 તેવામાં મિતેશે લોન લીધાના એક મહિના પછી, હવે રિઝર્વ બેંકે રેપો રેટમાં ૦.૫૦%નો વધારો કર્યો છે. તેથી બેંકે પણ વ્‍યાજ દરોમાં ૦.૫૦% નો વધારો કર્યો છે. હવે ધારો કે મિતેશ મિત્ર રીતેશ પણ એ જ બેંકમાંથી હોમ લોન લે છે. હવે બેંક રીતેશને ૮.૦૫% ને બદલે ૮.૫૫% વ્‍યાજ દરે લોન આપે છે.

 રિતેશ ૨૦ વર્ષ માટે ૨૧ લાખ રૂપિયાની લોન લે છે, ત્‍યારે હવે તેનો EMI ૧૮,૨૪૨ રૂપિયા આવશે. આ રીતે રિતેશને મિતેશની હોમ લોન EMI કરતાં ૬૫૮ રૂપિયા વધુ ચૂકવવા પડશે. જેના કારણે મિતેશના મિત્રને ૨૦ વર્ષમાં કુલ ૪૩,૭૮,૧૦૨ રૂપિયા ચૂકવવા પડશે. જે મિતેશની રકમ કરતાં ૧૫૭,૮૯૨ રૂપિયા વધુ છે. તેમજ વ્‍યાજ દરમાં વધારાને કારણે, મિતેશને પણ રિતેશની જેમ તેની વર્તમાન EMI પર ૬૫૮ રૂપિયા વધુ ચૂકવવા પડશે. જેથી તેના કુલ ચૂકવવાની રકમમાં વધારો થશે. કાર અને અન્‍ય લોન પર પણ આ જ રીતે ગણતરી કરવામાં આવશે, એટલે કે તમામ લોન મોંઘી થશે અને વ્‍યાજ દરમાં વધારાને કારણે હાલની લોનની EMI પણ વધશે.

(4:06 pm IST)