Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કાબુલમાં ભયંકર બોમ્‍બ વિસ્‍ફોટ : ૩૨ના મોત

૪૦ને ઇજા : હુમલાની જવાબદારી હજુ કોઇએ લીધી નથી

કાબુલ તા. ૩૦ : અફઘાનિસ્‍તાનની રાજધાની કાબુલમાં જોરદાર વિસ્‍ફોટ થયો, જેમાં ૩૨ લોકોના મોત થયા. તે જ સમયે, આ બોમ્‍બ વિસ્‍ફોટમાં ૪૦ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. તાલિબાનના પ્રવક્‍તા ખાલિદ ઝદરાને જણાવ્‍યું હતું કે દશ્‍તી બરચી વિસ્‍તારમાં વિસ્‍ફોટ થયો હતો. અફઘાનિસ્‍તાનના લઘુમતી શિયા સમુદાયના મોટાભાગના લોકો આ વિસ્‍તારમાં રહે છે. વિસ્‍ફોટની જવાબદારી હજુ સુધી કોઈએ લીધી નથી

તાલિબાનના પ્રવક્‍તાએ કહ્યું કે, પીડિતોમાં હાઈસ્‍કૂલથી લઈને કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે. વિસ્‍ફોટ થયો તે સમયે તેઓ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપી રહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ શુક્રવારે આવા શૈક્ષણિક કેન્‍દ્રો કે જેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે તેમના માટે વધારાની સુરક્ષાની માંગણી કરશે.એક ટ્‍વિટર પોસ્‍ટમાં એનજીઓ અફઘાન પીસ વોચે કહ્યું કે, એક આત્‍મઘાતી હુમલાખોરે વિદ્યાર્થીઓ વચ્‍ચે જઈને પોતાની જાતને ઉડાવી દીધી. કાજ એજયુકેશનલ સેન્‍ટરને નિશાન બનાવ્‍યું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ કાબુલના વજીર અકબર ખાન વિસ્‍તાર પાસે પણ એક બોમ્‍બ વિસ્‍ફોટ થયો હતો.અફઘાનિસ્‍તાનના ગૃહ મંત્રાલયમાં તાલિબાન દ્વારા નિયુક્‍ત પ્રવક્‍તા અબ્‍દુલ નફી ટાકોરે જણાવ્‍યું કે, વિસ્‍ફોટ શુક્રવારે વહેલી સવારે થયો હતો. અબ્‍દુલ નફી ટાકોરે કહ્યું કે, અમારી ટીમોને ઘટનાસ્‍થળે મોકલવામાં આવી છે. તાજેતરમાં કાબુલમાં રશિયન દૂતાવાસની બહાર થયેલા વિસ્‍ફોટની પણ સખત નિંદા કરવામાં આવી હતી.

(4:02 pm IST)