Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

ખડગે - ત્રિપાઠી - થરૂર વચ્‍ચે ખેલાશે જંગ

કોંગ્રેસ પ્રમુખની ચૂંટણી : દિગ્‍વિજય રેસમાંથી બહાર થઇ ગયા : ચૂંટણી નહિ લડે

નવી દિલ્‍હી તા. ૩૦ : કોંગ્રેસ પ્રમુખ પદની ચૂંટણીને લઈને સ્‍થિતિ હવે સ્‍પષ્ટ થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. વરિષ્ઠ નેતા અને સાંસદ શશિ થરૂરે પાર્ટી અધ્‍યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી છે. આજે બપોરે AICC ઓફિસ પહોંચ્‍યા બાદ તેમણે ઉમેદવારી નોંધાવી હતી. તે જ સમયે, ઝારખંડ કોંગ્રેસના નેતા કેએન ત્રિપાઠીએ પણ પાર્ટી અધ્‍યક્ષ પદ માટે ફોર્મ ભર્યું છે. નામાંકન બાદ તેમણે કહ્યું કે પાર્ટીના નેતાઓના નિર્ણયનું સન્‍માન કરવામાં આવશે.કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ ઉમેદવારી નોંધાવી છે. અગાઉ તેમણે કહ્યું હતું કે હું (કોંગ્રેસ અધ્‍યક્ષ પદ માટે) નોમિનેશન ફાઈલ કરવાનો છું. એ પછી હું આવીને વાત કરીશ. તે જ સમયે, કોંગ્રેસના સાંસદ દીપેન્‍દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે હું કોંગ્રેસ અધ્‍યક્ષ પદ માટે નામાંકન દાખલ કરવાના મલ્લિકાર્જુન ખડગેના નિર્ણયનું સ્‍વાગત કરૂં છું. અમને આશા છે કે તેમની પસંદગી થશે. હરિયાણાથી (ભુપિન્‍દર સિંહ) હુડ્ડા સાહેબ અને મેં પ્રસ્‍તાવક તરીકે તેમના નામાંકન પત્રો પર સહી કરી છે.મધ્‍યપ્રદેશના પૂર્વ મુખ્‍યમંત્રી દિગ્‍વિજય સિંહે આજે પાર્ટી અધ્‍યક્ષની ચૂંટણીમાંથી ખસી ગયા છે. તેમણે કહ્યું કે તેઓ પાર્ટી અધ્‍યક્ષ પદ માટે ચૂંટણી લડશે નહીં, પરંતુ તેમના સાથી મલ્લિકાર્જુન ખડગેના નામાંકનમાં પ્રસ્‍તાવક હશે. સિંહે કહ્યું કે તેમણે આખી જિંદગી કોંગ્રેસ માટે કામ કર્યું છે અને કરતા રહેશે.

નોંધનીય છે કે રાજસ્‍થાનના મુખ્‍યમંત્રી અશોક ગેહલોતે ગઇકાલે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી. આ પછી, સિંહે ચૂંટણી લડવાની ઈચ્‍છા વ્‍યક્‍ત કરતા ઉમેદવારી પત્રોના ૧૦ ‘સેટ' લીધા. કોંગ્રેસના ‘એક વ્‍યક્‍તિ, એક પદ'ના નિયમ હેઠળ ચૂંટણી લડવા માટે ગેહલોતને મુખ્‍યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનું કહેવામાં આવ્‍યું હતું.

નવી દિલ્‍હીમાં ઓલ ઈન્‍ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના મુખ્‍યાલયના પરિસરમાં એક ટેન્‍ટ લગાવવામાં આવ્‍યો છે જયાં પાર્ટીના નેતાઓ બપોરે ૧૧ થી ૩ વાગ્‍યાની વચ્‍ચે તેમના ઉમેદવારી પત્રો દાખલ કરી શકે છે. કોંગ્રેસ અધ્‍યક્ષની ચૂંટણી માટે ૧૭ ઓક્‍ટોબરે મતદાન થશે અને ૧૯ ઓક્‍ટોબરે પરિણામ જાહેર થશે.

(4:02 pm IST)