Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

દેશમાં અનાજનું ઉત્‍પાદન ઘટયું

યુપીમાં સૌથી વધુ પરંતુ હિસ્‍સો ઘટયો : ફળ, શાકભાજી, દાળના ઉત્‍પાદનમાં નોંધાયો વધારો

નવી દિલ્‍હી તા. ૩૦ : કેન્‍દ્ર સરકારના અહેવાલ મુજબ દેશમાં અનાજના ઉત્‍પાદનમાં ઘટાડો થયો છે જયારે ફળો, શાકભાજી, કઠોળના ઉત્‍પાદનમાં વધારો થયો છે. અનાજ ઉપરાંત ખાંડ, દવાઓ, માદક દ્રવ્‍ય અને તેલીબિયાંના ઉત્‍પાદનમાં ઘટાડો થયો છે. ૨૦૧૧-૧૨માં કુલ મૂલ્‍ય ઉત્‍પાદનમાં ખાદ્યાન્નનો હિસ્‍સો ૨૮.૨ હતો, જે ૨૦૧૯-૨૦માં ઘટીને ૨૭.૩ થયો છે. કઠોળનો હિસ્‍સો ૪.૪ થી વધીને ૫.૧ થયો છે. કેન્‍દ્રીય આંકડાકીય અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયે વર્ષ ૨૦૧૧-૧૨ થી ૨૦૧૯-૨૦ સુધીના કૃષિ, વનીકરણ અને મત્‍સ્‍યઉદ્યોગ અંગેનો અહેવાલ જાહેર કર્યો છે.

૨૦૧૯-૨૦માં દેશમાં ફળો અને શાકભાજીનું કુલ મૂલ્‍ય ઉત્‍પાદન ૩૮૩.૩ હજાર કરોડ હતું. આ અનાજ કરતાં લગભગ ૬,૦૦૦ કરોડ વધુ છે. ૨૦૧૧-૧૨માં અનાજનું કુલ મૂલ્‍ય ઉત્‍પાદન ૩૩૬.૪ હજાર કરોડ હતું. , જે તમામ પાકોમાં સૌથી વધુ હતું. ૨૦૧૧-૧૨માં કૃષિમાં પાકનો હિસ્‍સો ૬૨.૪ હતો, જે ૨૦૧૯-૨૦માં ઘટીને ૫૫.૫ થયો છે.

રિપોર્ટ અનુસાર ઉત્તર પ્રદેશમાં અનાજનું સૌથી વધુ ઉત્‍પાદન થાય છે. જો કે દેશભરમાં અનાજના ઉત્‍પાદનમાં યુપીનો હિસ્‍સો ઘટ્‍યો છે. તેનો હિસ્‍સો ૨૦૧૧-૧૨માં ૧૮.૬ ટકા હતો જે ૨૦૧૯-૨૦માં ઘટીને ૧૮.૫ થયો છે.

મધ્‍યપ્રદેશનો હિસ્‍સો વધ્‍યો છે. ૨૦૧૧-૧૨માં અનાજ ઉત્‍પાદનમાં મધ્‍યપ્રદેશનો હિસ્‍સો ૬.૨ હતો, જે ૨૦૧૯-૨૦માં વધીને ૧૦ ટકા થયો છે. રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વભરમાં ખેતીલાયક જમીનમાં બીજા ક્રમે, અનાજ ઉત્‍પાદનમાં ત્રીજા ક્રમે, મગફળી, ફળો, શાકભાજી, શેરડી, ચા વગેરેના ઉત્‍પાદનમાં બીજા ક્રમે અને શણના ઉત્‍પાદનમાં પ્રથમ ક્રમે છે.

(12:13 pm IST)