Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કોર્પોરેટ હાઉસની મદદથી ખાનગી જેલો બનાવવા સુપ્રીમ કોર્ટનું સૂચન

સુપ્રિમ કોર્ટે દેશની જેલોની સ્‍થિતિ પર ચિંતા વ્‍યકત કરી

નવી દિલ્‍હી તા. ૩૦ : સુપ્રીમ કોર્ટે દેશની જેલોની સ્‍થિતિ પર ચિંતા વ્‍યક્‍ત કરી હતી અને મોટા કોર્પોરેટ ગૃહો સાથે સંકળાયેલી ખાનગી જેલોનું નિર્માણ કરવાનું સૂચન કર્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોટા કોર્પોરેટ ગૃહો તેમની સામાજિક જવાબદારી (CSR)ના ભાગરૂપે ખાનગી જેલ બનાવી શકે છે.

જસ્‍ટિસ કેએમ જોસેફ અને હૃષિકેશ રાયની બેન્‍ચે અવલોકન કર્યું કે યુરોપમાં ખાનગી જેલોનો ખ્‍યાલ છે. પછી કોર્પોરેટ સોશિયલ રિસ્‍પોન્‍સિબિલિટી છે. જો તમે તેમને પૂરતા પ્રોત્‍સાહનો પ્રદાન કરો છો, તો તમે તેમનું નિર્માણ કરી શકો છો. કારણ કે તમે નથી ઈચ્‍છતા કે આ માટે સરકારી પૈસા ખર્ચવામાં આવે. અન્‍ડરટ્રાયલ્‍સની સંખ્‍યા ચિંતાજનક છે. બેન્‍ચે કહ્યું કે તેઓ તેને તૈયાર કરીને તમને સોંપશે અને આવકવેરા હેઠળ મુક્‍તિનો દાવો કરશે. એક નવો ખ્‍યાલ આવશે. પછી આગોતરા જામીનથી લઈને આગોતરા જેલ સુધીનો નવો ખ્‍યાલ વિકસિત થશે.

સામાજિક કાર્યકર્તા ગૌતમ નવલખા તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્‍બલે રજૂઆત કરી હતી કે જેલોમાં ભીડભાડ છે અને દર્દીઓ માટે માત્ર આયુર્વેદ ડોક્‍ટરો ઉપલબ્‍ધ છે તે પછી બેન્‍ચે આ અવલોકન કર્યું હતું. બેન્‍ચે કહ્યું કે જેલોનો અભ્‍યાસ કોઈપણ સરકાર માટે સૌથી ઓછો પ્રાથમિકતા ક્ષેત્ર છે. અદાલતે તલોજા જેલ અધિક્ષકને એલ્‍ગાર પરિષદ-માઓવાદી લિંક કેસમાં જેલમાં બંધ ગૌતમ નવલખાને તાત્‍કાલિક સારવાર માટે મુંબઈની જસલોક હોસ્‍પિટલમાં ખસેડવાનો નિર્દેશ આપ્‍યો હતો. અગાઉ નવલખાના વકીલે કહ્યું હતું કે તે કેન્‍સરથી પીડિત છે.

(12:12 pm IST)