Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

વ્‍યાજદરમાં વધારો : લોન મોંઘી થશે : EMI વધશે

મોંઘવારીને કાબુમાં લેવા તથા ડોલર સામે રૂપિયાને વધુ તૂટતો રોકવા રિઝર્વ બેંકનો પ્રયાસઃ ચોથી વખત વ્‍યાજદરમાં વધારો : રિઝર્વ બેંકે રેપો રેટમાં કર્યો ૦.૫૦ ટકાનો વધારો : રેપો રેટ ૫.૪૦ ટકાથી વધી ૫.૯૦% : રેપો રેટમાં સતત ચોથીવાર વધારો : જીડીપી ગ્રોથ ૭ ટકા રહેવા અનુમાન

નવી દિલ્‍હી તા. ૩૦ : ક્રેડિટ પોલીસી જાહેર કરતા તેમણે કહ્યું હતું કે, રિયલ જીડીપી ગ્રોથ ૨૦૨૩માં ૭ ટકા રહેવા અનુમાન છે. પહેલા ૭.૨ ટકા રાખવામાં આવ્‍યો હતો. લોન મોંઘી થશે તેમજ હપ્‍તા પણ વધશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્‍ડિયા (RBI)ની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની બેઠક આજે સમાપ્ત થઈ ગઈ છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્‍તિકાંત દાસે બેઠકમાં લેવાયેલા નિર્ણયો વિશે માહિતી આપી અને રેપો રેટમાં વધારો કરવાની જાહેરાત કરી છે. શક્‍તિકાંત દાસે ૫૦ બેસિસ પોઈન્‍ટના વધારાની જાહેરાત કરી છે. આ રીતે રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો થયો છે. મોંઘવારી પર અંકુશ મેળવવા માટે કેન્‍દ્રીય બેંક રેપો રેટમાં સતત વધારો કરી રહી છે. ગયા મહિને ૫ ઓગસ્‍ટે RBIએ રેપો રેટમાં ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો.

આજના વધારા સહિત, સેન્‍ટ્રલ બેંકે મે મહિનાથી રેપો રેટમાં ચાર વખત વધારો કર્યો છે. જેના કારણે રેપો રેટ હવે ૫.૯૦ ટકા પર પહોંચી ગયો છે. પહેલા તે ૫.૪૦ પર હતો. શક્‍તિકાંત દાસે કહ્યું કે કોરોના વાયરસ રોગચાળા અને રશિયા-યુક્રેન યુદ્ધના આંચકા પછી વૈશ્વિક કેન્‍દ્રીય બેંકોની આક્રમક નાણાકીય નીતિઓથી વધુ એક તોફાન ઉભું થયું છે.

રેપો રેટમાં વધારા બાદ લોન મોંઘી થશે, કારણ કે બેંકોની ઉધાર કિંમત વધી જશે. આ પછી બેંકો તેમના ગ્રાહકો પર બોજ નાખશે. હોમ લોન ઉપરાંત ઓટો લોન અને અન્‍ય લોન પણ મોંઘી થશે. રેપો રેટનો સીધો સંબંધ બેંક પાસેથી લીધેલી લોન અને EMI સાથે છે. વાસ્‍તવમાં, રેપો રેટ એ દર છે જેના પર આરબીઆઈ બેંકોને લોન આપે છે.

અગાઉ એમપીસીની ભલામણોના આધાર પર જ આરબીઆઇએ જુન અને ઓગસ્‍ટમાં બે વાર રેપોરેટમાં ૦.૫૦ - ૦.૫૦ ટકાનો વધારો કર્યો હતો તે પહેલા મે માં કેન્‍દ્રીય બેંકે અચાનક વ્‍યાજદરને ૦.૪૦ ટકા વધાર્યો હતો. આ રીતે મે થી અત્‍યાર સુધીમાં રેપોરેટ ૧.૪૦ ટકા વધી ચૂક્‍યો છે.

(11:47 am IST)