Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

૪૦ વર્ષની મોડેલે કરી આત્‍મહત્‍યા : મને શાંતિ જોઇએ છે... સુસાઇડ નોટમાં આટલું લખીને પંખાથી લટકી ગઇ

મુંબઈ તા. ૩૦ : મુંબઈના અંધેરી વિસ્‍તારમાંથી એક મોડલની આત્‍મહત્‍યાનો મામલો સામે આવ્‍યો છે. ઘટનાસ્‍થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પોલીસના જણાવ્‍યા અનુસાર, મોડલનો મૃતદેહ હોટલના રૂમમાં સીલિંગ ફેન સાથે લટકતી હાલતમાં મળી આવ્‍યો હતો. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.

પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, ૪૦ વર્ષીય મોડલ રાત્રે ૮ વાગ્‍યાની આસપાસ હોટલમાં ચેક-ઈન કરી રહી હતી. તે પછી તેણે ખાવાનું પણ ઓર્ડર કર્યું. જયારે હાઉસકીપિંગ સ્‍ટાફ ખોરાક લઈને મોડલના રૂમમાં પહોંચ્‍યો ત્‍યારે દરવાજો બંધ હતો. હાઉસકીપિંગને વારંવાર વિનંતી કરવા છતાં દરવાજો ન ખૂલ્‍યો અને અંદરથી કોઈ અવાજ આવ્‍યો નહીં, ત્‍યારબાદ તેણે હોટલના મેનેજરને જાણ કરી. મામલો શંકાસ્‍પદ જોઈને હોટલના મેનેજરે પોલીસને જાણ કરી, ત્‍યારબાદ પોલીસ ઘટનાસ્‍થળે પહોંચી અને દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો.

પોલીસની હાજરીમાં માસ્‍ટર કી વડે દરવાજો ખોલવામાં આવ્‍યો હતો, પરંતુ અંદર પહોંચતા મહિલાની લાશ પંખા સાથે લટકતી મળી આવી હતી. જે બાદ પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ તપાસ શરૂ કરી હતી. અધિકારીઓએ જણાવ્‍યું કે સ્‍થળ પરથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે.

પોલીસ અધિકારીઓના જણાવ્‍યા અનુસાર, ૪૦ વર્ષીય મોડલે તેના મૃત્‍યુ માટે કોઈને દોષ આપ્‍યો નથી. તેણે લખ્‍યું, મને માફ કરજો, આ માટે કોઈ જવાબદાર નથી. હું ખુશ નથી અને હવે મને શાંતિ જોઈએ છે. જો કે પોલીસે મામલો શંકાસ્‍પદ જણાતા તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ જણાવ્‍યું કે મહિલાના મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્‍યો છે.

(10:19 am IST)