Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જાન્‍યુઆરીથી જીવનજરૂરી ચીજોના ભાવ ૨૨ ટકા વધ્‍યા

તેલથી માંડીને મસાલા અને ચોખાથી લઇને હેર ઓઇલ સહિત બધુ જ ૧૦ થી ૨૨ ટકા મોંઘુ થયું

મુંબઇ તા. ૩૦ : રીટેઇલ એનાલીટીકસ પ્‍લેટફોર્મ બાઇઝોમ અનુસાર આ વર્ષે જાન્‍યુઆરીથી અત્‍યાર સુધીમાં તેલ, મસાલા, અનાજ અને હેર ઓઇલ જેવી રોજીંદી જરૂરીયાતની વસ્‍તુઓના ભાવો ૧૦ થી ૨૨ ટકા જેટલા વધી ગયા છે. આના કારણે વેચાણનું કદ ઘટયું છે. ખાસ કરીને ગ્રામ્‍ય બજારોમાં વેચાણ સારૂં એવું ઘટયું છે. જો કે આ ભાવ વધારો બિન ખાદ્ય પદાર્થોમાં એટલો જોવા નથી મળ્‍યો. સાબુ અને ડીટર્જન્‍ટ જેવી ચીજોમાં ૧ થી ૩ ટકાનો ભાવવધારો થયો છે.

વીપ્રો કન્‍ઝયુમર કેરના ફૂડ બીઝનેસના વડાએ કહ્યું ‘વૈશ્વિક બજારોની અસ્‍થિર પરિસ્‍થિતિના કારણે અમને નથી લાગતું કે મોંઘવારી ઘટશે. હજુ પણ માંગ સુધરે તેવા સંકેતો નથી દેખાતા. અનિヘતિતાઓના કારણે પામ ઓઇલ અને ક્રુડના ભાવો ઘટવા છતાં કંપનીઓ ભાવમાં સીધો ઘટાડો નહીં કરે પણ ગ્રાહકોને ડીસ્‍કાઉન્‍ટ જેવા લાભો આપી શકે છે.'

પહેલા ત્રિમાસીકમાં ૩૫ ટકા જેટલાભાવો વધ્‍યા પછી ખાદ્યતેલોના ભાવો સતત ઘટી રહ્યા છે પણે તે હજુ પણ જાન્‍યુઆરી કરતા ૫ થી ૨૨ ટકા જેટલા વધારે છે. એવી જ રીતે ભારત મસાલાના સૌથી મોટા નિકાસકાર દેશોમાંથી એક હોવા છતાં મસાલાના ભાવો ૩ થી ૧૭ ટકા વધારે છે. ચોખા, લોટ અને રીફાઇન્‍ડ લોટ જેવી બ્રાન્‍ડેડ જરૂરી વસ્‍તુઓના ભાવો બે આંકડામાં વધ્‍યા હોવાનું આંકડાઓ દર્શાવે છે.

બાઇઝોમની માલિકી ધરાવતી કંપ્ની મોબીસી ટેકનોલોજીસના ગ્રોથ અને ઇન્‍સાઇટસના વડા અક્ષય ડીસોઝાએ કહ્યું કે હવે તહેવારી સીઝન ચાલુ થઇ રહી છે. મહત્‍વની વસ્‍તુઓના ભાવો પર ધ્‍યાન આપવું જરૂરી છે. સરકાર હવે પુરવઠો વધારવા પર ધ્‍યાન આપી રહી છે એટલે ચોખા જેવા મહત્‍વના જરૂરી પદાર્થોના ભાવો નીચે આવી રહ્યા છે.

(10:16 am IST)