Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

GST ક્રેડિટ ક્‍લેમ કરવાની મુદત એક માસ વધી : સ્‍પષ્‍ટતાનો અભાવ

સ્‍પષ્‍ટતા નહીં કરવામાં આવતા રિટર્ન ૩૦ નવેમ્‍બરે ભરવાનું કે ૨૦ ડિસેમ્‍બરે તેની ચિંતાઃસપ્‍ટેમ્‍બરના રિટર્નમાં બાકી રહેલી ક્રેડિટ ૨૦ ઓકટોબર સુધીમાં ભરવાનો નિયમ હતો

નવી દિલ્‍હી,તા. ૩૦ :સમગ્ર વર્ષ દરમિયાન બાકી રહી ગયેલી જીએસટી ક્રેડિટ મેળવવા માટે સપ્‍ટેમ્‍બરમાં રિટર્ન ફાઇલ કરવાનું હતું. તેની મુદતમાં એક મહિનાનો વધારો કરવાનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્‍યું છે. તેમાં પણ ૩૦ નવેમ્‍બર સુધીમાં ક્રેડિટ ક્‍લેમ કરવાની જણાવવામાં આવ્‍યું છે, પરંતુ તેનું રિટર્ન ૩૦ નવેમ્‍બર ભરવાનું રહેશે કે ૨૦ ડિસેમ્‍બરે તેની સ્‍પષ્ટતા નહીં કરાતા વેપારીઓમાં અસમંજસની સ્‍થિતિ ઊભી થઇ છે.

નાણાકીય વર્ષ દરમિયાન વેપારીએ ફાઇલ કરેલા જીએસટી રિટર્નમાં કેટલીક વખત ક્રેડિટ લેવાનું ભૂલી જતો હોય છે. આ વેપારીઓ માટે નાણાકીય વર્ષ પૂરું થયા બાદ સપ્‍ટેમ્‍બર માસના રિટર્નમાં એટલે કે ૨૦ ઓક્‍ટોબર પહેલા ભરવામાં આવતા રિટર્નમાં બાકી રહેલી ક્રેડિટ મેળવી શકતા હોય છે. આ માટેની મુદત વધારવાની જાહેરાત કેન્‍દ્ર સરકારે બજેટમાં કરી હતી, પરંતુ તેનું જાહેરનામું સત્તાવાર રીતે બુધવારના રોજ બહાર પાડવામાં આવ્‍યું છે. તેમાં એક મહિનાની મુદત વધારવામાં આવી છે, પરંતુ યોગ્‍ય સ્‍પષ્ટતા કરવામાં નહીં આવતા વેપારીઓ તે માટેનું રિટર્ન ૩૦ નવેમ્‍બરે ભરવાનું કે પછી ૨૦ ડિસેમ્‍બરે તેમાં અસમંજસની સ્‍થિતિ ઊભી થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટીમાં મહિનો પુરો થયા બાદ ત્‍યારપછીની ૨૦ દિવસમાં જીએસટી ૩ બી રિટર્ન ભરવાનું હોય છે. જ્‍યારે બાકી રહેલી ક્રેડિટ લેવા માટે આવી કોઇ સ્‍પષ્‍ટતા કરવામાં નહીં આવતા વેપારીઓએ રિટર્ન ક્‍યારે ભરવું તેની સમસ્‍યા સર્જાઇ છે.

હાલમાં જાહેર કરવામાં આવેલા જાહેરનામામાં આ વાતની કોઇ સ્‍પષ્‍ટતા કરવામાં આવી નહી હોવાને કારણે વેપારીઓએ ક્‍યારે રિટર્ન ભરવું તેની ચિંતા સતાવી રહી છે. આ ઉપરાંત જો મોડુ ભરવામાં આવે તો બાકી રહેલી જીએસટી ક્રેડિટમાંથી હાથ ધોવા પડે તેવી પરિસ્‍થિતનીનું પણ નિર્માણ થાય છે.

જીએસટી વાર્ષિક રિટર્ન ડિસેમ્‍બર મહિનાના અંત સુધીમાં ભરવામાં આવતું હોય છે. ત્‍યારે બાકી રહેલી ક્રેડિટ લેવા માટેનું રિટર્ન પણ તેની સાથે જ જોડી દેવામાં આવે તો વેપારીઓની સાથે સાથે રિટર્ન ભરનારા ટેક્‍સ કન્‍સલ્‍ટન્‍ટ અને સીએને પણ બેવડી મહેનત કરવામાંથી છુટકારો મળી શકે તેમ છે.

(11:47 am IST)