Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મોદી સરકાર પ્રાઇવેટ અને સરકારી કર્મચારીઓને ભેટ આપશે : બેઝિક પગાર ર૧ હજાર થવાની શકયતા

લેબર કોડનાં નિયમો એક ઓકટોબરથી લાગુ થવાની શકયતા

નવી દિલ્હી, તા. ૩૦: ૧ ઓકટોબરથી પ્રાઇવેટ અને સરકારી સેકટરના કર્મચારીઓ માટે સારા સમાચાર આવવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મોદી સરકાર ૧ જુલાઇથી લેબર કોડના નિયમને લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્ય સરકાર તૈયાર ના હોવાને કારણે હવે ૧ ઓકટોબરથી તેને લાગુ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. જો ૧ ઓકટોબરથી લેબર કોડના નિયમ લાગુ કરવામાં આવે છે તો કર્મચારીઓની બેઝિક સેલેરી ૧૫૦૦૦ રૂપિયાથી વધીને ૨૧૦૦૦ રૂપિયા થઇ શકે છે.

નવા ડ્રાફ્ટ રૂલ અનુસાર, મૂળ વેતન કુલ વેતનના ૫૦% અથવા તેનાથી વધુ હોવુ જોઇએ. તેનાથી મોટાભાગના કર્મચારીના વેતન સ્ટ્રકચરમાં બદલાવ થશે. બેઝિક સેલેરી વધતા PF અને ગ્રેજ્યુઇટી માટે કપનારા પૈસા વધી જશે કારણ કે તેમાં જતા પૈસા બેઝિક સેલેરીના હિસાબથી હોય છે.

જો આવુ થાય છે તો તમારા ઘરે આવતો પગાર ઘટી જશે અને રિટાયરમેન્ટ પર મળનારા PF અને ગ્રેજ્યુઇટીના પૈસા વધી જશે. લેબર યૂનિયનની માંગ હતી કે ન્યૂનતમ બેઝિક સેલેરી વધારીને ૨૧૦૦૦ રૂપિયા કરવામાં આવે જેથી પીએફ અને ગ્રેજ્યુઇટીમાં પૈસા કપાયા બાદ પણ ટેક હોમ સેલેરીમાં કમી ના આવે.

ગ્રેજ્યુઇટી અને પીએફમાં યોગદાન વધતા રિટાયરમેન્ટ બાદ મળનારી રકમમાં વધારો થશે. પીએફ અને ગ્રેજ્યુઇટી વધતા કંપનીઓના ખર્ચમાં વધારો થશે. કારણ કે તેમણે પણ કર્મચારીઓ માટે પીએફમાં વધારે યોગદાન આપવુ પડશે. આ વસ્તુથી કંપનીઓની બેલેન્સ શીટ પણ પ્રભાવિત થશે.

સરકાર નવા લેબર કોડમાં નિયમોને ૧ એપ્રિલ, ૨૦૨૧થી લાગુ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોની તૈયારી ના હોવા અને કંપનીઓની એચઆર પોલિસી બદલવા માટે વધુ સમય આપવાને કારણે તેને ટાળી નાખવામાં આવી હતી. લેબર મિનિસ્ટ્રી અનુસાર, સરકાર લેબર કોડના નિયમોને ૧ જુલાઇથી નોટિફાઇ કરવા માંગતી હતી પરંતુ રાજ્યોએ આ નિયમોને લાગુ કરવા માટે વધુ સમય માંગ્યો જેને કારણે તેણે ૧ ઓકટોબર સુધી ટાળી નાખવામાં આવ્યો હતો.

(3:13 pm IST)