Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

પેટ્રોલ પંપના માલિકોએ સરકાર સામે ધોકો પછાડયો

કમીશન નહિ વધારાય તો ૧રમી ઓગસ્ટથી પેટ્રોલ-ડીઝલની ખરીદી-વેંચાણ બંધ કરી દેશું

દર ગુરૂવારે CNGનું વેંચાણ ૧ કલાક બંધ કરી દેવા તથા પેટ્રો પેદાશોનું વેંચાણ-ખરીદ બંધ કરી દેવાશે

નવી દિલ્હી તા. ૩૦ :.. ગુજરાતના પેટ્રોલ પંપ માલીકો ૧ર ઓગસ્ટથી દર ગુરૂવારે ૧ કલાક માટે સીએનજીનું વેંચાણ બંધ કરવાની શકયતા છે. ડીલરો દર ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની ખરીદી ઓઇલ કંપનીઓ પાસેથી નહીં કરે. કેમ કે ર૦૧૭ થી પેટ્રોલ, ડીઝલ અને સીએનજીમાં ડીલર માર્જીન નથી વધારવામાં આવ્યું.

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશન (એફજીપીડીએ) ના પત્ર અનુસાર ગુજરાતના બધા ડીલરોએ ઠરાવ કર્યો છે કે ૧ર ઓગસ્ટ ર૦ર૧ થી દર ગુરૂવારે પેટ્રોલ-ડીઝલની કોઇ ખરીદી નહીં કરવામાં આવે અને દર ગુરૂવારે બપોરે ૧ થી ર ઓઇલ કંપનીઓ દ્વારા આ ત્રણે પ્રોડકટના ડીલર માર્જીનમાં નોંધપાત્ર વધારો નહીં કરવામાં આવે ત્યાં સુધી આ વિરોધ ચાલુ રહેશે. પત્ર અનુસાર, એફજીપીડીએ ની ર૩ જૂલાઇની મીટીંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એફજીપીડીએના પ્રમુખ અરવિંદભાઇ ઠકકરના જણાવ્યા અનુસાર અત્યારે ડીલરોને પેટ્રોલ પર ૩.૮ર અને ડીઝલ પર ર.૬૦ રૂપિયા પ્રતિ લીટર માર્જીન મળે છે. જયારે સીએનજીમાં ૩ ટકા માર્જીન અપાય છે. અમારી માંગણી ત્રણે ત્રણ પ્રોડકટોમાં ૬ ટકા ડીલર માર્જીનની છે. અને તે પેટ્રોલ પંપ પરની વેંચાણ કિંમત પર મળવું જોઇએ. જયાં સુધી ડીલર માર્જીન નહીં વધારવામાં આવે ત્યાં સુધી અમારૃં આંદોલન ચાલુ રખાશે.

(11:08 am IST)