Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જય હો... દુનિયાની નં.૧ તિરંદાજ દીપિકા કુમારી કવાર્ટર ફાઈનલમાં

પાંચ સેટની બરાબરી બાદ રશિયન ખેલાડીને જબ્બર લડત આપીઃ તિરંદાજી ઈવેન્ટમાં અંતિમ આઠમાં પહોંચનારી પ્રથમ ભારતીય ખેલાડી બની

નવીદિલ્હીઃ દુનિયાની નંબર એક તીરંદાજ દીપિકા કુમારીએ પૂર્વ વર્લ્ડ ચેમ્પિયન રશિયન ઓલમ્પિક સમિતિની સેનિયા પેરોવોને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી દીધો છે. પાંચ સેટ બાદ સ્કોર ૫-૫થી બરાબરી પર હતો. દીપિકાએ દબાણનો મજબૂતીથી સામનો કર્યો અને શૂટ ઓફમાં પરફેકટ ૧૦ સ્કોર કર્યો અને રિયો ઓલમ્પિકની ટીમ બ્રોન્ઝ મેડલ વિજેતાને હરાવી હતી.

એક તીરના શૂટ ઓફમાં શરૂઆત કરતાં રશિયન તીરંદાજ દબાણમાં આવી ગઈ અને સાત જ સ્કોર કરી શકી. જ્યારે દીપિકાએ દસ સ્કોર કરીને મેચ ૬-૫થી જીતી. ત્રીજી વખત ઓલમ્પિક રમી રહેલી દીપિકા ઓલમ્પિક તીરંદાજી ઇવેન્ટના અંતિમ આઠમાં પહોંચનારી પહેલી ભારતીય તીરંદાજ બની ગઈ છે. આ ઉપરાંત ભારતીય તીરંદાજ અતુન દાસ પણ પ્રી કવાર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. અતનુ દાસે બીજા ચરણની ખૂબ રોમાંચક મેચમાં બે વારના ઓલમ્પિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાના ઓ જિન્હયેકને શૂટ ઓફમાં હરાવ્યો હતો.

આગામી ચરણમાં અતનુ દાસનો સામનો જાપાનના તાકાહારૂ ફુરૂકાવા સાથે થશે, જે લંડન ઓલમ્પિકમાં વ્યકિતગત સિલ્વર મેડલ વિજેતા છે. ફુરુકાવા અહીં બ્રોન્ઝ મેડલ જીતનારી જાપાનની ટીમનો હિસ્સો પણ હતો.

(11:07 am IST)