Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

આશ્ચર્ય! ૧૭ વર્ષની ઉંમરમાં એકવાર પણ નથી ખાધુ અનાજ : માત્ર દૂધ પીને જ જીવે છે ભુજંગ

માત દૂધ સિવાય અન્ય ખોરાક આપવાના અઢળક પ્રયત્ન કર્યા, પરંતુ ભુજંગને દૂધ ના મળતાં આખું ઘર માથે લેતો : જન્મથી ૧૨ દિવસ સુધી ભુજંગે આંખો ખોલી નહતી અને માતાનું દૂધ પણ ન હતું પીધું : છ વર્ષની ઉંમરે માતા-પિતાએ એની સારવાર કરાવી હતી જેથી અન્ય ખોરાક લેતો થાય : ડોકટર્સ મુજબ, ભુજંગ મેડિકલી ફિટ છે અને યોગ્ય ભોજન ના લેવા છતાંય તેની પર કોઇ ખરાબ અસર પડી નથી

નવી દિલ્હી,તા.૩૦: મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાંથી મેડિકલ સાયન્સને પડકારતો એક આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. અહીં રહેતો ૧૭ વર્ષનો ભુજંગ વર્ષોથી માત્ર દૂધ પીને જ જીવતો રહ્યો છે. તેની ઉંમર ૧૭ વર્ષની છે અને અત્યાર સુધીના જીવનકાળમાં તેણે અનાજનો એક દાણો પણ ખાદ્યો નથી.

જોકે મેડિકલ સાયન્સ મુજબ માનવ શરીર માટે પાણીની જરુરત સાથે ભોજન, ખાસ કરીને પૌષ્ટિક આહાર ખૂબ જ જરુરી છે. પરંતુ ભુજંગનો કેસ મેડિકલ સાયન્સમાં એવો કેસ છે જેને લઇને નિષ્ણાંતો પણ વિચારમાં પડી ગયા છે. ભુજંગ વિશે સાંભળીને કોઇપણ વ્યકિત આશ્રર્યચકિત થઇ જાય છે. લોકો માટે ભરોસો કરવો મુશ્કેલ બને છે ૧૭ વર્ષના તંદુરસ્ત ભુજંગે આજ સુધી અનાજ ખાધુ જ નથી. જોકે આ અસામાન્ય વાતને લઇને ભુજંગ સમગ્ર વિસ્તારમાં આકર્ષણનો વિષય બની ગયો છે.

૨૦૦૫માં મહારાષ્ટ્રના વિદર્ભ સ્થિત ચંદ્રપુર જિલ્લામાં મડાવી પરિવારમાં જન્મેલો ભુજંગ જન્મથી અદભૂત હતો. કારણ કે જન્મથી ૧૨ દિવસ સુધી તેણે આંખો ખોલી નહતી અને માતાનું દૂધ પણ નહતું પીધું. જેના લીધે તેના માતા-પિતા સહિત પરિવાર ઘણો હેરાન થયો હતો. ૧૩માં દિવસે ભુજંગે આંખ ખોલી અને માતાનું દૂધ પણ પીધું. પરંતુ એ પછી તેણે આજ સુધી અનાજ ખાધુ નથી.

ભુજંગના માતા-પિતાનું કહેવુ છે કે, દીકરો જયારે ૬-૭ મહિનાનો થયો ત્યારે તેને દાળ-ભાત, બિસ્કિટ જેવો ખોરાક આપવાના બહુ પ્રયત્ન કર્યા પરંતુ તમામ પ્રયત્ન અસફળ રહ્યા. તે દૂધ સિવાય અન્ય કોઇપણ ખોરાક લેવા તૈયાર જ નહતો. આ દરમિયાન તેને દૂધ સિવાય અન્ય ખોરાક આપવામાં આવતો ત્યારે એ આખુ દ્યર માથે લેતો. તેના માતા-પિતા મુજબ ભુજંગ નાનપણથી જ આ પ્રકારનું વર્તન કરી રહ્યો છે. બીજી તરફ ભુજંગના પિતા ખેડૂત છે અને એમની આર્થિક સ્થિતિ નબળી છે એમ છતાંય મુસીબતોનો સામનો કરીને ભુજંગ માટે દરરોજ અડધા લીટર દૂધની વ્યવસ્થા કરે છે.

ભુજંગના પિતાના જણાવ્યા અનુસાર તે જયારે ૬ વર્ષનો હતો ત્યારે તેની સારવાર પણ કરવામાં આવી, જેથી એ દૂધ સહિત અન્ય ખોરાક લઇ શકે પરંતુ સારવાર પણ નિષ્ફળ નીવડી હતી. ખોરાકના નામે ભુજંગ દૂધ જ પીતો હતો. આ મુદ્દે ડોકટર્સનું કહેવુ છે કે ભુજંગ મેડિકલી ફિટ છે અને યોગ્ય ભોજન ના લેવા છતાંય તેની પર કોઇ ખરાબ અસર પડી નથી.

ભુજંગ હાલમાં દસમાં ધોરણમાં અભ્યાસ કરે છે. જોકે તે લખી-વાંચી કે બોલી નથી શકતો. એના માટે અભ્યાસનો અર્થ છે નોટબુકમાં લીટીઓ દોરવી, પરંતુ તેનામાં સમજશકિતનો અભાવ નથી. 

(10:06 am IST)