Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

ગુજરાતની ૪.૩ ટકા વસ્તી એટલે કે ૧૯.૫૩ લાખ લોકો દારૂના વ્યસની : લોકડાઉન બાદ 'પીનારા' વધ્યા

ડ્રાય ગુજરાતમાં ૧.૪૬ ટકા લોકો અફીણ અને ૦.૮ ટકા લોકો ગાંજાના વ્યસની

નવી દિલ્હી,તા. ૩૦:  આ ડ્રાય સ્ટેટ માટે વ્યંગ્યાત્મક છે કે, પરંતુ રાજયસભામાં હાલમાં રજૂ કરાયેલા ડેટા દર્શાવે છે કે, ગુજરાતની લગભગ ૪.૩ ટકા વસ્તી એટલે કે આશરે ૧૯.૫૩ લાખ લોકો દારૂના વ્યસની છે. સામાજિક ન્યાય અને સશકિતકરણના મંત્રી નારાયણસ્વામી દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટામાં AIIMS દ્વારા નેશનલ ડ્રગ યૂઝ સર્વે ૨૦૧૯ દરમિયાન એકત્રિત કરેલા આંકડા ટાંકવામાં આવ્યા છે.

ડેટા મુજબ, ગુજરાતમાં ૪.૩ ટકા લોકો દારૂ પર નિર્ભર હતા, આ રાજસ્થાનના ૨.૩%, બિહારના ૧% અને જમ્મુ-કાશ્મીરના ૪% કરતા પણ વધારે છે. જો કે, રાષ્ટ્રીય સરેરાશ ૧૭.૧% હતો, જેનો જવાબમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

જવાબમાં તેમ પણ કહેવામાં આવ્યું હતું કે, ગુજરાતની ૧.૪૬ ટકા વસ્તી (૬.૬૪ લાખ) અફિણના, ૧.૩૮ ટકા (૬.૨૮ લાખ) સિડટિવના, ૦.૮ ટકા (૩.૬૪ લાખ) ગાંજાના આદી હતા. આ સિવાય ૦.૦૮ ટકા (૩૬ હજાર) ઈન્હેલન્ટના વ્યસની હતા. સર્વેના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં કોકેન, એમ્ફેટમીન અને હલૂસિનજનના વપરાશકાર નહોતા.

એકંદરે, સર્વેમાં કુલ વસ્તીના આશરે ૮ ટકા લોકો (૩૬.૫ લાખ) દારૂ અથવા ડ્રગ્સના બંધાણી હતા. સર્વેમાં તમાકૂના વ્યસન વિશે કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો.

શહેરના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, મહામારી દરમિયાન વ્યસનીઓની હદને સમજવા માટે સંખ્યા મહત્વપૂર્ણ છે. નશામુકિત કેન્દ્રો અને મનોચિકિત્સકોના જણાવ્યા પ્રમાણે, ડ્રગ્સ અને અન્ય માદક દ્રવ્યોના સેવન માટે ઓપીડીમાં ૨૦૧૯-૨૦ની સરખામણીમાં ૨૦૨૦-૨૦૨૧માં બે ગણો વધારો થયો છે.

વ્યસન મુકિતમાં વિશેષતા ધરાવતી કનોરિયા હોસ્પિટલ અને રિસર્સ સેન્ટરના હેડ ડો. રાજેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન અને બાદમાં ચિંતા તેમજ તણાવના કારણે સંખ્યા બમણી થઈ છે. 'જે લોકોએ પોતાની ટેવ છોડી દીધી હતી, તેમણે પણ તણાવને હળવો કરવા માટે દારૂ અને ડ્રગ્સનું સેવન શરૂ કરી દીધું હતું. દારૂ પીતા નવા દર્દીઓમાં પણ મુખ્યત્વે વધારો થયો છે' , તેમ તેમણે જણાવ્યું હતું.

ગવર્મેન્ટ હોસ્પિટલ ફોર મેન્ટલ હેલ્થના સાઈકિયાટ્રિસ્ટ ડો. રામાશંકર યાદવે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનાઓમાં હોસ્પિટલમાં દાખલ થયેલા દર દસમાંથી છ દર્દીઓ ડ્રગ અથવા દારૂના વ્યસન માટે લડી રહ્યા છે. 'તેમાંથી મોટાભાગના પહેલાથી જ વ્યસની હતા, પરંતુ મહામારીના કારણે તેમાં તીવ્ર વધારો થયો. એકલતા, હતાશા અને અજ્ઞાત ભય જેવા પરિબળો જવાબદાર હોવાનું જાણવા મળ્યું હતું', તેમ તેમણે કહ્યું હતું.

વ્યસનમુકિત નિષ્ણાત અને જીઆઈપીએસના મેનેજિંગ ડિરેકટર ડો. પ્રદીપ વદ્યાસિયાએ જણાવ્યું હતું કે, ટકાવારીની દ્રષ્ટિએ તેમની નિયમિત ઓપીડીમાં આશરે ૨૦થી ૨૫ ટકાનો વધારો નોંધાયો છે.

'હું તેને સારા સંકેત તરીકે જોઉ છું, કારણ કે જયારે તેઓ નિકટતામાં રહેતા હતા ત્યારે પરિવારના સભ્યો દ્વારા દ્યણા વ્યસનોને જોવામાં આવ્યા હતા. વ્યસન ઘણીવાર ખરાબ પ્રમાણમાં લેવામાં આવે છે અને આ ઘણા લોકો દ્વારા અનુભવ કરવામાં આવ્યો છે કે, દવા અથવા કાઉન્સેલિંગ વગર ઘણા તેમની જૂની આદતો ફરી અપનાવી લે છે. અમે આવા દ્યણા દર્દીઓ જોઈ રહ્યા છીએ', તેમ તેમણે જણાવ્યું હતું. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, સમસ્યાનો ઉકેલ લાવવા માટે તેનું પહેલું પગલું તેની સ્વીકારવાનું હોય છે. 'સંબંધીઓએ તેને લાંછન ન લગાડવું જોઈએ, કારણ કે તે વ્યકિતને વધારે બદનામ બનાવે છે'.

(10:37 am IST)