Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

GST.. મુદત વિત્યાના પાંચ દિવસમાં રીટર્ન નહીં ભર્યુ તો નોટીસ ફટકારાશે

નવી દિલ્હી,તા. ૩૦ : જીએસટી નંબર લીધા બાદ નિયમિત રીટર્ન ભરવામાં ઓડોડાઇ કરનારા કરદાતાઓ સામે હવે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. કારણ કે સીબીઆઇસી (સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેકટ ટેકસ એન્ડ કસ્ટમ) દ્વારા નવી માર્ગદર્શિકા જાહેર કરીને મુદત વિત્યાના પાંચ દિવસમાં કરદાતાએ રીટર્ન નહીં ભર્યું તો નોટીસ આપવામાં આવશે. તેમજ ૪૫ દિવસ પછી રીકવરી કરવાનો ઓર્ડર જ કરી દેવામાં આવનાર છે. જેથી હવે જીએસટી રીટર્ન મોડુ ભરનારા સામે તવાઇ આવવાનાી શકયતા વધી ગઇ છે.

જીએસટી રીટર્ન મોડુ ભરવાના કારણે સરકારની આવક પર સીધી અસર થવાની સાથે સાથે જે વેપારીએ આવા કરદાતા પાસેથી માલની ખરીદી કરી હોય તો તેઓને ક્રેડિટ મેળવવામાં પણ સમસ્યા સર્જાતી હોય છે. આવા કારણોસર કરદાતા દ્વારા નિયમિત રીટર્ન ભરવામાં આવે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. જેથી જીએસટીમાં ૩બી રીટર્ન મોડુ ભરનારા સામે હવે સિસ્ટમ દ્વારા જ નોટીસ ફટકારી દેવામાં આવશે.

બેંક એકાઉન્ટ સીઝ કરવા સહિતની પ્રક્રિયા ઝડપી થશે

જીએસટી રીટર્ન મોડુ ભરનારા પાસે એક દિવસનો ૫૦ રૂપિયા લેખે દંડ વસુલ કરવામાં આવતો હતો. પરંતુ હવે પાંચ દિવસમાં જ કરદાતાને નોટીસ આપી દેવામાં આવતા વિભાગ  દ્વારા નિયમ પ્રમાણે કાર્યવાહી શરૂ કરી દેશે તેના કારણે જે કરદાતા સમયસર રીટર્ન નહીં ભરે તેનુ બેંક એકાઉન્ટ સીઝ કરવાની સાથે મિલ્કત સીઝ કરવાની કાર્યવાહી પણ ઝડપથી કરવાનો માર્ગ આ નિયમને કારણે મોકળો થયો છે. કારણ કે પહેલા કરદાતા દ્વારા રીટર્ન નહીં ભરવામાં આવે તો બે થી ત્રણ મહિના બાદ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવતી હતી. જ્યારે હવે ૪૫માં દિવસથી જ કાર્યવાહી કરી દેવાશે.

(10:05 am IST)