Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

૩૦૦ અબજ રૂપિયાની ૪૦ લાખ ગાયો થઇ કુરબાન

પાકિસ્તાનમાં ઇદ ઉલજહા પર ૪૦૦ અબજ રૂપિયાના ૯૦ લાખ પશુઓની કુરબાની

ઇસ્લામાબાદ તા. ૩૦ : પાકિસ્તાનમાં ઇદ ઉલજહાના તહેવાર પર ૨.૫ અબજ ડોલર (૪૦૦ અબજ પાકિસ્તાની રૂપિયા)ની કિંમતના ૯૦ લાખ પશુઓની કુરબાની આપવામાં આવી હતી. તેમાં ૩૦૦ અબજ રૂપિયાની ૪૦ લાખ ગાયોની કુરબાની પણ સામેલ છે. ચામડાના નિકાસકારોએ જણાવ્યું કે, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ૧ અબજ ડોલર વધારે મૂલ્યના પશુઓની કુરબાની અપાઇ હતી. ઇદ ઉલ જહા મુસ્લિમોનો બીજો સૌથી મહત્વનો તહેવાર છે. જણાવાઇ રહ્યું છે કે આ વર્ષે મોટી સંખ્યામાં પાકિસ્તાનીઓ હજ માટે નથી જઇ શકયા તેના લીધે કુરબાનીની સંખ્યામાં વધારો થયો છે.

અરબ ન્યુઝ પાકિસ્તાનના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનીઓ કોરોના પ્રતિબંધોના કારણે હજ માટે નથી જઇ શકયા. આ કારણે તેમણે પોતાના ઘરે જ કુરબાની આપી હતી. રિપોર્ટમાં કહેવાયું છે કે, પાકિસ્તાનમાં ગયા વર્ષે દોઢ અબજ ડોલરના પશુઓની કુરબાની અપાઇ હતી. એક પાકિસ્તાની અધિકારી અદલ સલામે કહ્યું કે, અમારૃં અનુમાન છે કે ૮૦ થી ૯૦ લાખ પશુઓની કુરબાની અપાઇ છે તેમાં ગાય, ઘેટા, બકરા અને ઉંટ સામેલ છે.

તો એક અન્ય અનુમાનમાં કહેવાયું છે કે, કુરબાન કરાયેલા પશુઓની સંખ્યા અનુમાન કરતા ઘણી વધારે હોઇ શકે છે. ચામડાના વેપારી દાનીશ ખાને કહ્યું કે, આ વર્ષે ૩૦ થી ૪૦ લાખ ગાયોની કુરબાની અપાઇ છે. તેણે કહ્યું કે, આટલી ગાયોની કિંમત જ લગભગ ૩૦૦ અબજ પાકિસ્તાની રૂપિયા હશે. આ કુરબાની દરમિયાન કેટલુય ચામડુ પણ બરબાદ થઇ ગયું. ઇદ ઉલ જહા પર જેટલી કુરબાનીઓ અપાય છે તે પાકિસ્તાનના કુલ ચામડા ઉદ્યોગના કાચા માલના ૨૦ થી ૩૦ ટકા હોય છે. પાકિસ્તાન દર વર્ષે ૨૫ અબજ ડોલરના ચામડાના ઉત્પાદનો નિકાસ કરે છે.

(10:03 am IST)