Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મુંબઈ સહિત મહારાષ્ટ્રના ૨૫ જિલ્લામાં પ્રતિબંધોમાં મળશે ઢીલઃ વીકેન્ડ લોકડાઉનમાં પણ રાહત

કોરોના કેસમાં ઘટાડા બાદ મહારાષ્ટ્ર સરકારે લોકોને પ્રતિબંધોમાં છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે

નવી દિલ્હી, તા.૩૦:  કોરોનાના કેસમાં ઘટાડો થયા બાદ મહારાષ્ટ્રમાં લોકડાઉન પ્રતિબંધોમાં છુટછાટ આપવામાં આવશે. મુખ્યમંત્રી ઠાકરેની અધ્યક્ષતામાં થયેલી કોવિડ ટાસ્ટ ફોર્સની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠક બાદ રાજયના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ તેની જાણકારી આપી છે. રિપોર્ટ અનુસાર મુંબઈ સહિત રાજયના તે ૨૫ જિલ્લામાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જયાં પોઝિટિવિટી રેટ, ગ્રોથ રેટ રાજયના એવરેજથી ઓછો છે. આ સાથે વીકેન્ડ લોકડાઉનમાં પણ રાહત આપવાની જાહેરાત કરવામાં આવી છે.

રાજેશ ટોપેએ કહ્યુ- અમે ૨૫ જિલ્લામાં પ્રતિબંધોમાં ઢીલ આપવાનો નિર્ણય કર્યો છે. દુકાનો, થિએટરો, સિનેમા હોલ, જિમના કામકાજમાં છૂટ આપવામાં આવશે. લગ્ન સમારોહ વગેરેમાં પ્રતિબંધ રહેશે. આ સાથે વાતાનુકૂલિત હોલનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લાગૂ રહેશે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું શનિવારે કેટલાક વિસ્તારમાં પ્રતિબંધોની સાથે અનલોક થશે પરંતુ રવિવારે પ્રતિબંધો યથાવત રહેશે. આગામી બે-ત્રણ દિવસમાં તેને લઈને દિશાનિર્દેશ જારી થશે. તેમણે કહ્યું કે, હોટલો અને દુકાનોનો સમય ૮-૯ કલાક સુધી વધારવામાં આવશે. પરંતુ તે નક્કી કરવું પડશે કે કર્મચારીઓએ વેકસીનના બંને ડોઝ લેવા પડશે. સાથે ૫૦ ટકા ક્ષમતા સાથે કામ કરવાની મંજૂરી આપવામાં આવશે.

રાજેશ ટોપેએ કહ્યુ કે સરકાર તે લોકોને લોકલ ટ્રેનમાં યાત્રા કરવાની છૂટ આપવા પર વિચાર કરી રહી છે, જે રસીના બંને ડોઝ લઈ ચુકયા છે. મુંબઈ લોકલ પર બોલતા ટોપેએ કહ્યુ- આજની બેઠકમાં લોકલને લઈને અલગ-અલગ વિચાર વ્યકત કરવામાં આવ્યા છે. જે નાગરિકોએ રસીના બંને ડોઝ લીધા છે, તેને યાત્રા કરવાની મંજૂરી આપવી જોઈએ. તેથી મુખ્યમંત્રી આ સંબંધમાં રેલ વિભાગ સાથે ચર્ચા કરી અંતિમ નિર્ણય લેશે.

(10:01 am IST)