Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ભારત અને ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે રમાનાર ટેસ્‍ટ મેચને લઈ ઈંગ્‍લેન્‍ડે તેનાં ખેલાડીઓનાં નામ જાહેર કર્યા : પાંચ મેચની શ્રેણીમાં ભારત ૨-૧થી આગળ

૧ જૂલાઈએ બર્મિંગહામમાં રમાનાર ભારત સામેની ટેસ્‍ટમાં બ્રોડ-એન્‍ડરસનને સ્‍થાન મળ્‍યુ : પ્‍લેઈંગ-૧૧માં ૬ બેટ્‍સમેન, ત્રણ ફાસ્‍ટ બોલર, ૧ ઓલરાઉન્‍ડર અને ૧ સ્‍પિનરને સામેલ કરાયા

નવી દિલ્‍લી તા.૩૦ : ગત વર્ષે કોરોનાં કારણે સ્‍થગીત કરવી પડેલ ટેસ્‍ટ મેચ આગામી ૧ જૂલાઈનાં રોજ બર્મિંગહામમાં રમાનાર છે. ભારત આ ૫ મેચની સીરીઝમાં ૨-૧થી આગળ છે. ત્‍યારે ભારતને ટક્કર આપવા માટે મેદાને ઉતરનાર ઈંગ્‍લેન્‍ડની પ્‍લેઈંગ-૧૧ની જાહેરાત કરવામાં આવી છે. આ પ્‍લેઈંગ-૧૧માં સેમ બિલિંગ્‍સનની સાથે જેમ્‍સ એન્‍ડરસનને પણ તક આપવામાં આવી છે. તેમજ આ ટીમમાં ૬ બેટ્‍સમેન, ૧ ઓલરાઉન્‍ડર અને એક સ્‍પિનરને સામેલ કરવામાં આવ્‍યા છે.

ઈંગ્લેન્ડની ટીમે તાજેતરમાં ન્યુઝીલેન્ડ સામે ત્રીજી ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેણે 7 વિકેટે જીત મેળવી હતી. ઇંગ્લિશ ટીમે તે પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે અને હવે ટીમ ભારત સામેની એકમાત્ર ટેસ્ટ માટે મેદાનમાં ઉતરશે.

ન્યૂજિલેંડ સામેની છેલ્લી ટેસ્ટમાં સામેલ વિકેટકીપર બેન ફોક્સ અને જેમી ઓવરટોનને પડતા મૂકવામાં આવ્યા છે અને  પ્લેઇંગ-11માં તેના સ્થાને વિકેટકીપર સેમ બિલિંગ્સની સાથે અનુભવી ઝડપી બોલર જેમ્સ એન્ડરસનને તક આપવામાં આવી છે .

એલેક્સ લીસ અને જેક ક્રાઉલી ટીમ ઈન્ડિયા સામે ઓપનિંગ કરતા જોવા મળશે. કેપ્ટન બેન સ્ટોક્સે ટીમમાં 6 બેટ્સમેનોનો સમાવેશ કર્યો છે. સાતમાં સ્થાને તે પોતે ઓલરાઉન્ડર તરીકે રહેશે, જે ઝડપી બોલિંગ પણ કરે છે. સ્ટોક્સ સિવાય પ્લેઇંગ-11માં ત્રણ ફાસ્ટ બોલર અને એક સ્પિનર ​​જેક લીચ છે.

ગયા વર્ષે ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડ પ્રવાસ પર પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમી હતી. ત્યારબાદ કોરોનાના કેસોને કારણે એજબેસ્ટન ખાતે સિરીઝની 5મી અને અંતિમ ટેસ્ટ મુલતવી રાખવામાં આવી હતી, જે હવે 1 જુલાઈથી રમાશે. હાલમાં શ્રેણીની ચાર ટેસ્ટ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 2-1ની સરસાઈ જાળવી રાખી છે.

(10:48 pm IST)