Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

માસૂસ સાથે દુષ્કર્મ કરનારને આજીવન કેદની સજા કરાઈ

દુષ્કર્મના કેસમાં ઉત્તર પર્દેશની કોર્ટની ઝડપી કાર્યવાહી : આરોપી બાળકને ચોકલેટ આપવાના બહાને ખાલી પ્લોટમાં લઈ ગયો હતો અને તેના સાથે કુકર્મ કર્યું હતું

મુઝફ્ફરનગર, તા.૩૦ : માત્ર ૭ વર્ષના માસૂમ બાળકને ચોકલેટની લાલચ આપીને તેના સાથે કુકર્મ આચરવાના એક કેસમાં ઉત્તર પ્રદેશના શામલી જિલ્લામાં આવેલી કૈરાના કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. માત્ર ૯ દિવસની સુનાવણી બાદ બુધવારના રોજ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો. પોક્સોની વિશેષ કોર્ટના ન્યાયાધીશ મુમતાઝ અલીએ આરોપીને આજીવન કેદની સાથે ૪૫ હજાર રૃપિયાનો આર્થિક દંડ ફટકાર્યો હતો.

આઈપીસીની કલમ ૩૭૭ (અપ્રાકૃતિક અપરાધ) અને ૫૦૬ (ગુનાહિત ધમકી માટે સજા) તથા કલમ ૫ અંતર્ગત દોષી ઠેરવ્યા બાદ વાસિલ (૨૧ વર્ષ)ને ૪૫,૦૦૦ રૃપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તેને યૌન અપરાધોથી બાળકોના સંરક્ષણ (પોક્સો)ના કાયદા અંતર્ગત સજા આપવામાં આવી છે. સાથે જ કોર્ટે પીડિતને દંડની અડધી રકમ આપવાનો નિર્દેશ આપ્યો છે.

સરકારી વકીલ પુષ્પેન્દ્ર મલિકે આ કેસ અંગે જણાવ્યું કે, આરોપી બાળકને ચોકલેટ આપવાના બહાને ખાલી પ્લોટમાં લઈ ગયો હતો અને તેના સાથે કુકર્મ કર્યું હતું. તેણે બાળકને ધમકી આપી હતી કે, જો તે આ વાત કોઈને કહી દેશે તો પોતે તેને જાનથી મારી નાખશે. ગત ૧ એપ્રિલ ૨૦૨૧ના રોજ કૈરાના ખાતે આ ઘટના બની હતી.

ફરિયાદ બાદ પોલીસે ૧ જૂનના રોજ કોર્ટમાં ચાર્જશિટ દાખલ કરી હતી. કોર્ટે ૨૧મી જૂનથી આ કેસની સુનાવણીનો આરંભ કર્યો હતો અને નિર્ણય જાહેર કર્યો હતો.

પોલીસે ૩ એપ્રિલના રોજ બાળકની માતાની ફરિયાદના આધાર પર રિપોર્ટ દાખલ કરીને તેનો મેડિકલ ટેસ્ટ કરાવ્યો હતો. તેમાં કુકર્મની પુષ્ટિ થઈ હતી. બાદમાં પોલીસે વાસિલની ધરપકડ કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો જ્યાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો.

 

(8:25 pm IST)