Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના મામલે આંધ્રપ્રદેશ ટોચ પર

મોંઘવારીને લીધે આર્થતંત્ર સુસ્ત બન્યું : ગુજરાત બીજા ક્રમે : ઇમર્જિંગ બિઝનેસ ઇકોસિસ્ટમ કેટેગરીમાં દિલ્હી, પુડુચેરી અને ત્રિપુરાનો સમાવેશ

નવી દિલ્હી, તા.૩૦ : કૂદકે ને ભૂસકે આગળ વધી રહેલ ભારતીય અર્થતંત્રની ગતિ હવે ધીમી પડી રહી છે. કોરોના બાદની ઝડપી રિકવરી બાદ હવે મોંઘવારીને કારણે હવે અર્થતંત્ર સુસ્ત બન્યું છે. જોકે ટેક્નોલોજીના વધતા વપરાશ અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ જેવા અનેક નવા ઉમેરાયેલા પાસાંઓને કારણે કારોબાર કરવાની સુગમતા છેલ્લા કેટલાક વર્ષોમાં વધી છે.

આ જ સુગમતાના માપદંડોને આધાર તૈયાર કરાતા ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસના રાજ્યોની રેક્નિંગના રિપોર્ટમાં વાયબ્રન્ટ ગુજરાતનો જલવો યથાવત રહ્યો છે. આંધ્રપ્રદેશ બાદ ગુજરાત અને તેલંગણા ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ  મામલે સારુ પ્રદર્શન કરનારા ૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં ટોચ પર રહેવામાં સફળ થયા છે.

આ રેક્નિંગ બિઝનેસ રિફોર્મ એક્શન પ્લાન ૨૦૨૦ના અમલીકરણ હેઠળ કરવામાં આવ્યું છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જાહેર કરેલા એક રિપોર્ટમાં આ રેક્નિંગ જાહેર કરાયા છે.

ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસમાં ઉપરોકત ૩ રાજ્યો બાદ આગળના ચાર રાજ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને મધ્ય પ્રદેશ શામેલ છે. તો એસ્પાયર કેટેગરીમાં સામેલ ૭ રાજ્યોમાં આસામ, કેરળ અને ગોવાનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે ઇમર્જિંગ બિઝનેસ ઇકોસિસ્ટમ કેટેગરીમાં સામેલ કરવામાં આવેલા ૧૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની યાદીમાં દિલ્હી, પુડુચેરી અને ત્રિપુરાને બાજી મારી છે.

 

(8:23 pm IST)