Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ખુદ કાર ચલાવી રાજભવન પહોંચ્‍યા ઉદ્ધવ ઠાકરેઃ રાજ્‍યપાલને સોંપ્‍યુ રાજીનામુ

બાદ ઉદ્ધવ ઠાકરે સીધા મંદિરે પહોંચ્‍યા હતા અને પૂજા કરી હતી

મુંબઈ, તા.૩૦: મહારાષ્‍ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજકીય સંકટમાં આજે નવો વળાંક આવી ગયો છે. ફેસબુકના માધ્‍યમથી રાજ્‍યની જનતાને સંબોધિત કરતા ઉદ્ધવ ઠાકરેએ મુખ્‍યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. આ સાથે ઠાકરેએ વિધાન પરિષદના સભ્‍ય પદેથી પણ રાજીનામુ આપી દીધું છે. એકનાથ શિંદેના બળવા બાદ શિવસેનામાં સંકટ શરૂ થયું હતું અને હવે ઠાકરેએ ખુરશી છોડી છે. ફેસબુક પર રાજીનામાની જાહેરાત કર્યા બાદ ઉદ્ધવ ઠાકરે રાત્રે ૧૧.૧૦ કલાકે માતોશ્રીથી ખુદ કાર ડ્રાઇવ કરીને રાજભવન રાજ્‍યપાલને રાજીનામું આપવા પહોંચ્‍યા હતા. રાજ્‍યપાલને પોતાનું રાજીનામુ આપ્‍યા બાદ ઉદ્ધવ ઠાકરે સીધા મંદિરે પહોંચ્‍યા હતા અને પૂજા કરી હતી.

 ઉદ્ધવ ઠાકરેએ આશરે અઢી વર્ષ સુધી મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી પદની ખુરશી સંભાળી છે. ત્‍યારબાદ સરકાર પર આવેલા સંકટને ટાળવાનો ઠાકરેએ પ્રયાસ કર્યો પરંતુ બહુમત ન હોવાને કારણે વિશ્વાસ મત પહેલાં જ પદ પરથી રાજીનામુ આપી દીધુ છે. ઉદ્ધવ ઠાકરે પોતાના પુત્ર આદિત્‍ય ઠાકરે સહિત કેટલાક નેતા સાથે ખુદ કાર ચલાવી રાજભવન પહોંચ્‍યા હતા. રાજભવન પહોંચીને ઉદ્ધવ ઠાકરેએ રાજ્‍યપાલ ભગત સિંહ કોશ્‍યારીને રાજીનામું સોંપ્‍યું હતું.

ત્‍યારબાદ ૨૦ જૂને મહારાષ્‍ટ્રમાં ૧૦ સીટો પર યોજાયેલી વિધાન પરિષદની ચૂંટણી બાદ એકનાથ શિંદે અચાનક કેટલાક ધારાસભ્‍યો સાથે ગાયબ થઈ ગયા હતા. ત્‍યારબાદ શિંદે કેટલાક ધારાસભ્‍યો સાથે સુરત પહોંચ્‍યા અને ઠાકરે સરકાર તથા શિવસેના સામે બળવો કરી દીધો હતો. સુરતથી શિંદે જૂથના ધારાસભ્‍યો અસમની રાજધાની ગુહાવાટી પહોંચ્‍યા હતા. ત્‍યારબાદ મહારાષ્‍ટ્રની રાજનીતિનું કેન્‍દ્ર ગુવાહાટીની એક ફાઇવ સ્‍ટાર હોટલ બની ગઈ હતી.

આ વચ્‍ચે માહિતી મળી રહી છે કે મહારાષ્‍ટ્રમાં ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપે સરકાર બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. દેવેન્‍દ્ર ફડણવીસ રાજ્‍યના આગામી મુખ્‍યમંત્રી બની શકે છે. દેવેન્‍દ્ર ફડણવીસે એકનાથ શિંદે સાથે પણ વાત કરી હતી.

(11:51 am IST)