Gujarati News

Gujarati News

News of Tuesday, 30th May 2023

નાસ્‍તો ૫ રૂપિયામાં જયારે લંચ- ડિનર માત્ર ૧૦ રૂા.માં

કર્ણાટકમાં ફરી શરૂ થયું ખૂબ જ સસ્‍તું રસોડું

બેંગ્‍લોર,તા. ૩૦ : કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે રાજયભરમાં ઈન્‍દિરા કેન્‍ટીન ફરી શરૂ કરી છે. મુખ્‍ય પ્રધાન સિદ્ધારમૈયાએ આ મહિનાની શરૂઆતમાં ચૂંટણી જીત્‍યા પછી તેમની પ્રથમ પ્રેસ કોન્‍ફરન્‍સ દરમિયાન કહ્યું હતું કે તેઓ ઉપેક્ષિત ઈન્‍દિરા કેન્‍ટીનને પુનર્જીવિત કરશે. તેમણે એક મહિનામાં કેન્‍ટીન ફરી શરૂ કરવાનું વચન આપ્‍યું હતું.

કેન્‍ટીન ગરીબો અને વંચિતોને સબસિડીવાળા દરે ભોજન પૂરું પાડે છે. અહીં નાસ્‍તો ૫ રૂપિયામાં આપવામાં આવે છે જયારે લંચ અને ડિનર માત્ર ૧૦ રૂપિયામાં જ મળશે.

કોંગ્રેસ પાર્ટીએ ગયા મહિને કર્ણાટકમાં તેના ચૂંટણી પ્રચાર દરમિયાન વચન આપ્‍યું હતું કે જો ફરી સત્તામાં આવશે તો કેન્‍ટીન પાછી લાવશે, જેમાં માત્ર પાંચથી દસ રૂપિયામાં નાસ્‍તો અને લંચ-ડિનર મળશે.. રાજયમાં અગાઉની કોંગ્રેસ સરકાર વખતે કેન્‍ટીન શરૂ કરવામાં આવી હતી, પરંતુ ભાજપ સત્તામાં આવ્‍યા બાદ તેને બંધ કરી દેવામાં આવી હતી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના રાજયમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેટલાક ફૂડ ડિલિવરી કામદારોને મળ્‍યા હતા જેમણે તેમને કેન્‍ટીન ફરીથી શરૂ કરવા વિનંતી કરી હતી કારણ કે મોંઘવારીનો માર તેમને અસહ્ય લાગતો હતો. રાહુલ ગાંધીએ તેમને ફરીથી કેન્‍ટીન શરૂ કરવાનું વચન આપ્‍યું.

બેંગલૂરુ મહાનગર પાલિકાએ લોકોના પોષણ અને જથ્‍થા પર ધ્‍યાન કેન્‍દ્રિત કરીને નાસ્‍તો, લંચ અને ડિનર મેનુ તૈયાર કર્યા છે. સિવિક બોડીએ જણાવ્‍યું હતું કે ઈન્‍દિરા કેન્‍ટીનમાં મેનુ દરરોજ બદલવામાં આવશે અને ઉપમા, કેસરી ભાત, બિસીબેલે ભાત. પોંગલ અને ઈડલી સહિત નાસ્‍તાની વસ્‍તુઓ પીરસવામાં આવશે. આ અંગે ટૂંક સમયમાં ટેન્‍ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

(10:27 am IST)