Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

પ્રથમ સિઝનની શાનદાર સફળતા બાદ હવે આવશે ‘શાર્ક ટેન્ક ઈન્ડિયા 2’ : નોંધણીની પ્રક્રિયા શરૂ કરાઈ

સોની ટીવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે આ વિશેની સત્તાવાર માહિતી શેર કરી

મુંબઈ :સીઝન 1 ની શાનદાર સફળતા પછી, શાર્ક ટેન્ક ઈન્ડિયા સોની ટીવી પર નવી સીઝન સાથે પરત ફરવા માટે તૈયાર છે. સોની ટીવીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ચાહકો સાથે આ વિશેની સત્તાવાર માહિતી શેર કરી છે. આ શો સાથે સંબંધિત લેટેસ્ટ પ્રોમોમાં જણાવવામાં આવ્યું છે કે, શાર્ક ટેન્ક ઈન્ડિયા માટે નોંધણી હવે શરૂ થઈ ગઈ છે અને તેમના વ્યવસાય માટે બિગ પ્રાઈઝ જીતવા ઈચ્છુક લોકો સોની ટીવી દ્વારા આપવામાં આવેલી લિંક પર તેમના બિઝનેસ આઈડિયાની નોંધણી કરાવી શકે છે.

આ રજિસ્ટ્રેશનની લિંક સોની ટીવીના એકાઉન્ટની બાયોમાં પણ છે. શાર્ક ટેન્ક ઈન્ડિયા 2નો પ્રોમો શેર કરતાં સોની ટીવીએ કેપ્શનમાં લખ્યું કે, “શું તમે નવા બિઝનેસમેન છો? જો હા, તો આ શો તમારા માટે તમારા આઈડિયાને બિઝનેસ જગતમાં એક મોટી બ્રાન્ડ બનાવીને સફળતા હાંસલ કરવાની સુવર્ણ તક છે. શાર્ક ટેન્ક ઈન્ડિયા માટે સોની ટીવી પર નોંધણી શરૂ થઈ ગઈ છે. નોંધણી કરવા માટે, સોનીલીવ એપ ડાઉનલોડ/અપગ્રેડ કરો અને વ્યવસાયિક વિચારની નોંધણી કરવા માટે આ પૃષ્ઠના બાયોમાં આપેલ લિંક પર ક્લિક કરો, કારણ કે, નોંધણી પ્રક્રિયા પહેલેથી જ શરૂ થઈ ગઈ છે.”

ભારતના જાણીતા ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવર, જેઓ BharatPeના સ્થાપક છે. આ ઉપરાંત, વિનીતા સિંઘ, સુગર કોસ્મેટિક્સના સહ-સ્થાપક અને CEO, પીયૂષ બંસલ, Lenskart.comના સ્થાપક અને CEO, નમિતા થાપર, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, Emcure ફાર્માસ્યુટિકલ્સ, shadi.comના સ્થાપક અનુપમ મિત્તલ, મામાઅર્થની ગઝલ અલગ, બોટના સહ-સ્થાપક અમન ગુપ્તાએ શોની પ્રથમ સિઝનમાં શાર્કની ભૂમિકા ભજવી હતી.

શાર્ક ટેન્ક ઈન્ડિયા એ વિદેશી રિયાલિટી શો ‘શાર્ક ટેન્ક’નું ભારતીય વર્જન છે. આ શોમાં શાર્ક તરીકે પસંદ કરાયેલા ઉદ્યોગપતિઓ તેમને રજૂ કરેલા વિચારોમાં રોકાણ કરે છે. ભલે શાર્ક ટેન્ક ઈન્ડિયા ટીઆરપી ચાર્ટ પર કંઈ ખાસ બતાવી શકી ન હતી, પરંતુ આ શો સોશિયલ મીડિયા પર ઘણો સુપરહિટ સાબિત થયો હતો. આ શોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. વાયરલ વિડિયોની સાથે શાર્ક ટેન્ક ઈન્ડિયા અને તેમની શાર્ક પર ઘણા મીમ્સ પણ બનાવવામાં આવ્યા હતા, જેને ચાહકોએ ખૂબ એન્જોય કર્યા હતા

(12:40 am IST)