Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

યુક્રેને કહ્યું - યુદ્ધ સતત ચાલુ હોવાથી શાંતિ મંત્રણા પડી ભાંગશે : રશિયાનો જવાબ-પ્રતિબંધો ઉઠાવી લેવાય તે અનિવાર્ય પૂર્વશરત

નવ- નવ સપ્તાહો સુધી પાટનગર કીવ લઈ ન શકતા મોસ્કો હવે દક્ષિણ અને પૂર્વ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે

કીવ : યુક્રેન યુદ્ધ ત્રીજા મહિનામાં પ્રવેશી ચૂક્યું છે ત્યારે યુક્રેન અને રશિયાએ શાંતિ મંત્રણા પડી ભાંગવા અંગે પરસ્પર ઉપર આક્ષેપબાજી શરૂ કરી દીધી છે. યુક્રેન કહે છે કે પૂર્વમાં હજી પણ યુદ્ધ ચાલી રહ્યું હોવાથી અને રશિયાની બોમ્બવર્ષા અટકી ન હોવાથી શાંતિ- મંત્રણા પડી ભાંગે તે સહજ છે જ્યારે રશિયાના વિદેશમંત્રી સર્જી લેવારૉવે આજે (શનિવારે) કહ્યું હતું કે, પશ્ચિમે રશિયા ઉપર મુકેલા પ્રતિબંધો ઉઠાવી લેવાય તે શાંતિ મંત્રણા માટેની પૂર્વ શરત છે.

બીજી તરફ યુક્રેનના પ્રમુખ વૉલોડીમીર ઝેેેલેનસ્કીએ પોલેન્ડના પત્રકારોને કહ્યું હતું કે, એક મહિના સુધી અટકી ગયેલી શાંતિ મંત્રણા પડી ભાંગવાની શક્યતા છે, કારણ કે રશિયાએ હત્યાકાંડ હજી અટકાવ્યો નથી.

આ ઉપરાંત યુક્રેને કીવમાંથી પાછા ફરી રહેલા રશિયન દળોએ અત્યાચારો આચર્યા હોવાનો દાવો કર્યો છે, પરંતુ રશિયાએ તે નકારી કાઢ્યો છે.

ઉલ્લેખનીય છે કે નવ- નવ સપ્તાહો સુધી પાટનગર કીવ લઈ ન શકતા મોસ્કો હવે દક્ષિણ અને પૂર્વ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યુ છે. પરંતુ ૫૦ લાખ જેટલા યુક્રેનીઓ દેશ છોડી અન્ય દેશોમાં આશ્રય લઈ રહ્યા છે.

રશિયાએ યુક્રેનના દક્ષિણના શહેર ખેરસન કબ્જે કર્યું છે અને દક્ષિણ પૂર્વમાં રહેલા મારિયુપોલ બંદરનો મોટો ભાગ પણ કબ્જે કર્યો છે. આ શહેરના વિશાળ સ્ટીલ પ્લાંટમાં આશ્રય લઈ રહેલા સેંકડો નાગરિકો અને સૈનિકોને સહી-સલામત બહાર કાઢવા યુનો પ્રયત્નો કરી રહ્યું છે.

યુક્રેન જણાવે છે કે, રશિયા લીયાનના ડોનેત્સ્ક, સી.વી. રોડૉનેત્સ્ક અને લુહાન્સ્કના પોપસ્ના ઉપર બોમ્બવર્ષા કરી રશિયા પોતાની સ્થિતિ મજબૂત કરી રહ્યું છે.

ગુરૂવારે રશિયાએ રહેણાંકના મકાનો ઉપર તોપમારા કર્યા હતા તેથી સેંકડો નાગરિકો ઇજાગ્રસ્ત થયા હતા. અનેકના મૃત્યુ થયા હતા જેમા અમેરિકાની સહાયથી સ્થાપવામાં આવેલા રેડીયો ફ્રી યુરોપ/ રેડીયો લિબર્ટીના પ્રોડયુસરવીરા હીરીસનું પણ નિધન થયું હતું તેઓનો મૃતદેહ મકાનના કાટમાળ નીચેથી મળી આવ્યો હતો.

દરમિયાન અમેરિકાના સાંસદોએ કીવને નવા શસ્ત્રોની જબરજસ્ત સહાય આપવા નિશ્ચય કર્યો છે.

 

(11:23 pm IST)